SURAT

છાતીમાં ઘોંચાયેલી કાતર સાથે યુવક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો!

સુરત: પાંડેસરા વિસ્તારમાં એક અજબ ઘટના બની હતી, જેમાં સિલાઈ મશીનમાં કામ કરતા એક શ્રમજીવી  યુવકની છાતીમાં કાતર ઘૂસી જવાને કારણે ગંભીર હાલતમાં સારવાર માટે નવી  સિવિલ  હોસ્પિટલ  દાખલ કરવામાં આવ્યો હતો. છાતીમાં કાતર ઘોંચાયેલી હાલતમાં દર્દીને જોઈને હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ચોંકી ગયા હતા. ડોક્ટરોએ તાત્કાલિક કુશળતાપૂર્વક કાતર બહાર કાઢીને યુવકનો જીવ બચાવ્યો છે. 

  • પાંડેસરામાં સિલાઈ મશીન પર કામ કરતો શ્રમજીવી મજાક મસ્તી કરતો હતો અને હાથમાં કાતર સાથે પટકાયો તો છાતીમાં ઘોંચાઈ ગઈ
  • સિવિલનો સ્ટાફ ચોંકી ગયો પરંતુ તુરંત સારવાર કરી યુવકનો જીવ બચાવી લીધો

સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ  મૂળ ઉત્તર પ્રદેશના  વતની અને  હાલ  પાંડેસરા ચીકુવાડી ખાતે  સિલાઈનું કામ કરતા 27 વર્ષીય  અખિલ તેના ભાઈ અને પિતરાઈ ભાઈઓ સાથે કામ કરે છે. ગુરુવારે સવારે  અખિલ મિત્રો સાથે મજાક-મસ્તી કરતો હતો અને કાતરથી કાપડ કાપી રહ્યો હતો. દરમિયાન અચાનક તેનો પગ લપસ્યો હતો અને નીચે પડતાં હાથમાં રહેલી ખૂલ્લી કાતર તેની છાતીમાં ઘૂસી ગઈ હતી.

ભાઈ અને સાથી કારીગરોએ અખિલને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી  સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે નવી સિવિલ હોસ્પિટલમાં યુવકની છાતીમાં ઘૂસેલી કાતર જોઈને ડોક્ટરો અને સ્ટાફ ચોંકી ઉઠ્યા હતા. ડોક્ટરોએ પરીસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી.

સારવાર બાદ  કાતર બહાર કાઢી અખિલનો જીવન બચાવ્યો હતો. અખિલની છાતીમાં ત્રણથી વધુ ટાંકા લેવામાં આવ્યા છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અખિલના ભાઈ હલીમ ખાને જણાવ્યું કે આ એક અકસ્માત હતો અને ડોક્ટરોની સમયસરની મદદથી તેમના ભાઈનો જીવ બચ્યો છે. અખિલ સ્વસ્થ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Most Popular

To Top