Dakshin Gujarat Main

ઐતિહાસિક મહત્તવ ધરાવતું અને વલસાડના ઉત્તર કાંઠા વિસ્તારને અડીને આવેલું ‘ઊંટડી’ ગામ

વલસાડના ઉત્તર કાંઠા વિસ્તારને અડીને આવેલું ઊંટડી ગામ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. ગાંધીજીના મીઠાના સત્યાગ્રહ સમયે પોલીસદળ દ્વારા થયેલા લાઠીચાર્જમાં ઘાયલ થયેલા સત્યાગ્રહીઓને ઊંટડી આંબાવાડીમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર અપાઇ હતી. ગાંધીજીએ પણ મુલાકાત લીધી હતી. ઊંટડીની આ જ આંબાવાડીમાં બેસીને ગુજરાતના મૂર્ધન્ય કવિ ઝવેરચંદ મેઘાણીએ એમની સુપ્રસિદ્ધ કવિતા “રક્ત ટપકતી સૌસૌ જોડ”ની રચના કરી હતી. આ રચનાના પગલે બાપુએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું ઉપનામ આપ્યું હોવાની પણ લોકવાયકા છે. બંગાળના બુલબુલ તરીકે ઓળખાતા અને બાપુના સાર્થક થઇ ઠેઠ બંગાળથી આવીને મીઠાના સત્યાગ્રહમાં જોડાયેલા સરોજીની નાયડુએ પણ ઊંટડી ગામની સત્યાગ્રહ છાવણીની મુલાકાત લીધી હતી. આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ઊંટડી ગામની શોભા અહીંની શાળા “લોક વિદ્યાલય ઊંટડી” ગામનું ગૌરવ વધારી રહી છે.

શિક્ષણ ક્ષેત્રે ઊંટડી જ નહીં, આજુબાજુનાં અનેક ગામોને આગળ લાવવામાં આ શાળાનું ખૂબ મહત્ત્વ છે. 100 વર્ષથી જૂની શાળા આજે પણ એટલી જ અગ્રેસર રહી ઊંટડી જ નહીં, આજુબાજુના બાળકોને જ્ઞાનથી તરબોળ કરી રહી છે. ગુજરાતમાં રેલવેના આગમન પહેલાં આ વિસ્તારનું ઊંટડી ગામ મહત્ત્વ અનેરું હતું. આજુબાજુનાં ગામો પૈકીનું આ ગામ વેપારનું વડું મથક હતું. શાકભાજીનો વેપાર હોય કે અન્ય વેપાર આજુબાજુનાં ગામના લોકો ઊંટડી બજાર પર જ આધાર રાખતા હતા, પરંતુ રેલવે લાઇન ડુંગરી ગામેથી પસાર થતાં સમયાંતરે ડુંગરીનો વિકાસ થયો અને ડુંગરી મહત્ત્વનું ગામ બન્યું અને તેનો વિકાસ વધ્યો. આજે ઊંટડી ગામ ભલે બજારમાં આગળ ન હોય, પરંતુ શાંત અને રમણીય વાતાવરણ ધરાવતું આ ગામ નોંધપાત્ર બન્યું છે. સમયાંતરે અહીંની વસતી પણ વધી છે. આજે ગામમાં અઢી હજાર જેટલી વસતી છે. ઊંટડીમાં હિન્દુ તેમજ મુસ્લિમોની પણ વસતી છે. તમામ જાતિ ધર્મના લોકો અહીં ખૂબ હળી મળીને રહે છે અને ગામના વિકાસમાં સહભાગી થઇ રહ્યા છે. ઊંટડી ગામમાં સ્કૂલો સાથે બેંક, પોસ્ટ ઓફિસ, દૂધની ડેરી તેમજ અનેક આંગળવાડી કેન્દ્ર પણ ધમધમી રહ્યાં છે.

