પૂર્વ પત્ની, તેના પ્રેમીના ત્રાસથી કંટાળી મોટા વરાછાના વેપારી યુવકે આપઘાત કર્યો છે. આપઘાત કરતા પહેલાં યુવકે સ્યુસાઈડ નોટ લખી હતી અને એક વીડિયો બનાવ્યો હતો, જેમાં યુવકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી કહ્યું હતું કે, મોદીજી છોકરાઓ માટે કાયદો બનાવો.
ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં વીડિયોમાં જયદીપે આરોપ લગાવ્યા તેમ તમામની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી પોલીસે શીતલ રાઠવા અને તેના પ્રેમી મોહસિન ઉર્ફે ટાઇગરને ઝડપી લઈ આ વિશે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટા વરાછામાં રહેતા વેપારી જયદીપ સાટોડિયા નામના યુવકે પૂર્વ પત્નીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આરોપ લગાવી મોતને વ્હાલું કર્યું છે. તેણે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. જોકે, બાદમાં શીતલ અને પરિવારના ઝઘડા વધી રહ્યા હતાં. જેમાં મૃતકના આરોપો અનુસાર, શીતલ ઘરના સભ્યો અને તેને હેરાન કરતી હતી. જેનાથી કંટાળીને જયદીપે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
જોકે, ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું. જયદીપે આપઘાત કરતા પહેલાં પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે પોતાની પૂર્વ પત્ની પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. આ સિવાય વડા પ્રધાન મોદીને પણ પુરૂષો માટે કાયદો બનાવવાની અપીલ કરી હતી.
વીડિયોમાં જયદીપે શું કહ્યું..
મૃતકે પોતાના અંતિમ વીડિયોમાં જયદીપે કહ્યું કે, હું બધાથી હારી ગયો છું, એટલે આ પગલું ભરૂ છું. મમ્મી-પપ્પા મને માફ કરજો, હું હારી ગયો છું. મારી લાઇફ બગાડી નાંખી. હવે મારામાં હિંમત નથી. આ લોકો મને મારે છે. મારી વાઇફ પાસેથી મારા પર ખોટા કેસ કરાવ્યા. ઘરે આવીને મારા મમ્મી-પપ્પા, બહેનને ધમકી આપે છે. હવે મારામાં હિંમત નથી રહી, શીતલે મને મરવા મજબૂર કર્યો છે.
શીતલ તે મારી સાથે કેમ આવું કર્યું? તે બીજાના લીધે મારી લાઇફ ખરાબ કરી દીધી. હવે હું જાઉ છું. આજ સુધી મેં તને આપેલાં બધાં વચન નિભાવ્યા છે. મારી ભૂલ શું હતી કે મેં તારો વિચાર કર્યો? તે મારી જિંદગી ખરાબ કરી નાંખી, તે મારી કદર ન કરી. મને જવાબ દેજે, મેં તારૂ શું બગાડ્યું હતું?
વીડિયોમાં જયદીપે આગળ કહ્યું કે, મારી સગાઈ થઈ ગઈ હતી પરંતુ તું સ્યુસાઇડ કરવા જતી હતી અને તું મારા પગે પડી એટલે મેં તારી સાથે લગ્ન કર્યા હતાં. લગ્ન સાથે જે વચન આપ્યા તે પણ નિભાવ્યા. તારે ઓનલાઇન બિઝનેસ કરવો હતો તો તેમાં પણ મેં મદદ કરી. પણ તે મારી સાથે ગેમ કરી. તે મારી સાથે બહુ ખોટું કર્યું છે. તું મને બોલાવતી તો હું આવતો, મારતી તો માર પણ ખાઈ લેતો. આ બધાં છતાં મેં તને કેટલાં મોકા આપ્યા પણ જેને સુધરવું જ ન હોય તે ન જ સુધરે. શીતલ અને આ લોકોએ મને બહુ હેરાન કર્યો છે. હું હવે હારી ગયો છું અને એટલે જ આ પગલું ભરૂ છું. મને માફી કરી દેજો બધા
મોપેડમાંથી મળી સ્યુસાઇડ નોટ
જયદીપની મોપેડમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જે અનુસાર 2023માં 30 ઓક્ટોબરે શીતલ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ તે નાની-નાની વાતે પરિવાર સાથે ઝઘડા કરતી.
વડાપ્રધાન મોદીને કરી અપીલ
આ સિવાય જયદીપે અંતિમ વીડિયોમાં વડાપ્રધાન મોદીને પણ અપીલ કરી હતી. તેણે કહ્યું કે, ‘મેં આ મામલે પોલીસમાં પણ કેસ કર્યો હતો પણ તે બધાએ મારા પર દબાણ કરી કેસ પરત ખેંચાવી લીધો હતો. છોકરાઓ માટે કોઈ કાયદો જ નથી. દર વખતે છોકરાઓએ મરીને જ સાબિત કરવું પડે છે કે, તે સાચો હતો. મારે વડાપ્રધાન મોદીને એટલું જ કહેવું છે કે, છોકરાઓ માટે પણ કાયદો બનાવો, જેથી તેમને મરીને સાબિત ન કરવું પડે કે તે સાચો હતો. મેં શીતલને પ્રેમ અને પૈસા બધું આપી દીધું હવે મારી પાસે કશું વધ્યું નથી. શીતલ, તેની મિત્ર પ્રણાલી, ટીના, રુચિત, મોહસિન ઉર્ફે ટાઈગર, રિચા, નીરવ, આયાન, કંચન, હીના, દેવલ અને યુવી આ બધાં મારા મોતનાં જવાબદાર છે.