વાંકલ: માંગરોળના દેગડિયા ગામે દીપડાએ હુમલો કરતાં મહિલાનું મોત થયું હતું. દીપડો મહિલાને ઘસડીને 400 મીટર દૂર ખેતરમાં લઈ ગયો હતો. વનવિભાગે મહિલાના મૃતદેહનો કબજો લીધો હતો.
- દીપડો મહિલાને ઘસડીને 400 મીટર દૂર ખેતરમાં લઈ ગયો
- વનવિભાગે ગીતા વસાવાના મૃતદેહનો કબજો લીધો
માંગરોળના દેગડિયા ગામે મંદિર ફળિયામાં રહેતી ગીતા રવિયા વસાવા (ઉં.વ.40) પર દીપડાએ હુમલો કરતાં ગંભીર ઈજાઓના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. તેઓ વાડામાં કુદરતી હાજતે જવા બહાર નીકળ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. તેમની બહેન જીનલ વસાવાએ ઘરમાં આમતેમ જોતાં નજરે ના પડતાં ગ્રામજનોને જાણ કરી હતી. મહિલાને 400 મીટરના અંતરે ઘસડીને દીપડો અતુલ પટેલના શેરડીના ખેતરમાં લઈ ગયો હતો. આ બાબતે ગામના સરપંચે વાંકલ રેન્જના આરએફઓ હિરેન પટેલ અને માંગરોળ પોલીસને જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વનવિભાગ મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોસાલી ખાતે લઈ ગયો હતો. આ બનાવને પગલે વન વિભાગે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ આદરવા સાથે પાંજરું પણ ગોઠવ્યું હતું. દીપડાઓના વધી રહેલા આતંકને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દીપડાને વહેલી તકે પાંજરામાં પૂરે એવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે.