
આજના સોશ્યલ મિડિયાના જમાનામાં સેંકડો અને હજારો ફ્રેન્ડસ અને લાખો ફોલોઅર્સ બધાને મેળવવાં છે અને જેની પાસે છે તેઓ પોતાને જીવનમાં એકદમ સફળ ગણે છે અને જેન્ઝી જનરેશન તો સોશ્યલ મિડિયા પર લાઇક્સ અને કમેન્ટ મેળવવા માટે જ કંઈ પણ કરે છે અને તે મેળવીને ખુશ રહે છે. રીતુના સોશ્યલ મિડિયા પર ૧૨૦૦થી વધારે ફ્રેન્ડસ હતાં અને તેના ફોલોઅર્સ પણ વધી રહ્યાં હતાં.રોજ તે કૈંક પોસ્ટ કરતી અને અનેક લાઈક્સ મળતાં એટલે ખુશ ખુશ થઇ જતી, સતત ફોનમાં જ રહેતી અને તેનું ભણવામાં ધ્યાન પણ ઓછું હતું.
તેને ઘરમાં કોઈ ફોન છોડી ભણવા પર ધ્યાન આપવા કહેતું તો તે વાત હસવામાં ઉડાડી દેતી.એક દિવસ તેની મમ્મીએ તેને કહ્યું કે, ‘‘ભણવા પર ધ્યાન આપ. આ સોશ્યલ મિડિયાનું ગાંડપણ છોડ.’’ સામે રિતુએ પ્રશ્ન કર્યો, ‘‘મમ્મી, તું કોલેજમાં હતી ત્યારે તારાં કેટલાં ફ્રેન્ડસ હતાં?’’મમ્મીએ જુના દિવસો યાદ કરતાં ખુશીથી કહ્યું, ‘‘અમે ચાર બહેનપણીઓ હતી અને તેમાંથી એક વિદેશ છે. એક બહારગામ રહે છે અને મીતા આન્ટીને તું ઓળખે છે. અમે બાળપણથી આજ સુધી મિત્રો છીએ અને જીવનભર રહેશું.’’
મમ્મીનો જવાબ સાંભળી રિતુ હસવા લાગી અને બોલી, ‘‘કોલેજમાં બસ ચાર ફ્રેન્ડસ અને અત્યારે એક જ…મમ્મી,જયારે જરૂર પડે ત્યારે મિત્રો જ કામ લાગે માટે મિત્રો બનાવતાં રહેવું જરૂરી છે. મારા તો હજારથી વધારે ફ્રેન્ડસ થઇ ગયાં છે. આટલા બધા મિત્રો છે મારા અને તારી પાસે એક જ ….’’રિતુ હસતી હસતી પોતાના રૂમમાં જતી રહી. પરીક્ષા નજીક આવી અને રિતુ હવે જાગી કે તેની પાસે તો પૂરી નોટ્સ પણ નથી. મમ્મીએ કહ્યું, ‘‘કોઈ ફ્રેન્ડ પાસેથી લઇ લે.’’ રિતુએ જવાબ આપ્યો, ‘‘મમ્મી અત્યારે છેલ્લી ઘડીએ મને નોટ્સ આપે એવું મારું કોઈ ક્લોઝ ફ્રેન્ડ નથી.’’
આ જવાબ સાંભળી રીતુની મમ્મી કંઈ ન બોલી, રીતુને પોતાને નવાઈ લાગી કે આ પોતે શું બોલી? મમ્મીએ કહ્યું, ‘‘તું તો કહેતી હતી કે મારા તો હજારોની સંખ્યામાં ફ્રેન્ડસ છે અને શું કોઈ એક એવું ફ્રેન્ડ નથી જે તને ઝેરોક્સ કોપી કરાવવા માટે એક કલાક માટે પોતાની નોટ્સ આપે?’’ રિતુ કંઈ બોલી નહિ પણ રડમસ થઈ ગઈ. મનમાં વિચારવા લાગી કે ‘‘તેને તો ખબર જ નથી કે કોને નોટ્સ બરાબર લખી હશે અને કોણ અત્યારે આપવા તૈયાર થશે.’’
ત્યાં થોડી વારમાં મીતા આન્ટી નોટ્સ લઈને આવ્યાં અને રિતુને આપતાં બોલ્યાં, ‘‘આ લે નોટ્સ મારી નીચે તારી કોલેજનો છોકરો રહે છે તેની પાસેથી લાવી છું. જલ્દી ભણવા બેસ.’’ મમ્મી મીતા આન્ટી માટે તેમને ભાવતી કોફી લઈને આવી અને રીતુને કહ્યું, ‘‘દીકરા મિત્ર ભલે એક હોય પણ ખાસ અને નજીકનો હોવો જોઈએ તે સમજજે અને આ સોશ્યલ મિડિયાની હવાઈ કિલ્લા જેવી દુનિયામાંથી બહાર આવી વાસ્તવિક દુનિયામાં જીવતાં શીખ.’’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.