15 હજાર મહેમાનો માટે 2000 કિલો લાકડાં પર બનશે 14 વાનગીઓ, 51 યુગલો બંધાશે લગ્નગ્રંથિમાં
સુરતના ગોડાદરા વિસ્તારમાં યોજાનારા ભવ્ય ઉત્તર ભારતીય સમૂહ લગ્ન સમારોહમાં એક અનોખું દૃશ્ય જોવા મળી રહ્યું છે. શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે આયોજકોએ હિંમત હારવાને બદલે પરંપરાગત પદ્ધતિ અપનાવી છે. ગેસના બાટલા ઉપલબ્ધ ન થતાં હવે હજારો મહેમાનો માટે લાકડાના ચૂલા પર જ ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે
આ સમારોહમાં કુલ 51 યુગલો લગ્નબંધનમાં બંધાવા જઈ રહ્યા છે, જ્યારે અંદાજે 15 હજારથી વધુ મહેમાનો અને જાનૈયાઓ હાજર રહેવાની શક્યતા છે. મહેમાનોને જમાડ્યા વગર પરત ન મોકલવાના સંકલ્પ સાથે આયોજકોએ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. દક્ષિણ ગુજરાતના ગામડાઓમાંથી લગભગ 2000 કિલો લાકડાનો જથ્થો મંગાવીને સમારોહ સ્થળે લાકડાના મોટા ચૂલા તૈયાર કરવામાં આવ્યા છે
સમૂહ લગ્ન સમિતિના ટ્રસ્ટી અમરસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ ગેસ સિલિન્ડરનો પુરવઠો સમયસર ન મળતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ આમંત્રણ આપી દીધા હોવાથી હજારો મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવી જરૂરી હતી. તેથી ગામડાઓનો સંપર્ક કરી લાકડા મંગાવવામાં આવ્યા અને મેદાનમાં જ રસોઈ શરૂ કરવામાં આવી. જમણવારના મેનૂમાં પણ કોઈ પ્રકારની કાપછાંટ કરવામાં આવી નથી. કુલ 14 પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં લાંબો સમય લેતી વાનગીઓ બનાવવાનું કામ ગઈ રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. દૂધીનો હલવો જેવી વાનગીઓ ધીમા તાપે તૈયાર થઈ રહી છે, જેના કારણે તેનો સ્વાદ વધુ ઉત્તમ બનશે એવો દાવો રસોઈ ટીમ કરી રહી છે
સ્થાનિક કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગેસની સુવિધા પહેલાં લોકો લાકડાના ચૂલા પર જ રસોઈ બનાવતા હતા. હાલની પરિસ્થિતિએ ફરીથી એ પરંપરાગત દિવસોની યાદ તાજી કરી દીધી છે. ગેસની અછત વચ્ચે પણ આયોજકોની આ તૈયારી સંકટમાં ઉકેલ શોધવાની એક પ્રેરણાદાયક મિસાલ બની છે