તળાવનું બ્યુટિફિકેશન થવું જોઈએ: હિદાયત કવલા
ઊંટડી ગામના રહીશ અને ગામની એકમાત્ર મસ્જિદ ટ્રસ્ટના પ્રમુખ એવા હિદાયત કવલાએ ગામના વિકાસ માટે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું કે, ઊંટડીમાં કોઇ ગાર્ડન નથી કે આજુબાજુના ગામમાં પણ ગાર્ડન કે અન્ય કોઇ પ્રવાસન સ્થળ નથી. ત્યારે ઊંટડીમાં આવેલા તળાવનો જો વિકાસ કરાય તો માત્ર ઊંટડી જ નહીં, પરંતુ આજુબાજુનાં અનેક ગામોને પ્રવાસન સ્થળ મળી શકે છે. તળાવની ફરતે અનેક મંદિરો છે. જે શ્રદ્ધાનું કેન્દ્ર છે. ત્યારે તળાવની ગંદકીની સફાઇ કરાવાય, અહીં ફરતે વોક-વે બનાવાય, કપડાં ધોવાનો ઓવારો યોગ્ય રીતે તૈયાર થાય તો તળાવને ચાર ચાંદ લાગી જશે. અહીં સિનિયર સિટિઝનોની બેઠક માટે ખાસ બાકડા પણ મૂકી શકાય. જો આ રીતે તળાવનો વિકાસ કરાય તો અહીં પ્રવાસીઓનો ધસારો થઇ શકશે અને તેનાથી અનેક ક્ષેત્રે વિકાસ થઇ શકશે.

મુખ્ય રસ્તો બનાવવાનું આયોજન: સરપંચ
સરપંચ કિરણ પટેલે જણાવ્યું કે, ગામના વિકાસમાં મહત્ત્વનું કામ ગામને જોડતો 3 કિમીનો રસ્તો બનાવવાનો છે. 3 કિમીના આ રોડની હાલત હાલ ખરાબ છે. આ રસ્તો જિલ્લા પંચાયત હસ્તકનો છે. જે પાસ પણ થઇ ગયો છે. ચોમાસાની પૂર્ણાહૂતી થઇ રહી છે. ત્યારે આગામી ટુંક સમયમાં આ રોડ બનાવવાનું આયોજન હાથ ધરાશે. આ સિવાય ગામમાં પાણીની પાઇપ લાઇનનું કાર્ય પણ પૂરું કરાશે. તેમજ ગટર વ્યવસ્થા ઊભી કરવાનું પણ આયોજન કરાશે.

ફાયનાન્સ સંસ્થામાં ઊંટડી અગ્રેસર
ઊંટડી આજુબાજુનાં ગામો માટે પહેલેથી વેપારનું કેન્દ્ર રહ્યું હતું. ત્યારે ડુંગરી પહેલા ઊંટડીમાં બેંક શરૂ થઇ હતી. આજે પણ અહીં બેંક ઓફ બરોડા બેંક ધમધમી રહી છે. આ સિવાય અહીં ભારતીય પોસ્ટ ઓફિસ(બેંક) પણ કાર્યરત છે. જ્યાં અનેક પ્રકારના નાણાકીય વ્યવહાર થઇ રહ્યા છે. ઊંટડીમાં નાણાંકિય સંસ્થા છોડીને દૂધની ડેરી પણ છે અને એક સસ્તા અનાજની દુકાન પણ કાર્યરત છે. જે ગરીબોને અનાજ પૂરું પાડી રહી છે.

સ્મશાનની પણ કાયાપલટ જરૂરી
ઊંટડી ગામમાં એક સ્મશાન છે. આજે પણ અહીં લાકડાથી જ ચિતાને સળગાવવામાં આવે છે. જો કે, આ સ્મશાન જર્જરિત છે. જેને મરામતની જરૂર છે. ગામની મર્યાદિત આવકના કારણે ગામમાં આવાં કામો મુશ્કેલ બની રહ્યાં છે.
ઊંટડી ગામનાં ફળિયાં
આહીરવાડ, પાદરડા ફળિયા, ઘોલી ફળિયા, રોહિતવાડ, હરિજનવાસ, કુંભારવાડ, સુથારિયા ફળિયા, વાંગરા ફળિયા, હજામવાડ, ઘાંચીવાડ, બ્રાહ્મણ ફળિયા, ઝવેરી મહોલ્લો, નવી પોળ, ભીંડી બજાર, ઈશ્વર ફળિયું, ડીપી ફળિયું, આંબાવાડી.

