ભરૂચ: ભરૂચ (Bharuch) નેશનલ હાઇવે (High way) ઉપર વડદલા પાટિયા પાસે આઇસર ટેમ્પો, પિકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનર વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
- ટેમ્પોમાં ફસાઈ ગયેલા યુવાનને રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો-અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં, પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો
ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા વડદલા પાટિયા પાસે શુક્રવારે સવારે પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા ટેમ્પોચાલકે પિકઅપ ગાડી અને ડાક પાર્સલ કન્ટેનરને ટક્કર મારતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧૦થી વધુ મુસાફરને ઈજા પહોંચી હતી. જ્યારે ટેમ્પોમાં ફસાઈ ગયેલા એક યુવાનને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી ૧૦૮ સેવાની મદદ વડે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. અકસ્માત અંગેની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
માંડવીના કરંજની સીમમાં ટેન્કરચાલકે બાઈકને અડફેટે લેતાં એકનું મોત
માંડવી: માંડવીના કરંજ ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવે રોડ ઉપર ટેન્કરચાલકે બાઈકને અડફેટે લેતાં ઘટના સ્થળે જ એકનું મોત થયું હતું. જ્યારે બીજાને ઇજા થઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ માંડવી-કીમ રોડ પર આવેલા કરંજ ગામની સીમમાં ટેન્કર નં.(GJ-19-Y-1518)ના ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે હંકારતાં હોન્ડા પેશન પ્રો. બાઈક નં.(GJ-05-HG-8590) પાસે ઊભેલા કરન તીરથ બંસલ (ઉં.વ.20) પર માથાના ભાગે ટેન્કરનું વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અજયકુમાર કૃષ્ણપાલ (રહે.,સચિન, મૂળ રહે.,યુ.પી.)ને ડાબા પગના એડીના ભાગે ફેક્ચર થતાં સારવાર હેઠળ ખસેડાયો હતો. અકસ્માત કરી ભાગી છૂટેલા ટેન્કરચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ભરૂચમાં લક્ઝરી ચાલકે મોપેડસવાર બે સગી બહેનને અડફેટે લેતાં એકનું મોત
ભરૂચ: ભરૂચ નેશનલ હાઈવે રોડ પર મારુતિ નેક્સા સર્વિસ સેન્ટરની સામે લક્ઝરી ચાલકે મોપેડસવાર બે સગી બહેનોને ટક્કર મારતાં સારવાર મળે તે પહેલાં જ મોટી બહેનનું મોત નીપજ્યું હતું.
ભરૂચના જંબુસર બાયપાસ ઉપર આવેલી રોશન પાર્ક સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષીય આતિકા શકીલ ધનજી અને મોટી બહેન આફિકા શકીલ ધનજી (ઉં.વ.૨૩) ગુરુવારે પોતાની બર્ગમેન મોપેડ નં.(GJ-૧૬,DF-૧૨૭૭) લઇ ભરૂચ ને.હા. ઉપર આવેલા મેકડોનાલ્ડસ ફાસ્ટ ફૂડ કાફેમાં નોકરી પર જઈ રહ્યાં હતાં. એ દરમિયાન ભરૂચથી વડોદરા રોડ પર મારુતિ નેક્સા સર્વિસ સેન્ટરની સામે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા લક્ઝરી ચાલકે મોપેડને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ગોઝારા અકસ્માતમાં બંને બહેન માર્ગ ઉપર ફંગોળાઈ ગઈ હતી, જેમાં મોટી બહેન આફિકાને ગંભીર ઈજા થતાં સારવાર માટે ૧૦૮ એમ્બુલન્સને જાણ કરી હતી. છતાં ટ્રાફિકજામને કારણે એમ્બ્યુલન્સ સમયસર ન આવતાં ઈજાગ્રસ્ત યુવતીને તાબડતોબ રિક્ષામાં ભરૂચ ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં તેણીનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ C ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.