શહેરા: શહેરા તાલુકાના કવાલી ગામે કાચા મકાનની દિવાલ ધરાસાયી થતા ઘરની અંદર રહેલ પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો.જ્યારે ધામણોદ અને અણિયાદ ગામે વૃક્ષ ધરાસાયી થયું હતુ. સંભવિત બિપરજોય વાવાઝોડાની અસર રાજ્યના અનેક વિસ્તારો જોવા મળી રહી છે જેને લઈને વિવિધ વિસ્તારોમાં વિજ થાંભલા તેમજ વૃક્ષો ધરાસાયી થયા હોવાની સાથે મકાનો પણ નુકશાન પહોંચ્યુ હોવાનું સામે આવ્યું છે,ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કવાલી ગામે પણ વાવાઝોડાની અસરને લઈ ગામમાં રહેતા વિનોદભાઈ સરદારભાઈના કાચા મકાનની એક સાઈડ ની દીવાલ ધરાસાયી થઈ હતી.
જેને લઈને તેઓને નુક્શાન પહોંચ્યુ હતું,આ અંગેની જાણ ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રીને થતાં તલાટી કમમંત્રીએ બનાવ સ્થળે પહોંચી મકાન માલિકને સહાય મળે તે માટે જરૂરી કાગળો કરી તાલુકા પંચાયત કચેરી ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે ભારે પવન ફૂંકાવાને કારણે તાલુકાના ધામણોદ ગામના મજેલાવ ફળિયા એક ખેતરમાં તેમજ અણિયાદ ગામના બેઢિયા ફળિયામાં પણ રોડની સાઈડમાં આવેલ એક વૃક્ષ ધરસાયી થયું હતું,જેની જાણ ગ્રામ પંચાયતના તલાટી કમમંત્રી તેમજ ગામના આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી હતી,અને ધરાસાયી થયેલ વૃક્ષને હટાવવા માટે જરૂરી સૂચન કરાયું હતું.