ગામનું એકમાત્ર તળાવ વિકાસ ઝંખી રહ્યું છે
ઊંટડી ગામનું તળાવ ખૂબ મોટું છે. તળાવની ફરતે 3 મંદિર આવ્યાં છે. જો કે, તળાવમાં ભારે ગંદકી છે. આ ગંદકીની સફાઇ માટે રૂ.1 લાખ જેટલો ખર્ચ આવે એવું છે. ગ્રામ પંચાયતની મર્યાદિત આવકના કારણે આ સફાઇ હાલ થઇ શકતી નથી. તળાવની સફાઇ થાય તેમજ તેની પાળ બનાવાય તો મોટી રાહત થઇ શકે છે. આ તળાવ આખા ગામને પાણી પૂરું પાડી રહ્યું છે. આ તળાવ ઊંડું કરવાની પણ તાતી જરૂરિયાત હોવાનું સરપંચ કિરણ પટેલે જણાવ્યું છે. તેમજ ગામમાં પાણીની અછત પહોંચી વળવા માટે તળાવ નજીક બે કૂવા પણ બનાવ્યા છે. જેના થકી ગામના લોકોને પાણી પૂરું પડાઇ રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ તળાવના વિકાસ માટે ગ્રાન્ટ મળે તો તેની સફાઇનું કામ હાથ ધરવું જરૂરી છે.

સરપંચ અને સભ્યોની યાદી
સરપંચ – કિરણ પટેલ
ઉપસરપંચ – આકિનભાઇ દેસાઇ
સભ્યો- સરોજબેન નાયકા
તનુજાબેન પરમાર
વૈભવભાઇ પટેલ
જિજ્ઞાશાબેન આહીર
જયશ્રીબેન પટેલ
શશીકાંત પટેલ
જીનેશકુમાર દેસાઇ
તલાટી કમ મંત્રી-મોહનકુમાર શર્મા
ક્લાર્ક- સ્મીતાબેન પટેલ

મર્યાદિત વેરાની આવકથી ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે
ઊંટડી ગામની આવક ખૂબ મર્યાદિત છે. રૂ.2થી 2.5 લાખ જેટલા વેરાની સામે ગ્રામ પંચાયતનો ખર્ચ જ રૂ.50 હજાર જેટલો પગાર ખર્ચ જ થાય છે. જેના કારણે ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતે સરકારની ગ્રાન્ટ પર જ આધાર રાખવો પડે છે. ગામના રોડ હોય કે, અન્ય કોઇ પણ પ્રકારનાં કામો સરકારી ગ્રાન્ટથી જ થઇ રહ્યાં છે.

ગાંધી સ્મારક જર્જરિત હાલતમાં
ઊંટડી ગામમાં પણ ધરાસણા જેવું સ્મારક છે. આ સ્મારકની હાલત હાલ ખૂબ જર્જરિત થઇ ગઇ છે. અહીંના દરવાજા પણ ઉખડી ગયા છે. અંદર સીલિંગનું પ્લાસ્ટર પણ તૂટી ગયું છે. ગમે ત્યારે આખું સ્મારક ધ્વસ્ત થઇ જાય એવી હાલત હાલ જોવા મળી રહી છે. ધરાસણાના સ્મારકનું મહત્ત્વ વધુ હોય આ સ્મારકના નવીનીકરણ પર ધ્યાન અપાયું નથી. જેના કારણે આ સ્મારકની હાલત બદતર બની છે.

