નૈના ભણવામાં હોશિયાર અને અવ્વલ હતી પણ અંધ હતી. જોઈ ન શકતી છતાં નૈના સદા હસતી રહેતી, પોતાનાં બધાં કામ જાતે જ કરતી. બધાને આશ્ચર્ય થતું કે અંધ હોવા છતાં તેના ચહેરા પર હંમેશા સ્મિત કેમ હોય છે? લોકો પૂછતાં, “નૈના, તું દુનિયાને જોઈ શકતી નથી, છતાં હંમેશા ખુશ કેમ રહે છે?” નૈના હસીને જવાબ આપતી, “કારણ કે મને ખબર છે કે જગતમાં જે કંઈ હોય છે, એ સારું જ હોય છે. એનો રંગ હું ન જોઈ શકું તો શું થયું? મારી વિચારશક્તિ રંગોથી પણ વધુ શક્તિશાળી છે.” એક દિવસ એની શાળામાં એક નવા શિક્ષક આવ્યા. તેમને લાગ્યું કે નૈના માત્ર દયાના આધાર પર સફળતા મેળવી રહી છે.
એક દિવસ તેમણે ક્લાસમાં પૂછ્યું, “નૈના, માનવજાત માટે કયો રંગ સૌથી સુંદર છે?” બધાં વિદ્યાર્થીઓ વિચારમાં પડી ગયાં કે નૈના તો જીવનમાં એક જ રંગને જાણે છે.અંધકારનો કાળો રંગ.નૈના કંઈ ન બોલી,મૌન રહી. શિક્ષકે પૂછ્યું, “નૈના, તું તો કહે કે તને બધું સમજાય છે. તો જવાબ આપ!” નૈનાએ હળવે હસીને જવાબ આપ્યો: “મારા માટે સૌથી સુંદર રંગ છે ‘આત્મવિશ્વાસનો રંગ’. એ રંગ આંખોથી નહીં, દિલથી જોવો પડે છે. જ્યારે કોઈ કસોટીનો સામનો કરવાનો હોય, ત્યારે મારા આત્મવિશ્વાસનો રંગ જ મને આગળ વધારતો રહે છે. જ્યારે લોકો મને અંધ કહી નિરાશ કરે છે, ત્યારે પણ એ રંગ મને આશાની ઝાંખી કરાવે છે.” નૈનાની દૃઢ ઈચ્છાશક્તિ અને સકારાત્મક વિચારોથી બધાં પ્રભાવિત થયાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.