માતાનું ઋણ મૃત્યુપર્યંત ચૂકવી શકાય નહીં. જન્મ દેનાર માતા અને ફળ-ફૂલ અનાજથી જીવનપોષક અને ખનિજ સમૃદ્ધિ ધરનાર ધરતી માતાના ઉપકાર નિર્વિવાદ છે. એ જ ધરતી માતા માનવને દેહાંત પછીયે પોતાની ગોદમાં સમાવી લે છે. એ જ ધરતી માતા અનેક રીતે ઉપકારક વૃક્ષોનેય ઉગાડે છે. શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસના આશયથી જંગલો તો ઠીક, ગામ -શહેરોનાં વૃક્ષોનું પણ નિકંદન થઈ રહ્યું છે, તેથી હવે ‘એક પેડ મા કે નામ’ ઝુંબેશ શરૂ થઈ છે. સદ્ભાગ્યે સદબુદ્ધિ પણ પ્રવર્તી રહી છે, તેનું એક પ્રેરક આદર્શ દૃષ્ટાંત ખંભાળિયા તાલુકાના બંદરકાંઠે આવેલા ગામ-‘સલાયા’ પૂરું પાડે છે, ત્યાં લોકો મકાન બનાવે એ વખતે ઝાડ માટે જગ્યા અનામત રાખે છે.
ત્યાંનાં રહેવાસીઓનો વૃક્ષપ્રેમ અનેરો છે. લોકો પોતાનાં ઘરોમાં જુદા જુદા પ્રકારનાં અનેક વૃક્ષો ઉગાડી ચૂક્યાં છે. ત્યાં બોર અથવા કૂવામાં પાણી પણ ખારું અથવા ભાભરું નીકળે છે. આવી જમીન હોવા છતાં સલાયાવાસીઓ પોતાના ઘરમાં જુદાં જુદાં વૃક્ષો વાવે પણ છે જે ઘેઘુર બની લહેરાય છે. વૃક્ષોને કારણે પક્ષીઓનેય આશ્રય મળે છે, પંખીઓનો કલરવ સુખદ વાતાવરણ સર્જે છે. વિશ્વમાં પ્રકૃતિ અને વિકૃતિ ફેલાય છે પણ સ્વીકૃતિ તો પ્રકૃતિના જતનને જ અપાય, જતન વિના પતન અવતરે છે.
ઝાંપાબજાર, સુરત- યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે