SURAT

પહેલી વાર પોંકમાં અઠવાડિયાનું વેકેશન, આ દિવસથી ફરી વેચાણ શરૂ થશે

સુરત : શિયાળો શરૂ થાય એટલે સુરતના પોંકની વાત અવશ્ય આવે છે. એકપણ મૂળ સુરતી એવો નહીં હોય કે જે આ સિઝનમાં પોંકનો સ્વાદ માણવાનું ચૂકતો નહીં હોય. જો કે હવે સુરતના પોંક પર પણ વાતાવરણની નજર લાગી ગઇ હોય તેમ વર્ષ પ્રતિવર્ષ સિઝન મોડી થતી જાય છે.

  • માત્ર એક જ સ્ટોલધારક બે દિવસ પોંક વેચી શક્યા હવે આ અઠવાડિયાના અંતમાં પોંકનગરી ધમધમતી થઇ જશે
  • સુરતનો જ પોંક એવો હોય છે કે, જેનો સ્વાદ આખી સિઝનમાં એક સરખો જ રહે છે

અગાઉ કેટલાક વખત પોંક ખલાસ થઇ જાય ત્યારે એક બે દિવસ પોંકનું વેચાણ બંધ રાખવું પડ્યું છે પરંતુ પહેલી વખત આ વર્ષે એક સપ્તાહનું વેકેશન પડ્યું છે. સુરતની પોંકનગરીમાં એક વિક્રેતાએ બે દિવસ પોંકનું વેચાણ કર્યું હતું હવે શનિવારથી પોંક ફરી મળતો થઇ જશે.

વર્ષો પહેલા અડાજણ પાટિયાથી રાંદેર ટાઉનની વચ્ચેની જમીનો જે ગોરાટ જમીનથી ઓળખાતી હતી તેના પોંકનો સ્વાદ દાઢ પરથી ઉતરે તેવો ન હતો પરંતુ હવે ત્યાં વસાહતો બની જતા જમીનો રહી નથી અને સ્વાદ માટે જાણીતો પોંક હજીરા રોડ ઉપર આવેલા ગામોની જમીનોમાં થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં બારડોલી અને કરજણનો પોંક પણ મળે છે. જો કે, સુરતની વાત કરીએ તો અહીં સિઝન શરૂ થાય ત્યારથી તેના અંત સુધી પોંકનો સ્વાદ એક સરખો જ રહે છે.

પોંકના વિક્રેતા અને પાલ ગામમાં રહેતા ઇશ્વરભાઇના જણાવ્યા અનુસાર હાલમાં તેમના ભાઠાના ખેતરોમાં પોંક લહેરાવવા લાગ્યો છે. બે દિવસ સુધી તેમણે પોંકનું વેચાણ કર્યા બાદ પોંક ખલાસ થઇ ગયો હતો. હવે આ અઠવાડિયાના અંતમાં એટલે કે શુક્રવાર અથવા શનિવારથી પોંક મળતો થઇ જશે અને સુરતીઓ તેનો સ્વાદ માણી શકશે. છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી વરસાદના કારણે પોંકના પાક ઉપર માઠી અસર પડી રહી છે.

આ ઉપરાંત પોંક પાડવાના મજૂરોની અછત પણ એક સમસ્યા છે. જો કે હવે આ અઠવાડિયાના અંત સુધીમાં પોંકના તમામ સ્ટોલ ધમધમતા થઇ જશે. પહેલા પોંક નગરી અડાજણ પાટિયા પાસે શીતલ ટોકીઝની બાજૂમાં ધમધમતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે સરદારપુલની નીચે અને સરિતા સાગર સંકુલની બાજુમાં ધમધમે છે. ભાઠામાં તેમના ખેતરોમાં પોંક એક બે દિવસમાં ઉતારવામાં આવશે એટલે આ અઠવાડિયાથી સુરત ઉપર પોંકની સોડમ છવાઇ જશે.

Most Popular

To Top