ભાવનગરમાં રહેતા મુકેશ ટપુભાઇ પટેલની અનોખા પ્રકારની સેવા સાંભળીને જરૂર આશ્ચર્ય થશે. સ્મશાન સેવા મતલબ કોઇપણ અજાણી વ્યકિતના ઘરે તેમના સ્વજનની અંતિમયાત્રામાં પહોંચી જવું. એટલું જ નહીં પણ પૂર્વ તૈયારી રૂપે બજારમાંથી જરૂરી સામગ્રી લાવી આપવી. ચિતા માટે છાણા લાકડાની વ્યવસ્થામાં મદદ કરવી. શોક મગ્ન વાતાવરણમાં અંત સુધી હાજર રહી પરિવારને આશ્વાસન આપવું. તેમના ભોજનની વ્યવસ્થા કરવી, બેસણા ઉઠમણામાં પણ આવીને જરૂર મુજબ હાથ લંબાવવો. તેમની સેવા આટલેથી પુરી નથી થતી. તેઓએ કાયમી ધોરણે એક સ્ટીલની નનામી પણ બનાવડાવી રાખી છે કે જેને કોઇ ધર્મસ્થાન કે સંસ્થા અપશુકનીયાળ માની પોતાની પાસે રાખવા તૈયાર હોતુ નથી.
આ નનામીને તેઓ સાફસફાઇ કરી જાળવણી કરતા. સુરતમાં પણ આવા જ એક નિવૃત્ત સેવાભાવી વૃધ્ધ છે કે તેઓ પણ રોજ કોઇને કોઇ હોસ્પિટલમાં પહોંચી જતા. દરદી પાસે કોઇ સ્વજન ન હોય તો તેમની પાસે બેસતા. તેમની સાથે વાતો કરી એકલતા દૂર કરતા, અથવા દરદીના સ્વજનને ઘરે મોકલતા, પાછા ના આવે ત્યાં સુધી દરદીનું ધ્યાન રાખવુ, જરૂરી દવાઓ અથવા લેબોરેટરીમાંથી રીપોર્ટ લાવી આપવા વિગેરે કામ કરતા. ટૂંકમાં આવા નાના નાના ધક્કા ખાઇને મોટી રાહત દરદીને અને તેના સ્વજનને અપાવતા, જરૂર પડે તો રાત્રી રોકાણ પણ કરતા. બીલકુલ નિશ્વાર્થ ભાવે, આ બધી સેવાઓ પરથી સમાજે પણ સેવાદાન માટે પ્રેરણા લઇ શકાય.
સુરત – રેખા એમ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચાઈનીઝ દોરીનો બહિષ્કાર જરૂરી છે
ઉત્તરાયણનું પર્વ એ મોજ મસ્તી કરવાનું પર્વ છે. ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનું મહત્વ છે. પતંગ ચગાવવા માટે માંજો કે દોરની જરૂર પડે છે અને એના થકી અન્ય વ્યક્તિઓની પતંગ કાપવાની મજા દરેકને આવે છે. પરંતુ છેલ્લા દસેક વર્ષથી આપણાં ભારત દેશમાં ચાઈનીઝ દોરીએ પગપેસારો કર્યો છે. આ ચાઈનીઝ દોરી એટલી બધી ખતરનાક આવે છે કે,જે કોઈ વ્યક્તિના ગળામાં ફસાઈ જાય, તો તે વ્યક્તિ મોતને શરણ થાય છે. આ ઉપરાંત ચાઈનીઝ દોરથી હવામાં વિહરતાં નિર્દોષ પક્ષીઓ ઘાયલ થાય છે; એમાંના ઘણાં પક્ષીઓ મૃત્યુ પામે છે તો ઘણાં પક્ષીઓની પાંખો કપાઈ જાય છે.
સરકારે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં, અમુક દેશદ્રોહી વેપારીઓ ઓછાં રોકાણે વધારે નફો મેળવવાની લાલચમાં ચોરીછૂપીથી ચાઈનીઝ દોરીનો વેપાર કરીને નિર્દોષ પક્ષીઓ અને માણસોની જિંદગી જોખમમાં મૂકે છે. આવા લાલચુ વેપારીઓ પકડાય તો સરકારે એમને આકરી સજા કરવી જોઈએ અને પતંગ રસિયાઓએ પોતે પણ સમજીને આવી જીવલેણ ચાઈનીઝ દોરીનો બહિષ્કાર કરવો જોઈએ.
હાલોલ – યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.