સુરત (Surat): યુરોપની ટૂરના (Europe Tour) 13 દિવસ માટે જવા માંગતા પરિવારના અંદાજે 19 લાખ રૂપિયા સુરભી હોલીડે (Surbhi Holiday) નામનો ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સના સંચાલક ઓહિયા કરી ગયા હતા. આ સંચાલકૌ પૈકી આરોપી ગૌરવ અને જગદીશભાઈ એકબીજાની મદદગારીથી 19,00,000 રોકડા મળ્યા હોવાની સુરભી હોલીડે તરફથી નાણાં સ્વીકાર્યાની પહોંચ આપી, યુરોપ ટ્રીપ માટે ફ્લાઇટ ટિકિટ, હોટલ રિઝર્વેશન, મુસાફરીની સુવિધા અને ઈન્ડિયન કરન્સી કન્વર્ટ કરી આપશે તેવો વિશ્વાસ આપી છેતરપિંડી (Cheating) કરી હતી. સુરભી હોલીડેના સંચાલક બાપ-દીકરા નાણાં લઇ ભાગી ગયા હતા.
- ઘોડદોડ રોડનો સુરભી હોલીડેનો સંચાલક યુરોપની ટ્રીપના 19 લાખ ચાઉં કરી ગયો
- પરિવારને તેર દિવસની ટ્રીપનું પ્લાનિંગ આપી નાણાં લઈ બાપ-દીકરા છૂ થઈ ગયા
શિલ્પાબેન ઉપેન્દ્રભાઇ સામરિયા (ઉં.વ.40) (ધંધો-ઘરકામ) (રહે.,એ-902, સૂર્યા સેંડમાં એપાર્ટમેન્ટ, વેસુ, કેનાલ રોડ) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, સુરભી હોલીડે (રહે.,એલ-14, નીરજ એપાર્ટમેન્ટ, કાડિયા કોમ્પ્લે પાસે, ઘોડદોડ રોડ) તેના માલિક ગૌરવ જગદીશભાઇ ચાવડા પાસે અમે વારંવાર ટુરિંગ ટ્રીપો ગોઠવતા આવ્યા છીએ. તેઓ છેલ્લાં સાતેક વર્ષથી સુરભી હોલીડે સાથે સંકળાયેલા છે.
ગત તા.26/10/2022માં હું અને મારા પરિવારના સભ્યો યુરોપ ખાતે ફરવા જવાના હોવાથી ગત તા.24 સપ્ટેમ્બરના રોજ ગૌરવ જગદીશભાઇ ચાવડાની ઓફિસ પર ગયા હતા. ત્યાં ગૌરવ અને તેમના પિતા જગદીશભાઈ ચાવડા હાજર હતા. તેમને મળી વાતચીત કરતાં તેમણે ચાર સભ્યો માટે યુરોપની 13 દિવસનો ટ્રીપ પ્લાન સમજાવ્યો હતો, જેમાં ફ્લાઇટ ટિકિટ હોટલ રિઝર્વેશન, મુસાફરીની સુવિધા કરી આપશે તેવો વિશ્વાસ આપતાં અમે તા.26/10/2022થી 13 દિવસ યુરોપ ખાતે ફરવા જવાનું નક્કી કરાયું હતું. તેઓએ ટ્રીપ પ્લાન ફી તેમજ કરન્સી કન્વર્ટ કરવા માટે તે જ દિવસે ગૌરવ અને જગદીશભાઇને રૂ.૧૨,૦૦,૦૦૦ તથા તા.૧૦/૧૦/૨૦૨૨ના રોજ રૂ.7,૦૦,૦૦૦ રોકડા આપ્યા હતા. જે નાણાં સ્વીકાર્યા બદલ પહોંચો તેમણે મને આપી હતી અને યુરોપ ટ્રીપની ટિકિટ અને ઈન્ડિયન કરન્સી કન્વર્ટ કરી તા.૨૧/૧૦/૨૦૨૨ સુધીમાં કરી આપશે તેવી વાત કરી હતી.
ત્યારબાદ તા.૨૧/૧૦/૨૦૨૨ના રોજ બપોર પછીના આશરે પાંચેક વાગ્યાના અરસામાં ગૌરવ ચાવડાને ફોન કરતાં યુરોપ ટ્રીપની ટિકિટ અને ઈન્ડિયન કરન્સી કન્વર્ટ બાબતે પૂછતાં તેમણે તા.22 ઓક્ટોબરના રોજ સવારે ટિકિટ મળી જશે તેમ જણાવ્યું હતું. જેથી બીજા દિવસે તા.22 ઓક્ટોબરના રોજ ફોન કર્યો હતો. પરંતુ ફોન સ્વિચ ઓફ આવ્યો હતો અને ત્યારબાદ અવારનવાર ફોન કરવા છતાં સ્વિચ ઓફ જ આવ્યો હતો. બાદ આ બાપ-દીકરા ફરાર હોવાની વિગત તેમને જાણવા મળતાં તેઓ દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.