Charchapatra

ન્યાયતંત્ર પર ડગમગતો વિશ્વાસ

સામાન્ય માનવીને એકમાત્ર ભરોસો ન્યાયતંત્ર પર હતો. પોલીસ ભૂલ કરે, તંત્ર ભૂલ કરે, સરકાર ભૂલ કરે તો ન્યાયતંત્ર કાન પકડતું હતું. એવા સમયે દેશની હાઇકોર્ટના બે જજો સામે શંકાની સોય તકાય ત્યારે સામાન્ય માણસનો વિશ્વાસ ડગી જવો સ્વાભાવિક છે. દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માના ઘરમાં આગ લાગી ત્યારે આગ ઓલવતા અઢળક બેહિસાબી નાણું મળ્યું. વધુ આઘાત તો ત્યારે લાગ્યો કે જ્યારે જજની બદલી અલાહાબાદ હાઇકોર્ટમાં બદલી કરી અને કોલેજીયમે સ્પષ્ટતા કરી કે આ બદલીને ઘરમાંથી મળેલા બેહિસાબી નાણાં સાથે સંબંધ નથી.

અલાહાબાદના જજે બળાત્કાર વિષે જે શબ્દો વાપર્યા તે અહી ગુજરાત મિત્રની આવી પ્રતિષ્ઠિત કૉલમમાં લખી શકાય તેમ નથી. જજ પણ કાળા માથાના માનવી છે, એમનાથી પણ ભૂલ થાય. પરંતુ જ્યારે લોકશાહીના અન્ય સ્તંભો પર સામાન્ય માણસનો વિશ્વાસ ડગી ગયો હોય અને માત્ર ન્યાયતંત્ર પર વિશ્વાસ હોય ત્યારે આવા બનાવો બને ત્યારે લોકશાહીના ભવિષ્ય વિષે શંકા જાગવી સ્વાભાવિક છે. સજાને નામે ફક્ત તેમની બદલી કરીને સંતોષ લેવાતો હોય તો દેશની પ્રજા ન્યાયતંત્ર પરથી વિશ્વાસ કાયમને માટે ગુમાવી દેશે.
બારડોલી          – કેદાર રાજપૂત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

RTIનો દુરૂપયોગ
સુરત શહેર પોલીસ કમિશ્નર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ, કાયદાની આડમાં ખંડણી માંગતા ઘણાં ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. આવા લોકો વર્ષોથી RTIનો દુરૂપયોગ કરી તેને રીતસરનો ધંધો બનાવતા આવેલા હતા. આવા લોકોને એ વાતનો તદ્દન ખ્યાલ નથી કે, આ કાયદો કેટલી મહેનત અને મુશ્કેલીઓ સહન કર્યા પછી અમલમાં આવેલો છે. મનરેગા કર્મીઓ, રાશન કાર્ડ ધારકો, સામન્ય લોકો જેમને નાના કામોમાં લાંચ ખાતર ધક્કા ખવડાવવામાં આવતા હતા. ભૂતિયા કર્મીઓને પગાર ચૂકવવા.

આવા ભ્રષ્ટાચારને સામે લાવવા માહિતી અધિકાર જેવા કાયદાની જરૂર માટે અભણ અને અકિંચન લોકોએ મહામહેનત અને તકલીફો વેઠી, રાજસ્થાનના બ્યાવર ગામથી શરૂ થયેલી મજદૂર કિસાન શક્તિ સંગઠનની મુહિમ; બાદ આ કાયદો 2005માં આવ્યો હતો. RTI ના મૂળ ભારતીય બંધારણ અનુચ્છેદ ૧૯(૧) હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં સમાયેલ છે. આ કાયદો પારદર્શિતા અને જવાબદારી માટે ખૂબ જરૂરી છે અને રહશે, છેવટે લોકશાહી માટે અતિ જરૂરી છે. અમુક તત્વોને કારણે આ કાયદાને ધબ્બો લાગે છે પણ આ કાયદો અતિશય જરૂરી અને પવિત્ર છે. સૂકા સાથે લીલુ ન બળે અને નિર્દોષ ન ફસાઈ તેની પણ તકેદારી લેવી જરૂરી છે.
સુરત     – રાજકુમાર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top