સુરત: શહેરના ભીમરાડ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંની એક બાંધકામ સાઈટ પર માટી ધસી પડતા ડમ્પર નીચે કચડાઈ જવાના લીધે યુવકનું મોત નિપજ્યું છે.
- ભીમરાડના નવનિર્મિત સ્વાગત કલીસ્ટા કોમ્પ્લેશની ઘટના
- સાઈટ ઉપર માટી ધસી પડતા ડમ્પર ચાલક દબાયો
- પરિવારે આર્થિક સહાયની માગ કરી
ભીમરાડ રોડ નજીકના નવનિર્મિત સ્વાગત કલીસ્ટા કોમ્પ્લેક્સની સાઈટ ઉપર બેઝમેન્ટ માટે ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન માટી ધસી પડતા ડમ્પર ચાલક દબાઈને મોતને ભેટ્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. શુક્રવારની મોડી સાંજે બનેલી ઘટના બાદ ડ્રાઇવરને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો.
ડમ્પરનો ડ્રાયવર લઘુશંકા કરવા ગયો ત્યારે જ માટીની દીવાલ ધસી પડી હતી. જીતેન્દ્ર ઉપાધ્યાય ત્રણ સંતાનો ના પિતા અને દોઢ વર્ષ થી સુરતમાં રહેતો હોવાની વિગોત મળી છે. 32 વર્ષીય જીતેન્દ્રના મોત બાદ પરિવારે ગંભીર બેદરકારીથી મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરી આર્થિક સહાયની માંગ કરી હતી.
ડમ્પર ચાલક જિતેન્દ્ર ઉપાધ્યાય પંડિત (ઉં.વ.34 રહે ઘનશ્યામ નગર પાંડેસરા) દોઢ વર્ષથી સુરતમાં ડમ્પર ચાલક તરીકે કામ કરતો હતો. શુક્રવારે બપોરે ભીમરાડ રોડ ઉપર એક નવનિર્મિત ક્લિસ્તા કોમ્પ્લેક્સની સાઇટ ઉપર બેઝમેન્ટ માટે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે જિતેન્દ્ર ખોદકામ બાદ નીકળેલી માટી ભરવા 25 ફૂટ નીચે ટ્રક લઈને ગયો હતો. દરમિયાન અચાનક માટી ધસી પડતા માટી નીચે દબાઈ જતા તે ગંભીર રીતે ઘવાયો હતો.
પરિવારે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત હાલતમાં જીતેન્દ્રને નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાયો હતો. તેના પરિવારમાં ત્રણ સંતાન, પત્ની અને માતા-પિતા છે. ઘટનાની જાણ બાદ પંડિત પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મિત્રોએ કહ્યું હતું કે નવનિર્મિત કોમ્પ્લેક્સનું કામ 8 મહિનાથી ચાલી રહ્યું હતું. JCB થી માટી કાઢતા જ માટી ની દીવાલ ડમ્પર બહાર ઉભેલા જિતેન્દ્ર પર પડી હતી. ઘટનાને નજરે જોનારાઓએ બુમાબુમ કરી દેતા લોકો ભેગા થઈ ગયા હતા.
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, પંડિત પરિવારનો આર્થિક સહારો જિતેન્દ્ર જ હતો. નાના ભાઈની પણ સંપૂર્ણ જવાબદારી તેના પર જ હતી. ઘટના અકસ્માત નથી, ગંભીર બેદરકારી ને કારણે તે મોત ને ભેટ્યો હોવાનો પરિવારે આરોપ મૂક્યો હતો. યોગ્ય આર્થિક સહાય નહીં મળે તો મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી પરિવારજનોએ ઉચ્ચારી હતી. હાલ પોલીસ તપાસ ચાલુ છે.