સુરત: ‘લવ એન્ડ કેર’ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 13 ફેબ્રુઆરી રોજ સાંજે 6:30 વાગ્યાથી બાજીગીરી ઔપન એર થિયેટર, વનિતા વિશ્રામ કોલેજ, સુરત ખાતે સ્પેશિયલી એબલ્ડ પર્સન (દિવ્યાંગ) ફેશન શો એન્ડ ટેલેન્ટ શો ગ્રેવિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
લવ એન્ડ કેર મલ્ટી સ્પેસિલિટી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. દીપ્તિ દીપક પટેલએ માહિતી આપતા જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય આશય સ્પેશિયલી એબલ્ડ (દિવ્યાંગ) વ્યક્તિઓને ઓળખ, સન્માન અને આત્મવિશ્વાસ આપવાનો છે. કાર્યક્રમ અંતર્ગત 10 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનાર વિરલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.
આ ઇવેન્ટમાં વિશ્વની સૌથી નાની છોકરી જ્યોતિ આમગે કારગિલ યુદ્ધમાં હાથ-પગ ગુમાવેલા વિર સૈનિક, ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ ના વિજેતા કલાકારો તથા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી એક દીકરી સહિત અનેક પ્રેરણાસ્પદ વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે. ફેશન શોમાં સુરતની સ્પેશિયલ અને મેન્ટલી ચેલેન્જડ સ્કૂલોના અંદાજે 50થી 60 બાળકો ખાસ ડિઝાઇન કરેલા વસ્ત્રોમાં રેમ્પ વોક કરશે. ટેલેન્ટ શોમાં બે ફૂટની નાની બાળકીનો નૃત્ય પ્રદર્શન, હાથ વગરની દીકરી દ્વારા મોઢા અને પગથી મહેંદી કળા, પગથી ચિત્ર બનાવતો યુવાન અને દિવ્યાંગ બોડી બિલ્ડર્સના પ્રદર્શન જેવી અનોખી રજૂઆતો રહેશે. એક દિવ્યાંગ યુવાન દ્વારા ટ્રસ પર ચડી તિરંગો લહેરાવવાની વિશેષ ક્ષણ પણ કાર્યક્રમનું આકર્ષણ બનશે.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરતના મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહેશે સાથે પોલીસ કમિશનર, ધારાસભ્યો, કોર્પોરેટરો, શહેરના ડોકટરો, શિક્ષકો અને વાલીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.
કોરિયોગ્રાફી માટે મોહિત અગ્રવાલનું માર્ગદર્શન મળી રહ્યું છે. કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ-શિક્ષકો અને આલ્યા ફેશન્સ’ નો સહયોગ છે.
આ કાર્યક્રમનો હેતુ માત્ર મનોરંજન નહીં પરંતુ પ્રેરણા, સામાજિક જવાબદારી અને દિવ્યાંગ કલાકારોને રોજગારની નવી તકો આપવાનો છે. આયોજકોને વિશ્વાસ છે કે આ પહેલ સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવશે.