સુરત: ભેસ્તાનમાં આઘાતજનક ઘટના બની છે. અહીંના એક એપાર્ટમેન્ટના લિફ્ટના કંટ્રોલ રૂમમાં કરંટ લાગતા આશાસ્પદ એન્જિનિયર યુવાનનું મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાનના આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટમાં લિફ્ટના કંટ્રોલ રૂમમાંથી બેભાન મળી આવેલા BE ઇલેક્ટ્રિક ઈજનેરને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સિલજુ થોમસના 6 મહિના પહેલા જ લગ્ન થયા હતા. બાજુના બિલ્ડિંગમાં લિફ્ટ ખોટકાઈ ગઈ હોવાનું જાણવા મળતા સિલજુ લિફ્ટ રીપેરીંગ માટે છઠ્ઠા માળે લિફ્ટના કંટ્રોલ રૂમમાં ગયા હતા.
પરિવારે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની સાંજની હતી. સિલજુ અબ્રાહ્મ થોમસ (ઉં.વ.28) ભેસ્તાનની આકાશ પૃથ્વી એપાર્ટમેન્ટમાં જ રહેતો હતો. નવરાત્રીનો સમય હતો. બાજુના એપાર્ટમેન્ટ માં લિફ્ટ ખોટકાઈ ગઈ હોવાની બુમો પડી હતી. જેને લઈ સિલુજ લિફ્ટ રિપેર કરવા માટે બિલ્ડિંગના છઠ્ઠા માળે લિફ્ટના કંટ્રોલ રૂમમાં ગયો હતો.
જોકે મોડે સુધી પરત નહીં ફરતા પિતા તપાસ કરવા ગયા હતા. જ્યાં સિલજુ બેભાન હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં મૃત જાહેર કરાતા પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું.