Columns

એક અનોખા દર્શન

યુવાન રીનાનો એક નિયમ હતો. તે રોજે રોજ કોલેજથીપાછા આવતાં ઘરથી થોડે દૂર આવેલા મંદિરે અચૂક જતી અને ભગવાનનાં દર્શન કરી પ્રસાદ લઈને ઘરે આવતી. બધાને પ્રસાદ આપતી.તેનાં વૃધ્ધ દાદી, જે પહેલાં રોજે રોજ સવાર સાંજ મંદિરે જતાં હતાં પણ ઉંમર થતાં હવે મંદિરે જઈ નહોતાં શકતાં. તેઓ ખાસ પ્રસાદની રાહ જોતાં. એક સાંજે રીના આવી, પણ તેના હાથમાં પ્રસાદ ન હતો.તે દાદી પાસે જઈને તેમને મળી પણ પ્રસાદ ન આપ્યો એટલે દાદીએ પૂછ્યું, ‘રીના બેટા, આજે મંદિરે નહોતી ગઈ? મારો પ્રસાદ ક્યાં?’

રીના દાદીના પગ પાસે નીચે બેસીને બોલી, ‘દાદી, મંદિરે તો ગઈ હતી?’ દાદીએ મજાકમાં કહ્યું, ‘તો શું થયું પ્રસાદ લાવવાનું ભૂલી ગઈ કે તારો ભાવતો પ્રસાદ હતો એટલે બધો ખાઈ ગઈ?’રીના બોલી, ‘દાદી, મંદિરે તો ગઈ હતી પણ અંદર નહોતી ગઈ.’ દાદીને નવાઈ લાગી. તેમણે પૂછ્યું, ‘કેમ એમ કર્યું? કોઈ મંદિર સુધી જાય અને અંદર ન જાય એવું બને અને દીકરા તારો તો નિયમ છે રોજ ભગવાનનાં દર્શન કરવાનો, તો પછી તું અંદર દર્શન કરવા કેમ ન ગઈ?’

રીનાએ કહ્યું, ‘દાદી, હું મંદિરે પહોંચી ત્યારે વરસાદ આવી રહ્યો હતો અને મંદિરનાં પગથિયાંથી થોડે દૂર એક પરાણે વ્હાલી લાગે તેવી બાળકી પોતાના બે પગ પર માથું નમાવીને રડમસ બેઠી હતી.મેં તેને જોઈ. હું તેની પાસે ગઈ. તેને મેં મારી છત્રી આપી દીધી અને એક બિસ્કીટનું પેકેટ અપાવ્યું.તે ભૂખી હશે, ફટાફટ ચારથી પાંચ બિસ્કીટ ખાઈ ગઈ અને પછી મને વ્હાલથી બિસ્કીટ ખવડાવતાં ભેટી પડી.તેના રડમસ ચહેરા પર એક સ્મિત આવ્યું અને આંખોમાં ચમક.એ જોઇને મને થયું, મેં જાણે ભગવાનનાં દર્શન કરી લીધાં અને તેને વ્હાલ કરીને હું આપોઆપ પાછી વળી ગઈ.મંદિરની અંદર જવાનું જ ભૂલી ગઈ.દાદી મને માફ કરજો, કાલે ચોક્કસ ભગવાનનાં દર્શન કરીને પ્રસાદ લઈને આવીશ.’

દાદી રીનાને ભેટી પડ્યાં અને તેના કપાળ પર ચૂમી કરતાં બોલ્યાં, ‘દીકરા, તું માફી ન માંગ.તું તો આજે ભગવાનનાં અનોખાં દર્શન  કરીને જ આવી છો.મને તારા પર ગર્વ છે.દીકરા, ભલે તું આજે પ્રસાદ ન લાવી પણ તે બાળકીએ તને બિસ્કીટ ખવડાવ્યું તે પ્રસાદ સમાન જ છે.આજે  તું અનોખા દર્શન કરીને આવી છો એટલે તારા દર્શન કરી ખુશ છું અને અંતરના આશિષ આપું છું.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top