Vadodara

બે દુકાનોમાંથી રૂા. 10.74 લાખનામરી અને મસાલાનો જથ્થો ઝડપાયો

વડોદરા તા.16
શહેરના સૌથી મોટા હોલસેલ કરિયાણા માર્કેટમાં ગુરુકૃપા ટ્રેડર્સ તથા રાધિકા મસાલા શોપ સહિતના મસાલાની દુકાનોમાં એસઓજી અને ફુડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં શંકાસ્પદ મરચા,હળદર, ધાણા તથા મરી પાઉડર નો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેના ચાર ચાર સેમ્પલ લઇને એફએસએલમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. જો ચકાસણી દરમિયાન ભેળસેળ તથા ડુપ્લિકેટ માલ જણાશે તો વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસ અને પાલિકાના રેડના પગલે મિલાવટ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા શહેરના સૌથી મોટા હોલસેલ અનાજ કરિયાણા હાથીમાર્કેટમાં આવેલી મસાલાની દુકાનના વેપારીઓ દ્વારા ભેળસેળયુક્ત અને ડુપ્લિકેટ મરચા પાવડર સહિતના ગરમ મસાલાનું વેચાણ કરે છે. તેવી બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને મળી હતી. જેના આધારે એસઓજી પીઆઇ વી એસ પટેલ સહિતની ટીમે પાલિકાના ફુડ એન્ડ ડ્ર્ગ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત રીતે બાતમી મુજબની ગુરુકૃપા ટ્રેડર્સ નામની દુકાન તથા રાધિકા મસાલા શોપમાં દરોડો પાડ્યો હતો. પોલીસ અને પાલિકાના ટીમના ધાડેધાડ માર્કેટમાં ધસી આવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. મરચા મસાલાના દુકાન અને રાધિકાના મસાલા શોપના ગોડાઉનમાં ચેકિંગ કરવામાં આવતા દુકાનમાંથી 126 કિલો લુઝ લાલુ મરચુ,ધાણા પાવડર 16 કિલો મળી 21 હજારનો સામાન મળી આવ્યો હતો. તેવી જ રીતે રાધિકા મસાલા શોપમાંથી 2123 કિલો લૂઝ લાલ મરચુ, હળદર પાવડર 338 કિલો તથા મરી પાવડર 95 કિલો સાથે 10.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ બંને જગ્યા પરથી મળી શંકાસ્પદ લુઝ મરચા તથા હળદર ધાણા અને મરી પાવડર મળી 10.74 લાખનો મુદ્દામાલ કબજે કરી કર્યો હતો. ફુડ એન્ડ ડ્રગ્સ દ્વારા સેમ્પલ લઇ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યો છે.

Most Popular

To Top