ઘણા સમયથી ‘ગુજરાતમિત્ર’ની ‘રવિવારીય પૂર્તિ’માં સાક્ષર શ્રી મકરન્દ મહેતા, ‘એ સુરત – આ સુરત’ નામની જબ્બરદસ્ત જાણકારી આપતી ઐતિહાસિક કોલમ લખતા રહ્યા છે. સુરતનો ના જાણેલો ભૂતકાળ, સુરતના સપૂતો, સન્નારીઓ અને શિક્ષણવિદો વિષે, ખૂબ જ મનનપૂર્વક મહેનત કરીને, એઓશ્રી પ્રસ્તુત કોલમમાં લખતા રહ્યા છે. સુરતના વેપારીઓ અને સાહસિક દરિયાખેડૂઓ વિશે પણ એમણે ઘણું જાણવાજોગ લખ્યું છે.
હિન્દુ, પારસી, મુસ્લિમ કે જૈન શ્રેષ્ઠીઓની જાહેર સેવાઓ વિશે પણ મહેતા સાહેબે ઘણું લખ્યું છે. આફ્રિકા જઇને વસેલા અનેક, દક્ષિણ ગુજરાતના લોકોની સ્વદેશ પરત્વેની લાગણીને પણ એમણે ઉજાગર કરી છે. ગાંધીજીનો સુરત સાથેનો નાતો, તો છેક એમના આફ્રિકાના વસવાટ દરમ્યાન બંધાયેલો હતો, એની નોંધ પણ આ કોલમમાં લેવામાં આવી છે. સુરતની આજુબાજુના આદિવાસીઓના જીવન ઉપર પણ એમણે ઘણું બધું સંશોધન કરીને ધ્યાનાર્હ બને એવું લખ્યું છે.
સુરતની ઐતિહાસિક ઇમારતો બાબતે પણ એમણે રસાળ ભાષામાં, સદરહુ કોલમમાં લખવા યોગ્ય લખ્યું છે. વનિતા વિશ્રામ જેવી શૈક્ષણિક સંસ્થાના મૂળમાં જઇને, એમણે એના પરિશ્રમયુકત ઇતિહાસને અક્ષર દેહ આપ્યો છે. તેઓ હમણાં મુંબઇ શહેરને, ભીખુભાઇ પારેખના સંદર્ભે યાદ કરીને લખે છે કે ૧૯૫૦ નો દાયકો મુંબઇનો સુવર્ણકાળ હતો: મુંબઇ યુનિવર્સિટી તે વખતે એકદમ વાઇબ્રન્ટ હતી. એના શિક્ષણની ગુણવત્તા ભારતભરમાં સર્વોચ્ચ શિખરે હતી.
મુંબઇમાં એ વખતે હોલિવુડ અને બોલિવુડ ફિલ્મોનું પ્રદર્શન ભારે દબદબા સાથે થતું રહેતું હતું. તેઓ સાચું જ લખે છે કે ૧૯૫૦ નો દાયકો રાજકપુર, નરગીસ, દિલીપકુમાર, દેવ આનંદ, અશોકકુમાર, ગુરુદત્ત, પ્રાણ, નલિની જયવંત, રહેમાન, મીનાકુમારી, મધુબાલા, માલાસિંહા, લલિતા પવાર, ઓમપ્રકાશ અને ડેવિડ જેવા બાહોશ કલાકારોનો એ જમાનો હતો. આમ સુરતની બગલમાં વસેલી મુંબઇ નગરી માટે પણ એમણે ઘણો પ્રકાશ પાડયો છે. આમ સમગ્ર રીતે જોઇએ તો આ કોલમમાં મહેતા સાહેબની કલમ ચારેય દિશામાં ચાલી રહી છે. લખાણની શૈલી એટલી રસાળ અને સરળ છે કે, વાંચતાં – વાંચતાં મન પ્રફુલ્લિત બની જાય છે. જ્ઞાન અને જાણકારીનો ભરપૂર ખજાનો લઇને દર રવિવારે આવતી આ કોલમ, સૌ એ વાંચવી જ રહી.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.