ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પરત ફર્યા ત્યારથી તેમણે તેમના પરિવર્તનના એજન્ડાને ખૂબ જ ઝડપથી આગળ ધપાવ્યો છે. અમેરિકી સરકારના વડા તરીકે પહેલા જ દિવસે ૭૮ વટહુકમો દ્વારા જો બિડેન દ્વારા બનાવેલા નિયમોને રદ કર્યા ત્યારથી તેમણે તેમની કાર્યસૂચિને અમલમાં મૂકવા માટે ડઝનબંધ આદેશો જારી કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાનાં લાખો સરકારી કર્મચારીઓ ચિંતિત છે, જેમને નોકરી ગુમાવવાનો ડર છે. આ ઉપરાંત હજારો કંપનીઓ, ઢગલાબંધ NGO અને ઘણાં લોકો પણ મૂંઝવણમાં છે કે તેમને જે સરકારી સહાય મળી રહી હતી તે ચાલુ રહેશે કે નહીં.
આ આદેશોએ ઘણાં લોકો અને પરિવારો માટે પણ મુશ્કેલીઓ ઊભી કરી છે. ઉદાહરણ તરીકે દસ્તાવેજો વિના અમેરિકામાં રહેતી ગર્ભવતી સ્ત્રીઓને ખબર નથી કે તેમનાં આવનારાં બાળકને અમેરિકન નાગરિકતા મળશે કે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પના ઘણા આદેશોને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે, જે પૈકી દેશના વિવિધ ભાગોમાં અદાલતો દ્વારા ઓછામાં ઓછા છ આદેશોને સ્થગિત કરવામાં આવ્યા છે, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્રમાં હતાશા ફેલાઈ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમના એજન્ડાનો અમલ કરવા માગતા હશે તો તેમણે ન્યાયતંત્ર સામે લડવું પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમનો પહેલો એજન્ડા બિનદસ્તાવેજીકૃત વસાહતીઓ અથવા કામચલાઉ વિઝા પર અમેરિકામાં રહેતાં વિદેશીઓનાં જન્મેલાં બાળકો માટે જન્મજાત નાગરિકતાના અધિકારને સમાપ્ત કરવાનો હતો. અમેરિકાનાં બંધારણના ૧૪મા સુધારા દ્વારા જન્મજાત નાગરિકત્વ પ્રદાન કરવામાં આવ્યું હતું. જ્યારે ટ્રમ્પે આ અધિકારને સમાપ્ત કરવા માટે એક્ઝિક્યુટિવ વટહુકમ બહાર પાડ્યો, ત્યારે તેને દેશભરની વિવિધ અદાલતોમાં પડકારવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં પહેલો ચુકાદો ૨૩ જાન્યુઆરીના રોજ સિએટલના ફેડરલ ન્યાયાધીશે આપ્યો હતો, જેમાં આદેશને અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યો હતો.
આ પછી મેરીલેન્ડના એક ન્યાયાધીશે દેશભરમાં ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર રોક લગાવી દીધી હતી, જ્યારે ૧૦ જાન્યુઆરીએ ત્રીજા ન્યાયાધીશે પણ આવો જ નિર્ણય આપ્યો હતો. રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે સેંકડો અબજો ડોલરની ફેડરલ ગ્રાન્ટ અને લોન રોકવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશનો અમલ મેનેજમેન્ટ અને બજેટ ઓફિસ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ફેડરલ એજન્સીઓને તમામ ફેડરલ નાણાંકીય સહાય અથવા જવાબદારીઓ સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ભંડોળ મેળવનારાંઓમાં કુદરતી આપત્તિ રાહતથી લઈને કેન્સર સંશોધન સુધીનાં ક્ષેત્રોમાં કામ કરતી બિનનફાકારક અને સંશોધન સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ પાછળનો તર્ક આ કાર્યક્રમોની સમીક્ષા કરવાનો હતો. ૨૮ જાન્યુઆરીના રોજ, ન્યાયાધીશ લોરેન અલી ખાને આ નિર્ણય પર કામચલાઉ સ્ટે મૂક્યો હતો. ડેમોક્રેટ શાસિત રાજ્યોએ સાથે મળીને તેની વિરુદ્ધ બીજી અરજી દાખલ કરી, તેને ગેરબંધારણીય જાહેર કર્યું છે. ઘણાં રાજ્યોએ સરકારી આરોગ્ય વીમા કાર્યક્રમ મેડિકેડ હેઠળ પ્રાપ્ત ભંડોળ ઉપાડવામાં મુશ્કેલીઓની જાણ કરી છે. ૩૧ જાન્યુઆરીના રોજ, ન્યાયાધીશ જોન મેકકોનેલે ટ્રમ્પ વહીવટીતંત્રના આ આદેશ પર કામચલાઉ રોક લગાવી દીધી હતી.
કાનૂની કાર્યવાહી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો હતો. ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે કહ્યું કે તે કોર્ટના આદેશથી સર્જાયેલી મૂંઝવણને સ્પષ્ટ કરવા માંગે છે. ૧૦ ફેબ્રુઆરીના રોજ, ન્યાયાધીશ મેકકોનેલે ચુકાદો આપ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર ફેડરલ સહાયનું વિતરણ બંધ રાખીને અદાલતી આદેશનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને વહીવટીતંત્ર પર ચોક્કસ પ્રતિબંધો લાદી શકાય છે. પાંચ પાનાંના તેમના આદેશમાં ન્યાયાધીશ મેકકોનેલે જણાવ્યું હતું કે બાળકોના શિક્ષણ, પ્રદૂષણ નિયંત્રણ અને HIV નિવારણ સંશોધન માટે ફેડરલ ભંડોળમાં અવરોધ ઊભો કરવો એ તેમના ૩૧ જાન્યુઆરીના આદેશનું ઉલ્લંઘન છે.
ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા આદેશોમાં જન્મના આધારે લિંગ ઓળખને મર્યાદિત કરવાનો પણ સમાવેશ થતો હતો. આ સંદર્ભમાં જેલ વહીવટીતંત્રને ટ્રાન્સજેન્ડર મહિલાઓને પુરુષ જેલમાં સ્થાનાંતરિત કરવાનો અને તેમની હોર્મોન થેરાપી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ટ્રાન્સજેન્ડર અધિકાર જૂથોએ આ આદેશની ટીકા કરી હતી અને ચેતવણી આપી હતી કે તેનો અમલ તેમની સલામતી માટે જોખમી બની શકે છે. તેનાથી તેમની હોર્મોન થેરાપી પણ બંધ થઈ ગઈ હતી. ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ સામે અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં ટ્રાન્સજેન્ડર લોકો સામે ભેદભાવ અને તેમના બંધારણીય અધિકારોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ૫ ફેબ્રુઆરીના રોજ વોશિંગ્ટન ડીસીના ફેડરલ ન્યાયાધીશ રોયસ લેમ્બર્થે ત્રણ ટ્રાન્સજેન્ડર મહિલાઓને પુરુષ જેલમાં ટ્રાન્સફર કરવા પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી હતી.
જાન્યુઆરીના અંતમાં ટ્રમ્પ વહીવટીતંત્રે ૨૦ લાખથી વધુ સરકારી કર્મચારીઓને નોટિસ મોકલી હતી, જેમાં તેમને વળતર તરીકે આઠ મહિનાના પગારના બદલામાં સ્વૈચ્છિક રાજીનામું આપવાની ઓફર કરવામાં આવી હતી. આ ઓફર સ્વીકારવાની અંતિમ તારીખ ૬ ફેબ્રુઆરી આપવામાં આવી હતી. આ આદેશ દ્વારા વ્હાઇટ હાઉસે ચેતવણી પણ આપી હતી કે જે લોકો આ ઓફર સ્વીકારતા નથી તેમના માટે નોકરીની કોઈ ગેરંટી નથી.
૧૦ ફેબ્રુઆરી સુધીમાં ૬૫,૦૦૦ સરકારી અધિકારીઓએ આ ઓફર સ્વીકારી હતી. સરકારનાં આ પગલાં પર પ્રશ્નો ઊભા થયા હતા, કારણ કે સરકારી પ્રક્રિયાની કાયદેસરતા અંગે શંકા હતી. ઓફર કરાયેલું વળતર એવા ભંડોળ પર આધારિત હતું જેને હજુ સુધી કોંગ્રેસ દ્વારા મંજૂર કરવામાં આવ્યું નથી. ચાર જાહેર ક્ષેત્રનાં યુનિયનો અને ૨૦ ડેમોક્રેટ વકીલોએ તેને કોર્ટમાં પડકારી હતી. એક ફેડરલ ન્યાયાધીશે તેના અમલીકરણને પણ સ્થગિત કર્યું હતું અને ઓફર સ્વીકારવાની સમયમર્યાદા લંબાવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર સત્તા સંભાળી ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) પર શંકાનાં વાદળો છવાઈ ગયાં છે. નવા વહીવટીતંત્રે તમામ USAID આંતરરાષ્ટ્રીય સહાય કાર્યક્રમો સ્થગિત કરી દીધા હતા અને અમેરિકાની બહાર કામ કરતાં તમામ કર્મચારીઓને પાછાં ફરવાનો આદેશ આપ્યો હતો, જેના કારણે હજારો કર્મચારીઓની રોજગારી સ્થગિત થઈ ગઈ હતી. અમેરિકાનાં કર્મચારી સંગઠનોએ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશને કોર્ટમાં પડકાર્યો હતો અને કહ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર ૧૪ હજાર કર્મચારીઓને ઘટાડીને USAIDમાં કર્મચારીઓની સંખ્યા ૩૦૦ કરવા માંગે છે. ૭ ફેબ્રુઆરીના રોજ એક ફેડરલ ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટીતંત્રની યોજના પર તાત્કાલિક રોક લગાવી દીધી હતી. આ ઉપરાંત એલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી દ્વારા ૨,૨૦૦ USAID કર્મચારીઓના સસ્પેન્શનને પણ અટકાવી દેવામાં આવ્યું હતું.
ન્યાયાધીશ કાર્લ નિકોલસે અગાઉ સસ્પેન્ડ કરાયેલાં ૫૦૦ કર્મચારીઓને કામ પર પાછા ફરવાનો આદેશ પણ આપ્યો હતો. એવો પણ આદેશ આપવામાં આવ્યો હતો કે અમેરિકાની બહાર કામ કરતાં USAID કર્મચારીઓને ૧૪ ફેબ્રુઆરીની મધ્યરાત્રિ પહેલાં ફોન કરી શકાશે નહીં. દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે પોતે ઓવલ ઓફિસમાં બોલતાં ન્યાયાધીશોની ટીકા કરી હતી કે કદાચ તે ન્યાયાધીશોની તપાસ કરવાની જરૂર છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ન્યાયતંત્ર તેના નિર્ણયો સાથે મર્યાદા ઓળંગી રહ્યું છે. સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા અને અબજોપતિ એલોન મસ્કે પણ કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો માટે ન્યાયાધીશો પર નિશાન સાધ્યું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
