ભરૂચ(Bharuch): ભરૂચના વાલિયાના (Valiya) પઠાર ગામમાં વિચિત્ર ઘટના બની હતી. અહીંના મોરણ ગામના રસ્તા પરથી સુકૂં ઘાસ લઈને દોડતા એક ટ્રેક્ટર પર દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો લટકતો ઓવરહેડ તાર પડ્યો હતો. વીજળીનો તાર સુકૂં ઘાસ પર પડતા ઘાસ સળગી ઉઠ્યું હતું. તેના લીધે આગનો ઢગલો લઈ ટ્રેક્ટર દોડતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ આગની ઘટનામાં ખેડૂતનું સુકૂં ઘાસ બળી ગયું હતું. આખરે ટ્રેક્ટર ચાલકે સળગતું સૂકું ઘાસ રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી હતી.
વધુમાં મળતી માહિતી અનુસાર દાજીપરા ગામના પશુપાલક ગોવિંદભાઈ ચતુરભાઈ વસાવાની પોતાની દિકરી ઝઘડિયા તાલુકાના મોરણ સાસરૂ છે. આમ તો દીકરીને સાસરે ઘાસચારો હોવાથી પોતાના ટ્રેક્ટર વડે સુકાં ઘાસના 500 જેટલા પુળા ભરીને મોરણ, ઝોકલા થઈને પઠાર ગામેથી પસાર થતા હતા. ટ્રેલરમાં ઘાસ ખુબ ઉંચુ ભરેલું હોવાથી ગ્રામ પંચાયત નજીક રોડ પર ઓવરહેડ વીજળીના તાર લટકતા હતા એ લટકતાં તાર ઘાસને અડી જતાં ફોલ્ટથી તણખા લાગતાં આગ ભભુકી ઉઠી હતી. સુકા ઘાસમાં લાગેલી આગે ક્ષણવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ગામની મધ્યમાં આગ લાગી હતી. તેથી કોઈ ઘરમાં આગ ન ફેલાય તે હેતુથી ટ્રેક્ટર ચાલકે સમયસુચકતા વાપરીને ટ્રેક્ટરની ગતિ વધારી દીધી હતી. ટ્રેક્ટર હંકારી લઈ જઈ અંકલેશ્વર નેત્રંગ રોડ પર હાઇડ્રોલિકથી ટ્રેલરમાં બળતું ઘાસ રસ્તા પર ફેંકી દીધું હતું. ટ્રેક્ટરના ડ્રાઈવરની સમયસુચકતાને કારણે ઘણા ઘર આગથી બચી ગયા હતા.
ડીજીવીસીએલની લાપરવાહીનો ભોગ ખેડૂતો અને પશુપાલકો બની રહ્યા છે: ઠાકોરભાઈ વસાવા
દાજીપુરા ગામના ઠાકોરભાઈ જાનીયાભાઈ વસાવા આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ઘણા વર્ષો વિતી ગયા હજુ DGVCL સ્થાનિક અધિકારીઓની નિષ્કાળજી લઈને લટકતાં તાર ખેંચવામાં રસ નથી. જેને કારણે અનેકોવાર શેરડીના પાક લટકતાં તારને કારણે બળી જાય છે. પઠાર ગામના ખેડૂત બાલુભાઈ પટેલના ખેતરમાં પણ હમણાં આગ લાગતાં લાખોનું નુકસાન થયું છે .અમારે શેરડીની ટ્રકો કાઢવી પણ મુશ્કેલ બને છે. DGVCLના પાપે પશુપાલકનુ ઘાસ બળીને ખાક થતાં તેનું વળતર કોણ આપશે એ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.