નવી દિલ્હીઃ નેપાળના તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી છે. નેપાળ પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા પોલીસ કાર્યાલય તનહુનના ડીએસપી દીપકુમાર રાયે માહિતી આપી હતી કે નંબર પ્લેટ UP FT 7623 વાળી બસ નદીમાં પડી હતી.
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને 16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી. અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કર્યું હતું અને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે.
આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાય અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
મૃતક યાત્રીઓ મહારાષ્ટ્રના વતની
નેપાળમાં બસ નદીમાં પડતા 14 યાત્રાળુના મોત થયા છે. આ તમામ મહારાષ્ટ્રના વતની હોવાનું જાણવા મળ્યું છે. પાંડુરંગ યાત્રા માટે નીકળેલા મહારાષ્ટ્રના યાત્રાળુઓએ ગોરખપુરના કેસરવાની પરિવહનની આ બસને પ્રયાગરાજમાંથી બુક કરાવી હતી. કુલ 3 બસ બુક કરાવી હતી. કુલ 110 પ્રવાસીઓ હતા. યાત્રાળુઓ ચિત્રકૂટ ધામ અને અયોધ્યા દર્શન કરી ગોરખપુર પહોંચ્યા હતા. ગોરખપુર મંદિરમાં દર્શન કરી યાત્રાળુઓ નેપાળમાં બુદ્ધના જન્મસ્થળ લંબુનિ ગયા હતા. ત્યાં દર્શન કરી તેઓ પોખરા ગયા હતા. પોખરાથી કઠમંડુ જઈ રહ્યાં હતાં ત્યારે અકસ્માત નડ્યો હતો.
ગોરખપુર કેસરવાની પરિવહનની બસ સવારે પોખરાથી કાઠમંડુ જવા નીકળી હતી. મોગલી નજીક આ બસ પહાડમાંથી લપસીને નદીમાં ખાબકી હતી. અકસ્માત સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ થયો હતો.