સુરત: મોત ક્યારે આવે તે કોઈ જાણતું નથી. છેલ્લાં કેટલાંક સમયથી હસતા રમતાં લોકોના હાર્ટ એટેકના લીધે મોત થતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે, ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં પણ આવી જ એક આઘાતજનક ઘટના બની છે. પિતાના ખોળામાં બેસીને રમતી બે વર્ષની બાળકીનું ચાલુ ટ્રેક્ટરની નીચે કચડાઈ જતા કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
- બે મહિના પહેલાં મધ્યપ્રદેશથી સુરતમાં મજૂરી માટે આવેલા પરિવારે બાળકી ગુમાવી
- સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતા મજૂર પરિવારની બાળકીનું મોત
- ટ્રેક્ટરના ટાયર નીચે ચગદાઈ જતા બે વર્ષીય બાળકીનું કરૂણ મોત નિપજ્યું
સરથાણા નેચર પાર્ક ખાતે કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતી વેળા ચાલુ ટ્રેકટરમાં ડ્રાઇવર પિતાના ખોળામાંથી 2 વર્ષની માસૂમ દીકરી નીચે પડી જતા ટાયર નીચે માથાનો ભાગ ચગદાઈ જતાં કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટના બનતા જ દોડધામ મચી ગઈ હતી. બાળકીને લઈ પિતા હોસ્પિટલમાં દોડ્યા હતા, પરંતુ તે પહેલાં જ બાળકીનું મોત નિપજ્યું હતું.
મૂળ મધ્ય પ્રદેશના જાંબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના નવાપાડા પાલ ગામ ખાતે રહેતો સિંગાડીયા પરિવાર બે માસ પહેલા સરથાણા જકાતનાકા પાસે આવેલા નેચરપાર્ક ની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે આવ્યો હતો આ પરિવારમાં મુકેશ સિંગાડીયા તેમની પત્ની રંગાબાઈ તેમજ ભત્રીજો સુરેશ સુરમલ સિંગાડીયા તેમની પત્ની પૂજા અને તેમના બે નાના બાળકોના સમાવેશ થાય છે. ગઈકાલે સવારે સરથાણા નેચરપાર્કના મુખ્ય ગેટ ઉપર કામ ચાલી રહ્યું હતું.
બે વર્ષની દીકરીને ખોળામાં બેસાડી પિતા ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો અને અકસ્માત થયો
દરમિયાન મજૂર સુરેશ તેની બે વર્ષથી દીકરી પ્રિયંકાને પોતાના ખોળામાં બેસાડી ટ્રેક્ટર ચલાવી કામકાજ કરી રહ્યો હતો. જ્યારે અન્ય પરિવાર નેચરપાર્ક આગળ મુકેલા વિમાનના પાછળના ભાગે ભરાઈનું કામ કરી રહ્યો હતો. દરમિયાન પિતા સુરેશના ખોળામાંથી બાળકી ટ્રેક્ટરમાંથી નીચે પટકાઈ ગઈ હતી. પ્રિયંકાના માથા ઉપરથી ટ્રેકટર નું ડાબી સાઇડનું વ્હીલ ફરી વળતાં માથાનો ભાગ ચગદાઈ ગયો હતો. માસૂમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ આ અંગે સરથાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.