સોમવારે પુણેથી મહારાષ્ટ્રના દૌંડ જઈ રહેલી ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (DEMU) શટલ ટ્રેનમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર હતી. અચાનક આગ અને ધુમાડાના ગોટેગોટા જોઈને ટ્રેનમાં ગભરાટ ફેલાઈ ગયો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેનના ટોયલેટમાં આ આગ લાગી હતી. દરવાજો અંદરથી બંધ હોવાથી એક વ્યક્તિ ટોયલેટમાં ફસાઈ ગયો હતો. ધુમાડા અને મુસાફરની ચીસો સાંભળીને ત્યાં અરાજકતા મચી ગઈ હતી. જોકે, કેટલાક મુસાફરોએ હિંમત બતાવી અને ટોયલેટનો દરવાજો તોડીને તે વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો, જેના કારણે તેનો જીવ બચી ગયો.
દૌંડ રેલ્વે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ શૌચાલયના ડસ્ટબિનમાં લાગી હતી, જ્યાં કચરા સાથે કાગળ વગેરે રાખવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે મધ્યપ્રદેશથી મુસાફરી કરી રહેલા એક મુસાફરે કથિત રીતે બીડી પીધી હતી અને તેને ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી, જેના કારણે આગ લાગી હતી.
રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ ઘટનાના સંદર્ભમાં 55 વર્ષીય વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. શૌચાલયમાંથી ધુમાડો નીકળતો જોઈને મુસાફરો ગભરાઈ ગયા હતા, પરંતુ ટ્રેનમાં ખૂબ ભીડ ન હોવાથી પરિસ્થિતિ ઝડપથી કાબુમાં આવી ગઈ હતી.
ફાયર બ્રિગેડ અને રેલવે અધિકારીઓની તત્પરતાને કારણે, આગ તાત્કાલિક કાબુમાં આવી ગઈ અને મોટી દુર્ઘટના ટળી ગઈ. રેલવે પોલીસ આ મામલે વિગતવાર તપાસ કરી રહી છે. રેલવેએ મુસાફરોને ટ્રેનમાં ધૂમ્રપાન ન કરવા અને કોઈપણ જ્વલનશીલ વસ્તુનો કાળજીપૂર્વક નિકાલ કરવાની અપીલ કરી છે, જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.