SURAT

પૂજા માટે પ્રસાદી બનાવતી વખતે સિટીલાઈટના ફ્લેટમાં આગ લાગતા 15 લોકો ફસાયા, મહિલાનું મોત

સુરત: શહેરનાં સિટીલાઇટ (Citylight) વિસ્તારમાં અશોક પાનની (AshokPan) સામે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટનાં 10માં માળે ગુરુવારે રાત્રે 8:45 કલાકે અચાનક ભીષણ આગ (Fire) લાગી હતી. પૂજા પાઠ માટે 15 જેટલા લોકો અહીં ફ્લેટમાં ભેગા થયા હતા, ત્યારે પ્રસાદી બનાવતી વખતે ગેસ લિકેજના કારણે આગ ફાટી નીકળતાં 15 જેટલા લોકો આ આગમાં ફસાયા હતા. જેમાં ઘરકામ માટે આવેલા 55 વર્ષના રાધાબેનનું દાઝી જવાથી મોત થયું હતું. જ્યારે બે બાળકીઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી.

  • પૂજાપાઠ દરમિયાન ગેસ લીકેજ થતા જ જોતજોતામાં આગે વિકરાળ રૂપ લઈ લીધું હતું. ઘરમાં ફસાયેલા 14 લોકોને ફાયર વિભાગે લિફ્ટ દ્વારા બચાવ્યા
  • આ સિવાય બે બાળકીઓ દાઝી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ જ્યારે રાધાબેન બારૈયાનું મોત

સુરત મનપાના ફાયરબ્રિગેડને જાણ કરતાં સ્થળ પર પહોંચેલા જવાનોએ જોયું કે આગ ઝડપભેર ફેલાઈને મુખ્ય દરવાજા સુધી પહોંચી ગઈ હતી. આથી ફાયર વિભાગે લિફ્ટ લાવી નીચે અને આજુ બાજુના ફલેટ પાસે પહોંચીને કુલ 15 જણાને રેસ્ક્યુ કર્યા હતા. એ પૈકી ગંભીર રીતે દાઝી ગયેલા 55 વર્ષીય રાધાબેન બારૈયાનું નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.

જ્યારે અર્પિત (13 વર્ષ)અને રૈયા (6 વર્ષ)નામના બે બાળકો ગંભીર રીતે દાઝી જતા તેઓને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગને કારણે લોકો બેભાન જેવા થઈ ગયા હતા. એ પૈકી કેટલાકને 108 બોલાવી સારવાર આપવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, સિટીલાઇટ વિસ્તારમાં અશોક પાનની સામેની ગલીમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા સંજીવ ટીબરીવાલાએ પોતાનાં ઘરમાં પૂજાપાઠનું આયોજન કર્યું હતું, એમાં મહેમાનો ભેગા થયા હતા. રાત્રે પૂજાની પ્રસાદી તૈયાર કરતી વખતે અચાનક ઘરમાં આગ લાગી હતી, અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશ્કરોએ બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ તેમ છતાં જાનહાની ટાળી શકાય નહીં હતી. ઘટનામાં ઘરકામ માટે આવેલી મહિલાએ જીવ ગુમાવ્યો હતો. દેવકૃપા એપાર્ટમેન્ટનાં 10માં માળે આગ લાગી હોવાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. જો કે ફાયરની ટીમે સમય સૂચકતા વાપરીને તમામ ફસાયેલા મહેમાનોને બચાવી લીધા હતા.

Most Popular

To Top