ઊંટડી ગામનું ગૌરવ વધારતી સ્કૂલ લોક વિદ્યાલય
ગામની શાળા લોક વિદ્યાલય ઊંટડીને આજે 102 વર્ષ પૂરાં થઇ ગયાં છે. વર્ષ-1919માં વલસાડના ગ્રામ્ય વિસ્તારની એકમાત્ર એવી હાઇસ્કૂલ-શૈક્ષણિક સંસ્થા હતી, જે ઊંટડી ગામે સ્થપાયેલી હતી. જે પહેલા મિડલ સ્કૂલ નામે 45 વિદ્યાર્થી સાથે શરૂ થઇ હતી. ત્યારે આ સ્કૂલ કાચા મકાનમાં ચાલી રહી હતી. 1957માં આ સ્કૂલનું પાકું મકાન બન્યું અને તેને લોક વિદ્યાલય ઊંટડીનું નામ મળ્યું હતું. આ સંદર્ભે ઊંટડી વિભાગ કેળવણીમંડળના પ્રમુખ કમલેશભાઇ દેસાઇએ સ્કૂલ વિશેની માહિતી આપતાં જણાવ્યું કે, એ સમયે સંસ્થાના પ્રમુખ છગનભાઇ મકનજી દેસાઇએ ગામના અબોલવૃદ્ધ તથા યુવાનો સાથે મળીને ઇંટો ભેગી કરી જાત મહેનતે શ્રમદાન કરી સ્કૂલનું મકાન બનાવ્યું હતું. ઊંટડી પંથકના પ્રજાજીવનમાં ભણતર ક્ષેત્રમાં વડીલોનું ધ્યાન ગયું અને પોતાના સંતાનોને શાળામાં મૂકવા માટે પ્રતિ સુરુચિ કેળવાઇ અને જનજાગૃતિનું અભિયાન શરૂ થયું હતું. આ શાળાએ ઉચ્ચ કોટીના વિદ્યાર્થીઓ આપ્યા હતા, જેમાંથી કેટલાક ઉચ્ચ શિક્ષણ મેળવી વિદેશ ગયા છે. તેમજ અનેક સરકારી નોકરી તેમજ ઉચ્ચ વ્યવસાયમાં ગયા છે. શાળાનું નવું મકાન પણ જર્જરિત થતું ગયું હતું. જેને ફરીથી નવું બનાવવાની જરૂરિયાત ઊભી થઇ હતી. ત્યારે એસએસસીમાં ગોલ્ડ મેડલ મેળવી શાળાનું નામ રોશન કરનારા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામના ભાણેજ એવા યુએસએમાં સ્થાયી થયેલા સમીરભાઇ અનંતરાય દેસાઇ તેમજ ગામના અન્ય અગ્રણીઓ અને ભારતના એટર્ની જનરલ રહી ચૂકેલા અશોકભાઇ દેસાઇ, અન્ય અગ્રણીઓ સ્મિતાબેન દિવાન, કિરણભાઇ દેસાઇ, અરવિંદભાઇ દેસાઇ અને સ્થાનિક દાતાઓ સાથે વર્ષ-2013માં શાળાના નવા વિશાળ મકાનનું નિર્માણ થયું હતું. આ સંસ્થાના પ્રમુખ તરીકે કમલેશભાઇ દેસાઇની નિમણૂક થઇ હતી.

ઊંટડીના ઈશ્વરલાલ દેસાઈ ગાંધીયુગના ગુલમહોર તરીકે આળખાયા હતા
વલસાડ તાલુકાનું ધરાસણા ગામ ગાંધીજીના મીઠા સત્યાગ્રહને કારણે જાણીતું છે. જે રીતે ગાંધીજીએ દાંડીયાત્રા કરી દાંડીમાં મીઠું ઉઠાવી અંગ્રેજ સલ્તનતને હચમચાવી નાંખી હતી, તે સમયે જ ધરાસણામાં મીઠાના અગારમાં ધાડના સમયે ઊંટડી ગામમાં સત્યાગ્રહી સૈનિકોની છાવણી નાંખવામાં આવી હતી. ઈશ્વરલાલના ઊંટડીના મકાનના વાડામાં સત્યાગ્રહીઓને રાખવામાં આવ્યા હતા. એમના ઘરના માણસો જમાડવાની વ્યવસ્થા પણ કરતા હતા. સામુદાયિક ધાડના દિવસોમાં પોલીસે બે હજાર સત્યાગ્રહીઓને ઘેરી લીધા ત્યારે ઊંટડી ગામની બહેનો પોલીસો સામે થઇ બેડાંમાં પાણી ભરી દોડી હતી. પોલીસે બેડાં ભાંગી નાંખ્યાં ત્યારે પોલીસોને બંગડીઓ ધરી હતી. આવી માટી ધરાવતી ધરતી ઈશ્વરલાલ છોટુભાઈ દેસાઈની જન્મભૂમિ છે. ધરાસણાની બાજુમાં જ ઊંટડી ગામ છે. આ ગામમાં ૨૫ ડિસેમ્બર-૧૯૦૭ના રોજ ઈશ્વરલાલનો જન્મ થયો હતો. પિતા છોટુભાઇ ખેડૂત હતા. તેમની માતાનું નામ ઇચ્છાબહેન. આ પરિવારને દેસાઇગીરી મળી હતી. પ્રાથમિક શિક્ષણ ઊંટડીમાં મેળવ્યા બાદ વલસાડમાં વારસાનાં મકાનમાં તેઓ કુટુંબ સાથે રહેતા હતા. મેટ્રીક સુધીનો અભ્યાસ અહીં વલસાડમાં કર્યો હતો. તેમના પિતા છોટુભાઇ વલસાડ કોર્ટમાં સ્ટેમ્પ-વેન્ડરનું કામ કરતા હતા. વલસાડની આવાંબાઇ હાઇસ્કૂલમાં ઈશ્વરભાઇ ભણ્યા હતા. ૧૯૨૪માં વલસાડ આવાંબાઇ હાઇસ્કૂલમાંથી તેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. વિદ્યાર્થીકાળમાં સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું વાંચન વધુ કરતા હતા. સ્વામી વિવેકાનંદ એમના માટે આરાધ્ય દેવ જેવા હતા.ઈશ્વરભાઇ પહેલાથી ગાંધીજી તેમજ સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત હતા. ૧૯૨૩થી જ તેમણે ખાદી પહેરવાની શરૂઆત કરી દીધી હતી. સુરતની એમટીબી કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારબાદ દાંડીયાત્રાના સમયે તેમણે ઘર છોડી દીધું. સુરતને કર્મભૂમિ બનાવી આઝાદીની લડાઇમાં સુરતના યુવા અગ્રણી સત્યાગ્રહી તરીકે જાણીતા બન્યા. ધરાસણાના મીઠા સત્યાગ્રહ વખતે ગાંધીજીને ઊંટડી ગામે આવવા માટે તેમણે આમંત્રણ આપ્યું હતું. મીઠા