સુરત: વેસુના નવનિર્મિત અવધ કોટી ઈમારતના આઠમા માળેથી નીચે પટકાયેલા મજૂરનું સારવાર મળે એ પહેલાં જ મોત નિપજતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં પણ 9 મા માળેથી શોચ માટે 8 માળે આવેલો ગુલાબ અચાનક નીચે કેવી પટકાયો એ એક પ્રશ્ન બની ગયો છે. ગુલાબ ચાર મહિના પહેલા જ વતનથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હોવાનું મોટાભાઈએ જણાવ્યું હતું.
108ના કર્મચારીઓ એ જણાવ્યું હતું કે નવનિર્મિત બાંધકામના 8 માળેથી કોઈ મજૂર નીચે પડી ગયો હોવાના કોલ બાદ તત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સમાં લઈ સિવિલ લઈ આવતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. મૃતકનું નામ ગુલાબ ગજપતિ સિંગ હોવાનું જાણવા મળ્યું હતું.
રામધારી સિંગ (મૃતક ગુલાબનો મોટાભાઈ) એ જણાવ્યું હતું કે ગુલાબ ચાર મહીના પહેલા જ વતન યુપી થી રોજગારી માટે સુરત આવ્યો હતો. વેસુના અવધ કોટીમાં પ્રોજેકટ માં લેબર કામ કરી ગુજરાન ચલાવી રહ્યો હતો. ગુરુવારની રાત્રે લગભગ 6 વાગ્યા બાદ 9 માળેથી શૌચ કરવા 8 માં માળે આવ્યો હોવાનું સાથી મજૂરોએ જણાવ્યું હતું. ત્યારબાદ નીચે પટકાયા બાદ ખબર પડી હતી કે ગુલાબ 8 માળેથી નીચે પડી ગયો છે.
વધુમાં જણાવ્યું હતું કે ગુલાબને નીચે પટકાતા કોઈએ જોયો નથી. કોઈ અકસ્માત થયો હોય એમ કહી શકાય નહીં. ગુલાબના બે ભાઈ, બહેન અને માતા વતનમાં રહે છે. ઘટનાની જાણ બાદ પરિવાર શોકમાં સરી ગયું હતું. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. ગુલાબના નીચે પટકાયેલી ઘટનાની હકીકત સામે આવે અને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ.