સુરત: દક્ષિણ ગુજરાતના (South Gujarat) અંતરિયાળ ગામોમાં દેખાતા હિંસક પ્રાણીઓ હવે સુરત શહેર (Surat) સુધી પહોંચી ગયા છે. સુરતના અમરોલી વિસ્તારમાં એક દીપડો (Leopard) દેખાતા સ્થાનિક રહીશોમાં ગભરાટ વ્યાપી ગયો છે. સુરતના અમરોલી વિસ્તારના મનીષા ગરનાળા પાસેના શેરડીના ખેતરમાં એક દીપડો દેખાતા સ્થાનિકોએ તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ (ViralVideo) થતા વનવિભાગ (Forest Department) દોડતું થયું છે.
દક્ષિણ ગુજરાતમાં દીપડાની વસ્તી વધારે છે. અવારનવાર અંતરિયાળ ગામડામાં દીપડા દેખાયાના કિસ્સા બનતા રહે છે. વલસાડ, ડાંગ, નવસારીના ગામોમાં અનેકોવાર હિંસક દીપડા દ્વારા હુમલાના બનાવો પણ નોંધાયા છે. તાજેતરમાં વલસાડના એક ગામડામાં ઘરના બાથરૂમમાં છુપાયેલા દીપડાએ પિતા પુત્ર પર હુમલો કર્યાની ઘટના બની હતી.
જોકે, હવે દીપડા શહેર સુધી પહોંચી ગયા છે. થોડા સમય પહેલાં સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડાયમંડ બુર્સ પાસે એક દીપડો દેખાયો હતો. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે અમરોલી વિસ્તારમાં એક દીપડો દેખાતા શહેરમાં વસતા લોકોમાં પણ ડર ફેલાઈ ગયો છે.
સુરતના છેવાડે આવેલા અમરોલી વિસ્તારમાં મનીષા ગરનાળા પાસે સ્થાનિક રહીશોની નજરે એક દીપડો ચઢ્યો હતો. મનીષા ગરનાળા પાસે શેરડીના ખેતર નજીક ઝાડી ઝાંખરામાં એક ઝાડ પર ચઢેલો દીપડો જોવા મળ્યો હતો, જેનો વીડિયો સ્થાનિકોએ ઉતારી લીધો હતો.
શહેરમાં ક્યારેય ન જોવા મળતો હિસંક દીપડો અચાનક દેખાતા સ્થાનિક રહીશોમાં ભય ફેલાઈ ગયો છે. લોકોએ ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને દીપડાનો વીડિયો કેપ્ચર કરી તે ફોરેસ્ટ વિભાગને મોકલી આપ્યો હતો.
વીડિયો મળતા જ ફોરેસ્ટ વિભાગ દોડતું થઈ ગયું હતું. અમરોલીમાં દીપડો ક્યાંથી આવ્યો તેની તપાસ શરૂ કરી દેવાઈ હતી. દીપડાને પકડવા પણ ચક્રો ગતિમાન કરાયા હતા. જોકે, દીપડો એકવાર દેખાયા બાદ ફરી જોવા મળ્યો ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. નજીકના શેરડીના ખેતરના માર્ગે દીપડો જતો રહ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, શહેરમાં દીપડો ઘૂસી જવો એ ચિંતાનો વિષય છે.
દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં દીપડો ફરી આવે તેવી શક્યતાના પગલે બે પાંજરા ગોઠવી દીધા છે. અમરોલીના મનીષા ગરનાળા પાસે આવેલા શેરડીના ખેતરમાં બે પાંજરા મુકાયા છે.