સુરત: વરાછામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 2 વર્ષની બાળકીએ પાણીની બોટલમાં મુકેલું ડીઝલ પી જતા મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવનિર્મિત ડાયમંડ કંપનીમાં લાકડા સળગાવવા માટે મૂકેલું ડીઝલ પી લેતા મોત નિપજ્યું હતું. રમતાં-રમતાં બાળકીએ પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લેતા પાડોશીઓ દોડી આવી તેના હાથથી બોટલ લઈ લીધી હતી અને બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વધુ માહિતી મુજબ મૂળ બિહારના વતની ખાલિક શેખ હાલ વરાછા ભવાની સર્કલ પાસે વરણી સ્ટાર નામથી નવનિર્મિત ડાયમંડ કંપનીમાં રહેતો હતો અને ત્યાં જ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ગઈ તા. 12મી સપ્ટેમ્બરની સાંજે તેની એકની એક પુત્રી સાકેબા (2 વર્ષ) ઘરની બહાર રહી હતી. તે સમયે રમતાં-રમતાં તેણીએ રૂમની બહાર લાકડા સળગગાવા માટે પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ પી લીધું હતું. દરમિયાન પાડોશીની નજર સાકેબા ઉપર પડી હતી. જેથી તેઓ દોડી આવીને તેણીના હાથમાંથી ડીઝલની બોટલ લઈ લીધી હતી અને 108 એમ્બ્યૂલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેણીનું મોત નિપજ્યું હતું.
મોટા વરાછામાં ભૂલથી વાંદા મારવાની દવા પી લેતા યુવતીનું મોત
સુરત: મોટા વરાછામાં ભૂલથી વાંદા મારવાની દવા પી લેતા યુવતીનું મોત નિપજ્યું હતું. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેલાના ગામના વતની અને હાલ મોટા વરાછા સુદામા ચોક પાસે આવેલી ઇટાલિયા હોસ્પિટલમાં અક્ષિતા રમેશભાઈ વાઘેલા (26 વર્ષ) રહેતી હતી અને ત્યાં જ સફાઈ કામ કરતી હતી.
ગઈ તા. 17મી સપ્ટેમ્બરના રોજ સાંજે તેણીએ ભૂલથી વાંદા મારવાની દવા પી લીધી હતી. જેથી તેણીને નવી સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન સોમવારે સવારે તેણીનું મોત નિપજ્યું હતું. અક્ષિતા છેલ્લા આઠેક મહિનાથી એક યુવક સાથે લીવ ઇનમાં રહેતી હતી.