સત્યાગ્રહ વખતે તેમને ચાર માસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા. આ સમયે જેલમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાથે રહેવાનો લહાવો મળ્યો. સુરતના કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યા બાદ સુરતની ગલીઓમાં ‘ઈશ્વરભાઇ ઝિંદાબાદ’ નારાથી સુરત ગાજી ઉઠયું હતું. ત્યારે ફરી અંગ્રેજાએ તેમની ધરપકડ કરીહતી. છ માસની સજા થઇ પરંતુ ગાંધીજી-ઇરવિન કરારને પરિણામે વહેલી મુકિત મળી. સુરતમાં કુમુદબહેનના સંપર્કમાં આવ્યા. વીસ વર્ષની ઉંમરે વિધવા બનેલા કુમુદબહેનની દેશસેવા અને સમાજસેવાની ભાવનાથી પરિચય થતાં તેમની સાથે ૧૯૪૫ના જૂન માસમાં લગ્ન કર્યાં. આ દંપતી જીવનભર સમાજસેવાનું કાર્ય કરતી રહી. ગાંધી વિચારોના રંગે રંગાયેલા આ અહિંસક સત્યાગ્રહીએ દેશ માટેની લડત છોડી નહીં. ૧૯૪૨માં હિંદ છોડો આંદોલનમાં ગાંધીજીની ધરપકડ થયા બાદ વલસાડ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઊતરતા જ ઈશ્વરભાઇની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે ઈશ્વરભાઇને નાશિક જેલમાં રાખવામાં આવ્યા હતા. અહીં તેમણે સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનો અભ્યાસ કરવાની તક મળી. ૧૯૪૪ના આરંભે ઈશ્વરભાઇને જેલમાંથી છોડવામાં આવ્યા. આઝાદીની લડતમાં ઈશ્વરભાઇના યોગદાનની આ એક ઝલક છે. જ્યાં દેશને જરૂર હોય ત્યાં ગાંધીજીના સ્વતંત્રસેનાની તરીકે ઈશ્વરભાઇ સૌથી આગળ જ રહેતા હતા. પરંતુ દેશની આઝાદી બાદ પણ જો કોઈએ ગાંધી માર્ગે સત્યાગ્રહ ચાલુ રાખ્યા હોય તો તેમાં ઈશ્વરલાલ દેસાઇ આખા દેશમાં અલગ મિસાલ બની આગળ આવ્યા. સામ્યવાદી વિચારસરણીને લઇ ગરીબોના હામી બની રહેલા ઈશ્વરભાઇ દેસાઇએ પારડી ખેડ સત્યાગ્રહ કર્યો હતો. તેમજ દમણની મુક્તિમાં પણ તેમનું યોગદાન સૌથી વધુ હતું. ખેડ સત્યાગ્રહ અને દમણના મુક્તિ સંગ્રામમાં દમણવીર તરીકે જાણીતા ઈશ્વરભાઈ દેસાઈ ઊંટડીના હતા એ વાત ગૌરવ અપાવે તેવી છે. ૨૧ માર્ચ,૧૯૬૬માં તેમનું અવસાન થયું હતું. તેમને ગાંધીયુગના ગુલમહોર તરીકે ઓળખવામાં આવે છે. હકુમતરાય દેસાઈએ તેમના પર એક પુસ્તક લખ્યું છે.‘‘ઈશ્વરલાલ – ગાંધીયુગના ગુલમહોર‘‘ આ પુસ્તક વાંચવા જેવું છે.

