ગાંધીનગર: આજકાલ લોકોમાં રીલ બનાવવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે, કાયદાનું પણ પાલન કરતા નથી, તેવામાં ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ બહુચરાજી મંદિરમાં એક યુવકે છરા (હથિયાર) સાથે રિલ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. જો કે પોલીસે આ યુવકને ઝડપી લઇ ઉઠક બેઠક કરાવી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ બહુચરાજી મંદિરમાં બેયર ગામના નારસંગ ઉર્ફે પીન્ટુ સોલંકી નામના યુવકે હથિયાર સાથે રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બહુચરાજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બેયર ગામના નારસંગની ધરપકડ કરી જે સ્થળ ઉપર એટલે કે મંદિરમાં રીલ બનાવી હતી, ત્યાં જ તેને લાવીને ઉઠક બેઠક કરાવી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.