સુરતમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર મળ્યો છે. યુપીમાં બે વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે કામ કરનાર ચીટર સુરતમાં આવીને ડોક્ટર બની ગયો હતો. ક્લિનીક ખોલીને લોકોનો ઈલાજ કરવા લાગ્યો હતો. આ બોગસ ડોક્ટરને સુરત એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત એસઓજી પોલીસે પરબમાંથી બીએસસી પાસ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. બાતમીને આધારે એસઓજી પોલીસ તેમજ વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરની સંયુક્ત ટીમે પરબના ઓમ ઈન્ડસ્ટ્રીઝની માનસી ફેશન નીચે આવેલી દુકાન નંબર 3 માં રેઇડ કરી હતી.
સ્થળ પરથી મળેલી આવેલા અને ક્રિષ્ના ક્લિનિક એન્ડ સ્કીન કેરના નામે દવાખાનું ચલાવતા ઈસમની પૂછપરછ કરતા પોતે બીએસસી પાસ હોવાનું જણાવ્યું હતું. વતન યુ.પી ખાતેની હોસ્પિટલમાં બે વર્ષની કમ્પાઉન્ડર તરીકે કરેલી નોકરીના આધારે છેલ્લાં ચાર મહિનાથી ક્લીનિક ચલાવતો હતો. ડોકટરી ડિગ્રી બાબતે માંગણી કરતા તેની પાસે કોઈ ડિગ્રી નહીં હોવાનું જણાવ્યું હતું.
હાજર મેડિકલ ઓફિસરની જાણકારી મુજબ ડોક્ટરી ડિગ્રી વિના દર્દીઓને એલોપેથીક દવા આપી શકે નહી. પોલીસે સ્થળ પરથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી અને દવાઓ મળી 5500નાં મુદ્દામાલ સહીત શિવમ મુરલીલાલ પટેલની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.