Dakshin Gujarat Main

રાઈડમાં બેસતા પહેલાં આ વીડિયો જોઈ લો, બારડોલીના મેળામાં ઓપરેટરની ભૂલના લીધે દુર્ઘટના સર્જાઈ

બારડોલી : ઉનાળું વેકેશનમાં ઠેરઠેર મેળાના આયોજનો થયા છે પરંતુ આ મેળાઓમાં સલામતીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. બારડોલી સ્વરાજ આશ્રમ મેદાનમાં ચાલી રહેલા ઉત્સવ મેળામાં ઓપરેટરની ભૂલના મોટો અકસ્માત સર્જાયો છે. અહીં રાઈડમાંથી ઊતરતી વખતે અચાનક રાઈડ ચાલુ થઈ જતાં મહિલા અને બાળક પડી જતાં બંને ઇજા થઈ હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી સ્વરાજ આશ્રમમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય આશિષ અર્જુનસિંહ સીસોદિયા (ઉ.વ. 29, રહે અભિરામ નગર, શાસ્ત્રી રોડ, બારડોલી) દ્વારા ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિવિધ પ્રકારના મનોરંજનએનએસએ સાધનો જેવા કે જોઇન્ટ વ્હીલ, નાવડી, બ્રેક ડાન્સ, ડ્રેગન ટ્રેન, બોનસી, મિનિ ટ્રેન. કેટર પિલર અને નાના બાળકો માટેની રાઇડ્સ સહિતના સાધનો ઉપરાંત શોપિંગ માટેની દુકાનો પણ લગાવવામાં આવી છે.

જોકે આ મેળામાં સલામતીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ગત રાત્રે મેળાની બ્રેક ડાન્સ નામની એક રાઈડની મજા માણવા માટે લોકો બેઠા હતા. પરંતુ રાઈડ પૂરે પૂરી ભરાઈ ન હોય તે ચાલુ કરી ન હતી. આથી કેટલાક લોકો ઉઠીને જવા લાગતાં ઓપરેટરે અચાનક જ રાઈડ ચાલુ કરી દીધી હતી.

તે જ સમયે રાઈડ પરથી ઉતરી રહેલી મહિલા તેના બાળક સાથે નીચે પટકાઈ હતી. મહિલાને પગમાં ઇજા થઈ હતી. આથી મેળામાં હાજર લોકો એકત્રિત થઈ ગયા હતા અને મેળાના સંચાલકોનો ઉધડો લઈ ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે ઇજાગ્રસ્ત મહિલાએ આ અંગે કઈ પણ કરવાનું ન કહેતા અંતે મામલો થાળે પડ્યો હતો.

આ મામલે બારડોલી ડીવાયએસપીએ જણાવ્યુ હતું કે, ગઈ કાલે બનેલી ઘટનામાં એક મહિલાના પગમાં મચક આવી હતી. રાઈડમાં ઇલેક્ટ્રીક ખામીને કારણે કોઈ ઘટના બની નથી. આ અંગે બારડોલી ટાઉન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કોઈ ભૂલ કે ખામી જણાશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.

નોંધનીય છે કે આ મેળામાં સલામતીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. તમામ રાઈડોમાં ક્યાંય સલામતી નથી તો ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે મેળામાં જતાં લોકોએ રાઈડમાં બેસતા પહેલા ચેતવાની જરૂર છે.

Most Popular

To Top