સ્કૂલના આચાર્યએ હીરાબાનો હિરલો પુસ્તક લખ્યું
ઊંટડીનાં શાંતાબેન વિદ્યાભવનનાં આચાર્યા ભાવનાબેન મિસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વ્યક્તિત્વ અને તેમના કાર્યને વિષય બનાવી 25 કવિતાના ગુચ્છ સ્વરૂપે “હિરાબાનો હિરલો” નામનું પુસ્તક લખું છે. તાજેતરમાં નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમણે વિદ્યાભવનના કોમ્યુનિટી હોલમાં સંસ્થાના પ્રમુખ કમલેશ દેસાઇના હસ્તે પુસ્તકનું વિમોચન કરાવ્યું હતું. ભાવનાબેન મિસ્ત્રીએ અત્યાર સુધીમાં કુલ 6 પુસ્તકો લખ્યાં છે. હીરાબાનો હિરલો તેમનું સાતમું પુસ્તક છે. તેઓ સમાજ સેવિકા તરીકે સમર્થ મહિલા અભિયાન, પ્રસાદી (પ્રસન્ન સાક્ષર દીકરી), આયુ (આપણું યુવાધન) જેવા કાર્યક્રમો સાથે સક્રિયપણે સંકળાયેલા છે.

એક ફળિયાને છોડી તમામ ફળિયામાં પાણીની પાઇપલાઇન
ઊંટડી ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત આખા ગામમાં પાઇપલાઇન મારફતે ઘરે ઘર પાણી પહોંચાડાઇ રહ્યું છે. સરપંચ કિરણ પટેલના જણાવ્યા મુજબ ગામમાં એક નવી સોસાયટી બની છે. ત્યાં પાણીની લાઇન પહોંચી શકી નથી. જો કે, આગામી આયોજન અહીં પાણી પહોંચાડવાનું છે. આ સિવાય આખા ગામમાં પીવાનું અને વપરાશનું પાણી પહોંચી રહ્યું છે.
શાળાની સુવિધાઓ
ઊંટડી લોક વિદ્યાલયમાં જુનિયર કે.જી.થી ધોરણ-12 કોમર્સ, આર્ટસ અને ધોરણ-12 સાયન્સ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમને તમામ અદ્યતન સુવિધાઓ મળી રહી છે. શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ રૂમ, અધ્યતન સભા ગૃહ, વિશાળ મંચ સાથે મેદાન, મલ્ટિમીડિયા રૂમ, અટલ ટિંકરિંગ લેબ, અદ્યતન સાયન્સ લેબોરેટરી અને કેન્ટીનની સુવિધા છે.
અભ્યાસ સિવાય અન્ય પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે
આ શાળામાં અભ્યાસ સાથે મેડિકલ કેમ્પ, સમર કેમ્પ, બાળ આરોગ્ય મેળા, કેરિયર ગાઇડન્સ, મહિલા સશક્તિકરણના સિવણ વર્ગો, કેન્ડલ મેકિંગ, વેસ્ટમાંથી બેસ્ટ, બ્યુટી પાર્લર, જ્વેલરી મેકિંગ, સેનેટરી પેડ ઉત્પાદન અને વિતરણ જેવી પ્રવૃત્તિઓ યુએસએના દેસાઇ ફાઉન્ડેશનનાં ચેરપર્સન મેઘાબેન દેસાઇ દ્વારા ચલાવાઇ રહી છે.

રોજગારી માટે લોકો શહેરીકરણ તરફ વળ્યા
ઊંટડી ગામમાં પહેલા દેસાઇ સમાજનાં 250થી વધુ ઘર હતાં. જો કે, સમયાંતરે સમાજના લોકોનું ઉત્થાન થતું ગયું. ઉચ્ચ અભ્યાસ બાદ રોજગારી માટે તેઓ શહેરીકરણ તરફ વળ્યા હતા. અનેક પરિવારો મેટ્રો સિટી તરફ વળ્યા તો અનેક વલસાડ શહેરમાં વસ્યા છે. મહત્તમ લોકોએ રોજગારી માટે ગામ છોડવું પડ્યું છે. જેના કારણે આજે ગામમાં દેસાઇ પરિવારના આંગળીના વેઢે ગણાય એટલાં જ ઘરો બાકી રહ્યાં છે. ત્યારે ગામના લોકોના વિકાસના કારણે ગામની રોનક ઘટતી ગઇ હતી. અહીં સોનીઓની પણ દુકાન હતી, પરંતુ ડુંગરીનો અને બીલીમોરાનો વિકાસ થતાં અહીં બજાર ઘટતું ગયું અને હવે અહીંના સોની બીલીમોરા અને ડુંગરી શિફ્ટ થઇ ગયા હતા. આજે અહીં બ્રાહ્મણો, પટેલો, આદિવાસીઓ અને મુસ્લિમોની વસતી બચી છે.

ગટર વ્યવસ્થાનો સદંતર અભાવ
ઊંટડી ગ્રામ પંચાયતમાં ગટર વ્યવસ્થાનો સદંતર અભાવ છે. ગામના એકલદોકલ ફળિયાં છોડીને કોઇ પણ સ્થળે ગટર વ્યવસ્થા નથી. ત્યારે ગામમાં આગામી સમયમાં ગટર વ્યવસ્થા થાય એવી ગામ લોકોની લાગણી પ્રવર્તી રહી છે. ગટરના અભાવે ભારે વરસાદના સમયે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા રહે છે અને કેટલાક માર્ગો બંધ થઇ જાય છે. જો ગટર વ્યવસ્થા થઇ જાય તો મોટી સમસ્યાનું નિરાકરણ થઇ શકે છે.

ઊંટડીના મહાનુભાવો
સ્વ.ઈશ્વરભાઇ છોટુભાઇ દેસાઇ-પારડીમાં થયેલા ઘાસિયા ખેડ સત્યાગ્રહોમાં સામેલ થયા હતા અને તેમણે સક્રિય ભાગ ભજવ્યો હતો. અશોકભાઇ દેસાઇ-દેશના એટર્ની જનરલ પદ સુધી પહોંચ્યા હતા. તેમણે આ પદ શોભાવી ઊંટડી ગામને ગર્વ અપાવ્યું હતું. સવિતાબેન દેસાઇ-વલસાડના પ્રથમ મહિલા સ્વતંત્ર્યતાસેનાની હતાં. તેઓ આઝાદીની ચળવળમાં અગ્રેસર રહ્યાં હતાં અને સ્વાતંત્ર્યની ચળવળ દરમિયાન યરવડા જેલમાં પણ ગયાં હતાં.
સ્વ. દોલતભાઇ નાથુભાઇ દેસાઇ-વલસાડના સૌથી વધુ સમય રહી ચૂકેલા ધારાસભ્ય દોલતભાઇ વાઘલધારા ગામે રહેતા હતા, પરંતુ મૂળ તેઓ ઊંટડી ગામના હતા.
આ સિવાય ગામના હકુમતભાઇ દેસાઇ, છગનલાલ મોરારજી દેસાઇ, જીવણજી ખંડુભાઇ દેસાઇ, ગુલામ હુસેન, ભીખુભાઇ હરિભાઇ, બળવંતભાઇ છોટુભાઇ, બાપુભાઇ ભીમભાઇ, ભુલાભાઇ બાવાભાઇ પટેલ જેવા અનેક મહાનુભાવો સ્વ
તંત્ર્યતા સંગ્રામમાં અને દેશસેવાનાં કાર્યમાં તન-મન-ધનથી જોડાયા હતા.

ગામ ધાર્મિક આસ્થાનું કેન્દ્ર
ઊંટડી ગામમાં અનેક મંદિરો આવ્યાં છે, જેમાં તડકેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ, મહાકાલેશ્વર, ગોમતેશ્વર, અંબામાતા અને સિંધય માતાનો સમાવેશ થાય છે. આ પૈકીનું સિંદય માતા અનાવિલ સમાજની કુળદેવી મનાઇ છે. ત્યારે અનાવિલો અહીં ધાર્મિક આસ્થા જોડાયેલી છે. આ સિવાય અહીં મુસ્લિમોની ધાર્મિક આસ્થા ધરાવતી એક મસ્જિદ પણ છે.

ગામનું સોનું જિલ્લાભરમાં પ્રખ્યાત હતું
ઊંટડી ગામનું ઉત્તમભાઇ સોની જ્વેલર્સનું સોનું ખૂબ પ્રખ્યાત હતું. વર્ષો પહેલાં ઉમરગામથી બીલીમોરા સુધીના લોકો અહીં સોનાની ખરીદી કરવા આવતા હતા. સરપંચ કિરણ પટેલે અને મુસ્લિમ અગ્રણી હિદાયત કવલા અને ધર્મેશ પારેખે તેની વાત કહી હતી. ઉત્તમભાઇ સોનીની ત્રીજી પેઢીના જીતુભાઇ સોનીએ તેમની જ્વેલર્સની દુકાન લોકડાઉન 2020 સુધી ચલાવી હતી. આ સાથે તેમણે બીલીમોરામાં પણ ઉત્તમભાઇ સોનીના નામે દુકાન શરૂ કરી હતી. ત્યારે લોકડાઉન બાદ હવે આ દુકાન બીલીમોરા શિફ્ટ કરી છે. આજે પણ જીતુભાઇ સોની એ દુકાન ચાલાવી રહ્યા છે.

Most Popular

To Top