સુરત: આગામી 20 નવેમ્બરને બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે મતદાન જાગૃતિ માટે સુરતનાં વેપારીની અનોખી ઓફર સાથે પોતાનો વ્હોટસએપ નંબર જાહેર કર્યો છે. મહારાષ્ટ્રમાં મતદાન કરો અને સુરતથી સાડીની ગિફ્ટ મેળવો. મહારાષ્ટ્રમાં જે પ્રથમ 500 મહિલા મતદાન સ્યાહી સાથેનો ફોટો મોકલશે, એમને કુરિયરથી ફ્રી સાડી મોકલવામાં આવશે.
- મહારાષ્ટ્રમાં જે પ્રથમ 500 મહિલા મતદાન સ્યાહી સાથેનો ફોટો મોકલશે,એમને કુરિયરથી ફ્રી સાડી મોકલવામાં આવશે
વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે ટેકસટાઈલ વેપારી ગોવિંદ ગુપ્તા દ્વારા ખાસ ઓફરની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરનાર મહિલા મતદારોને પોતાની કંપનીની બ્રાન્ડ એક-એક સાડી ભેટમાં આપશે.
ગોવિંદ ગુપ્તાએ જણાવ્યું કે અમે એક વોટ્સએપ નંબર જારી કર્યો છે, જે પ્રથમ 500 મહિલાઓ મતદાન કરશે અને અમને તેમના ફોટા મોકલશે તેમને તેમના સરનામે સાડી કુરિયર કરવામાં આવશે. આ ઓફર 20મી નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે છે. મતદાન મથકની બહાર લીધેલા ફોટા જ માન્ય ગણાશે.
આ ઓફર પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે, કારણ કે એવું જોવામાં આવ્યું છે કે મહિલાઓ મતદાન અંગે જાગૃત નથી, ઘરના કામ કે આળસને કારણે મતદાન મથક સુધી પહોંચી શકતી નથી. તેથી અડધી વસ્તીને જાગૃત કરવા માટેના સંકલ્પ સાથે આ ઓફર જારી કરવામાં આવી છે.