સુરત: મોટા વરાછા ખાતે શેરીમાં બેઠેલી મહિલાઓની ધડુક પિતા-પુત્રએ કારમાં આવીને છેડતી કરી હતી. કારનો કાચ ખોલીને તમારા પતિઓ બાયલા છે કઈ કરતા નહીં હોય અમારી સાથે ચાલો તમને મજા કરાવીશું તેમ કહીને ચાલો ત્રણેય ગાડીમાં બેસી જાવ તેમ કહીને ગાડીમાં બેસી જવા બિભત્સ ઇશારા કરી છેડતી કરી હતી.
મોટા વરાછા ખાતે રહેતી 29 વર્ષીય પરિણીતાએ ગઈકાલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં હર્ષદભાઇ ઘુસાભાઇ ઘડુક ઉર્ફે રામભાઇ તથા તેના પિતા ઘુસાભાઇ ઘડુક (બંને રહે.મકાન નં-૪૩, નંદ બંગલો, અબ્રામા રોડ, મોટા વરાછા) ની સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ગત 14 સપ્ટેમ્બરે સાંજે તેમની સોસાયટીમાં રહેતી અન્ય મહિલાઓ શેરીમાં સાથે બેઠા હતા અને વાતચીત કરતા હતા.
તે વખતે નંદ બંગ્લોઝમાં રહેતા હર્ષદ ધડુક તથા બીજા ત્રણેક માણસો ચાલતા ચાલતા તેમની પાસેથી પસાર થયા હતા. અને તેમની તરફ જોઈને ગાળો બોલતા ગયા હતા. થોડા આગળ જઈને પરત આવી હર્ષદભાઈના નાના ભાઈ સિદ્ધરાજ તેમની મર્સડિઝ લઈને જતા રહ્યા હતાં. દરમિયાન ગત 15 તારીખે પરિણીતા તેમના પતિ તથા અન્ય એક દંપત્તિ સાથે ઘરની સામે બેઠા હતાં. ત્યારે હર્ષદભાઈ અને તેના પિતા ઘુસાભાઈ કાર લઈને આવ્યા હતા.
હર્ષદભાઈએ કારનો કાચ ખોલીને તમારા પતિઓ બાયલા છે કઈ કરતા નહીં હોય અમારી સાથે ચાલો તમને મજા કરાવીશું તેમ કહ્યું હતું. હર્ષદના પિતાએ પણ ચાલો ત્રણેય ગાડીમાં બેસી જાવ તેમ કહીને ગાડીમાં બેસી જવા બિભત્સ ઇશારા કરી જતા રહ્યા હતા. આ અંગે મહિલાએ પિતા-પુત્રની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.