દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા નજીક હાઈવે ઉપર દાંતિયામાં બગડી ગયેલ ટ્રક રસ્તાની બાજુમાં ઊભી હતી તે સમયે પાછળથી પુરઝડપે હંકારી આવતા એક ટ્રકના ચાલકે ધડાકાભેર ટક્કર મારી અકસ્માત કરતા ટ્રકમાં બેઠેલા ક્લીનરનું ગંભીર ઇજાઓ થતાં મોત નિપજયું હતું. જયારે ટ્રકના ચાલક તથા સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં રહેતા ભગવાનભાઈ ઈશ્વરભાઈ ઠાકોર પોતાના કબજાની ટ્રકમાં ચોખા ફરી બાવળા જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન મોડી રાત્રે લીમખેડા નજીક હાઈવે ઉપરના દાંતિયામાં ટ્રકના પાછલા ટાયર નટ બોલ્ટ તૂટી જતા અવાજ આવવાથી ટ્રકના ચાલક ભગવાનભાઈ ઠાકોરે ટ્રકને પાર્કિંગ લાઈટ ચાલુ કરી રસ્તાની બાજુમાં ઊભી કરી હતી.
તે સમયગાળા દરમિયાન રાત્રિના દોઢેક વાગ્યાના સમયે દાહોદ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતા મધ્યપ્રદેશ પાર્સિંગની ટ્રકના ચાલકે ભગવાનભાઈ ઠાકોરની ઉભેલી ટ્રક ને પાછળથી ધડાકાભેર ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એમપી પાર્સિંગની ટ્રકમાં બેઠેલા ધાર જિલ્લા ના રહેવાસી ૨૮ વર્ષીય ક્લીનર માલસિંગ ભુરસિંગ માનસિંગ મુશ્કેલનું ગંભીર ઇજાઓ ને પગલે ઘટનાસ્થળ પર જ મોત નિપજયુ હતું જ્યારે ટ્રકના ચાલક તથા સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થવાથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.