BC દ્વારા હાલમાં હિંદી અને ઉર્દૂ ભાષાના ન્યૂઝ પોર્ટલ પર એક સીરિઝ આરંભાઈ છે અને તેનું નામ છે : ‘બાત સરહદ પાર’. દેશની આઝાદીની અમૃત જંયતી ઉજવાઈ રહી છે ત્યારે તેની ઉજવણી ખરા અર્થમાં આ કાર્યક્રમમાં થઈ રહી છે. અહીંયા ભારત અને પાકિસ્તાનના સાહિત્ય-સિનેમા સાથે જોડાયેલી હસ્તીઓ એકબીજા સાથે સંવાદ કરે છે. દર શુક્રવારે નવા એપિસોડ સાથે આ સંવાદ BBC પોડકાસ્ટ પર સાંભળી શકાય છે.
સીરિઝના બીજા એપિસોડમાં 23 જુલાઈના રોજ ભારત વતી જાણીતા ગીતકાર-વ્યંગકાર વરૂણ ગ્રોવર હતા અને પાકિસ્તાન તરફથી ડિરેક્ટર-એક્ટર સરમદ ખૂસટ. આ અગાઉ પ્રથમ એપિસોડમાં ગાયિકા સુનિધિ ચૌહાણ અને પાકિસ્તાનના ગાયિકા-ગીતકાર ઝેબ બંગાશે વાત કરી હતી. વરૂણ ગ્રોવર અને સરમદ ખૂસટે સાહિત્ય-સિનેમા વિશે તો વાત કરી સાથે તેમણે બંને દેશોના પોતાના અનુભવ રસપ્રદ રીતે કહ્યા. આમ તો આ સંવાદનો લહાવો સાંભળીને વધુ લઈ શકાય પણ તેમ ન થાય એમ હોય તો અહીં તેના કેટલાક અંશો જરૂરથી વાંચી લેવા જોઈએ.
‘બાત સરહદ પાર’ સીરિઝનું પ્રોડક્શન ખૂબ સરસ રીતે થયું છે. કાર્યક્રમ શરૂ થતાં અગાઉ આવતું મધુર સંગીત, થિમ ગીત અને તે પછી ટૂંકમાં માહિતી પીરસીને કાર્યક્રમનો ઉપાડ કરતાં પ્રેઝેન્ટર રૂપા ઝાનો અવાજ. તુરંત આમંત્રિત હસ્તીઓ સંવાદનો દોર સંભાળે છે અને શરૂ થાય છે બંને દેશો વચ્ચેનો સહિયારો ઇતિહાસ, પેઢી દર પેઢી ચાલી આવતી પોતાના ગામ, શહેરની સ્મૃતિઓ, ખાનપાન, નાચગાન, પહેરવેશ, ભાષા-બોલી, સાહિત્ય-સિનેમાની વાતો, જે માત્ર બે પેઢી અગાઉ એકસરીખી હતી.
બીજા એપિસોડમાં સંવાદનો દોર આરંભાયો અને વરૂણ ગ્રોવરે નમસ્કાર, આદાબ અને હેલો કહીને શ્રોતાઓનું સ્વાગત કર્યું. વરૂણ-સરમદ બંને પંજાબી છે એટલે પહેલાં પંજાબી ભાષામાં વાત આગળ વધી અને પછી સરમદે વરૂણે લખેલાં ગીત ‘મોહ મોહ કે ધાગે’ની વાત કરી. તેઓ કહે છે કે પૂરા પાકિસ્તાનમાં એવું કોઈ નહીં હોય જેમણે આ ગીત ન સાંભળ્યું હોય! વરૂણ કહે છે કે, “બંને દેશો વચ્ચે ઘણાં બધાં કનેક્શન છે અને કમનસીબી એ છે કે આપણે પોલિટિકલ માહોલના કારણે વાત નથી કરતા. બંને દેશોમાં જે અંતરનિર્માણ કરવામાં આવ્યું છે તે અંતરને પ્રોટેકટ કરનારા બંને દેશો તરફ એટલા મજબૂત છે કે વધુ વાતો થઈ જ શકતી નથી.”
સરમદ ખૂસટનું નામ પાકિસ્તાનની ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સન્માનથી લેવાય છે. તેમણે અભિનય, નિર્દેશન અને લેખક તરીકે ઉમદા કામ કર્યું છે. તેમની ‘મન્ટો’ ફિલ્મ ભારતમાં પણ ખૂબ જોવાઈ છે, જેનો ઉલ્લેખ આ વાતચીતમાં વરૂણે કર્યો છે. સરમદ અહીં વાત મૂકે છે કે : “હિંદુસ્તાન પર રેખા ખેંચીને જ્યારે ભારત-પાકિસ્તાન નિર્માણ થયા ત્યારે તેની સાથે જે મલિન અનુભૂતિ સૌમાં પ્રસરાવામાં આવી કે હવે બધું જ અલગ થઈ ચૂક્યું છે. જે બંને દેશોની માટીમાં ભળેલું છે તેને પણ અલગ કરી દેવામાં આવ્યું છે. આ અકુદરતી છે કારણ કે તમે કેવી રીતે માહોલ, રંગ, તહેવારને એકબીજાની સ્મૃતિમાંથી કાઢી નાંખશો?” વરૂણ સરમદની વાત સાથે સંમતિ દર્શાવીને આગળ કહે છે કે, “જુઓ આપણે બંને અલગ દેશમાં બેઠા છીએ પરંતુ કોઈ પણ એવો શબ્દ નથી જે તમારો મને નથી સમજાતો કે મારો તમને અને આપણે ત્રણ અલગ-અલગ ભાષામાં વાત કરી શકીએ છીએ.
જ્યારે અમારા દેશમાં જ એવું છે કે બે અલગ રાજ્યો, જેમ કે કોઈ તમિલનાડુથી છે અને અન્ય કોઈ ઓરિસ્સાથી છે, તો તેમની વચ્ચે ભાષા, આહાર કે સંસ્કૃતિના સંદર્ભ એટલા નહીં મળતા હોય જેટલા આપણી વચ્ચેના એટલે કે દિલ્હી-લાહોરના મળે છે અથવા તો લાહોર-લખનઉ કે લાહોર-ભોપાલના મળે છે.” આગળ વરૂણ કહે છે કે, “એવી અનેક બાબત છે જેને આપણે કલ્ચર અને નેશન કહીએ છીએ. નેશનની અનેક વ્યાખ્યા મોજૂદ છે પરંતુ હવે પોલિટિકલ જ ડેફિનેશન આપણી પાસે રહી ગઈ છે કે જે નકશો છે તે જ દેશ છે.
બાકી તો આપણી સ્મૃતિ પણ એકસરીખી છે.” ભારત-પાકિસ્તાનની સંસ્કૃતિ અને સ્મૃતિ કેટલી હદે એક જેવી છે તે વિશે સરમદ પોતાનો એક કિસ્સો ટાંકતા કહે છે કે, “હું 22-23 વર્ષનો હતો ત્યારે મેં પ્રથમ વાર ઇન્ટરનેશનલ ટ્રાવેલ કર્યું અને હું દિલ્હી આવ્યો હતો. કસમથી જ્યારે હું પહેલી વાર એરપોર્ટ પર ઊતર્યો ત્યારે મને એ વાતનો ખૂબ અફસોસ થયો કે આને હું ઇન્ટરનેશનલ ટુર ન કહી શકું. આ ટુરના આધારે હું ક્યારેય એવું નહીં માનું કે મેં ઇન્ટરનેશનલ ટુર કરી છે. મેં જોયું કે અહીંયા તો ચહેરા, ઝાડ-પાન, રસ્તાઓ, રસ્તાઓના નામ બધું સરીખું હતું. મારી સાથે મારા પિતા હતા તેમને તો મેં ત્યાં સુધી કહ્યું કે પપ્પા અહીંયાની સુંગધ અને દુર્ગંધ પણ આપણા મુલ્ક જેવી છે.”
આ વાતને આગળ વરૂણ આ રીતે પૂરી કરે છે : “જેવું મેં કહ્યું હતું કે આપણી સહિયારી સંસ્કૃતિની સ્મૃતિઓ તો છે જ અને બંને દેશો એટલા બધા એક જેવા છે કે તેમની એફિસિયન્સી તો સરખી છે, ઇનએફિસિયન્સી પણ સરખી છે.” સરમદ ખૂસટ તે પછી પાકિસ્તાનમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફનું જે આકર્ષણ છે તેની વાત કહે છે. તેમાં અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, મહેશ ભટ્ટની ફિલ્મો જેવા વિષય પર સંવાદ થાય છે. તે પછી સરમદ વ્યંગનો વિષય છેડે છે. વરૂણના વ્યંગ સરમદે સાંભળ્યા છે અને વ્યંગમાં ધ્યાને રાખવાની બાબતો ઉપરાંત પાકિસ્તાનમાં એ વ્યંગનું ટ્રેડિશન ન રહ્યું જે ભારતમાં છે, તો તે વિશે વરૂણને વાત કરવા કહે છે. વરૂણ કહે છે : “વ્યંગના મુદ્દે પણ આપણા બંને દેશો સરખા છે.
અહીં ઘટનાઓ જ એટલી હાસ્યાસ્પદ હોય છે કે તમે હસ્યા વિના નથી રહી શકતા અને આ બંને દેશોમાં એક ડાર્ક હ્યુમર એલિમેન્ટ છે અને આજે તો સેટાયર કરવું એ ખૂબ પડકારજનક થઈ ચૂક્યું છે કારણ કે તેની સ્પર્ધા હવે વાસ્તવિકતા સાથે છે. વાસ્તવિકતા એટલી હાસ્યાસ્પદ છે કે તેની સામે હું શું જોક બનાવું?” આ વાત સમજાવવા વરૂણ એક કિસ્સો ટાંકતા કહે છે કે, “હમણાં મને મારા મિત્રે એક ન્યૂઝની લિંક મોકલી છે. આ ન્યૂઝમાં પટનાની કોર્ટનો કિસ્સો છે. અહીં એક આરોપીને રજૂ કરવા અર્થે પોલીસ આરોપી સહિત કોર્ટમાં બોમ્બ લઈને આવી હતી.
આ બોમ્બ આરોપી બ્લાસ્ટ કરવાનો હતો. થોડી જ વારમાં કોર્ટમાં જ બોમ્બ બ્લાસ્ટ થયો. રાહતની વાત એ છે કે કોઈને નુકસાન થયું નથી. બોમ્બ બ્લાસ્ટ થયા પછી જજે પોલીસને પૂછ્યું કે, ‘તમે આ બોમ્બ અહીં કેમ લાવ્યા છો?’ પોલીસે કહ્યું ‘અમે સત્ય સામે લાવવા માટે બે બોમ્બ લાવ્યા હતા અને બીજો બોમ્બ પણ ત્યાં જ મૂક્યો છે, જે હજુ સુધી બ્લાસ્ટ થયો નથી’ પછી કોર્ટ ખાલી કરી દેવામાં આવી. હવે તમે જ કહો કે આ દેશમાં કોઈ સેટાઇરિસ્ટ નહીં બને તો ક્યાં બનશે?” વ્યંગની બાબતે વરૂણ આગળ ભારતના શ્રેષ્ઠ વ્યંગલેખકો શ્રીલાલ શુકલ, હરિશંકર પરસાઈ અને શરદ જોશીની વાત કરે છે અને આજના સમયમાં તેઓ હોત તો આટલી સ્વતંત્રતાથી ન લખતાં હોત તેમ પણ કહે છે.
આ વિશે વરૂણ કહે છે કે, “સોશ્યલ મીડિયા પર જ્યારે તમે હરિશંકર પરસાઈ, શરદ જોશી કે શ્રીલાલ શુકલનો પેરેગ્રાફ પોસ્ટ કરો તો લોકો એવી કોમેન્ટ કરે છે કે શોધો આમને અને જેલમાં નાંખો. ત્યારે એમને કહેવું પડે છે કે તેઓ તો આઝાદ થઈ ચૂક્યા છે આ દુનિયાની જેલોથી.” તે પછી વરૂણ પાકિસ્તાનના ઉમર શરીફના સંદર્ભે વાત કરે છે, જેમની ‘બકરા કિશ્તોં પર’ નામની હ્યુમર ડ્રામા તેમણે ખૂબ જોઈ. પાકિસ્તાનના હ્યુમરીસ્ટ મોઈન અખ્તર અને અનવર મકસૂદની પણ વાત કરે છે, જે ભારતમાં ખૂબ જાણીતા હતા. અંતે વરૂણ કહે છે કે, મળતાં રહીશું આ રીતે. આમ તો અંગ્રેજોએ જ આપણને જુદા કર્યા છે અને આજે અંગ્રેજો જ આપણો ભેટો કરાવી રહ્યા છે.