સુરત: શહેરની સિટી બસમાં અનેકોવાર લડાઈ ઝઘડા થતા હોવાના કિસ્સા બનતા રહે છે. આવો જ એક કિસ્સો બુધવારે તા. 26 જૂનના રોજ સુરતની સિટી બસમાં બન્યો છે. એક યુવકે સિટી બસના કન્ડક્ટરનો કોલર પકડી તેને ધમકાવ્યો હોવાનો કિસ્સો બન્યો છે.
- સુરતની સિટી બસમાં યુવકે કન્ડક્ટરનો કોલર પકડ્યો
- ભાજપના ધારાસભ્યનો છોકરો છું, કહી દમદાટી આપી
- લાખો રૂપિયાની નોટોના બંડલો બતાવી રોફ જમાવ્યો
આ યુવકે લાખો રૂપિયાની નોટોનું બંડલ બતાવી પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવ્યો હતો. આ સમગ્ર ઘટનાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લેવાઈ હતી, જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કન્ડક્ટરને ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટના બુધવારે તા. 26 જૂનના રોજ સુમુલ ડેરી રોડ પર બની હતી. અહીંથી પસાર થતી સિટી બસના કંડક્ટર સાથે એક યુવકે ઉગ્ર બોલાચાલી કરી ધાકધમકી આપી હતી.
વધુમાં મળતી માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે એક યુવક ચઢ્યો હતો. અમરોલી જવા માટે પેસેન્જરોને દરવાજા પાસે ઉભો રહી કન્ડક્ટર બૂમો પાડતો હતો ત્યારે આ યુવક બસમાં ચઢ્યો હતો. બસમાં ચઢ્યા બાદ તેણે કન્ડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઉભો રહે છે કહી ધમકાવ્યો હતો. પોતે ભાજપના ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જમાવી તે યુવકે સિટી બસના કન્ડક્ટરનો કોલર પકડી લીધો હતો.
કોલર કેમ પકડે છે? એવું કન્ડક્ટરે પૂછતા પોતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ યુવકે જમાવ્યો હતો. યુવક પાસે એક બેગ હતી. તે બેગમાંથી 500ની નોટોનું લાખો રૂપિયાનું બંડલ કાઢી કન્ડક્ટરને દેખાડી રોફ જમાવ્યો હતો. ભીખારી સમજશ… એવા વાક્યો બોલ્યો હતો. પોતાના મોબાઈલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલના ફોટો મુકેલો એક પાપા લખેલો નંબર બતાવી રોફ જમાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ કન્ડક્ટરે પોલીસને બોલાવવાની ચીમકી ઉચ્ચારી હતી. બાદમાં યુવક સુમુલ ડેરી રોડ પર જ ઉતરી ગયો હતો.
આ ઘટના અંગે કન્ડક્ટરે પોલીસ કંટ્રોલ રૂમ અને સિટી લિંકના કોર્ડિનેટરને જાણ કરી હતી. સિટી લિન્કના કંડક્ટરે કહ્યું કે, રૂટ નંબર 148ની સિટી બસમાં કંડક્ટર સાથે મુસાફરે માથાકૂટ કરી હોવાની ઘટના બની છે. 100 નંબર ડાયલ કરી ફરિયાદ આપવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે. યુવક કોણ હતો તે હજુ જાણી શકાયું નથી.
મારે તે યુવક સાથે કોઈ સંબંધ નથી: પરેશ પટેલ
વાયરલ વીડિયોમાં યુવક પોતે ધારાસભ્ય પરેશ સોજીત્રાનો પુત્ર હોવાનો દાવો કરે છે અને મોબાઈલમાં ફોટો પરેશ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનનો બતાવે છે. હવે આ મામલે પરેશ પટેલે ખુલાસો કર્યો છે. પરેશ પટેલે કહ્યું કે, તે યુવકને હું ઓળખતો નથી. તે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મેં આ અંગે સુરત મનપામાં જાણ કરી દીધી છે.