મોબાઈલ નામના ઉપકરણે માનવીની હથેળીમાં આખી દુનિયા તો મૂકી દીધી છે પણ સાથે સાથે સાવ નજીકનાં હાથવગા સંબંધોનો ખાત્મો પણ બોલાવી દીધો છે. રોજ ગુડ મોર્નિંગ ગુડ નાઈટ દ્વારા હેમખેમ પૂછે છે પરંતુ પોતાના જ ઘરમાં રહેતા કે પોતાની આસપાસનાં પાડોશીઓ સાથેના સંબંધોમાં ઓટ આવતી જાય છે. કુટુંબના સૌ સાથે મળીને ભેગાં બેસવું, વાતો કરવી એ બધા પરિવારમિલનના રોજિંદા અવસરો મોબાઇલે ઝૂંટવી લીધા છે.
અત્યારના સમયે મને એક સુખદ દૃશ્ય જોવા મળ્યું. મારા એક મિત્ર સાથે તેના ઘરે હું બેઠો હતો. ત્યાં એનો દસમા ધોરણમાં ભણતો દીકરો હાથમાં હેર ઓઈલની બોટલ લઈ આવ્યો અને મિત્રને કહે, ‘પપ્પા ચલો, મારે સ્કૂલે જવાનું છે. મારા માથામાં તેલ લગાવી દો.’ સાંભળીને મને ખૂબ નવાઈ લાગી. મિત્રે દીકરાના માથે તેલ ઘસી આપ્યું. હું ખૂબ આનંદ સાથે એ દૃશ્ય જોતો રહ્યો. વાતચીતમાં મિત્રે કહ્યું કે મને આનંદ છે કે આ રીતે મારો દીકરો મારી પાસે એના માથામાં તેલ નંખાવે છે. આ રીતે એ આડકતરી રીતે મારા બ્લેસિંગ મેળવે છે. વળી મને પણ એના સાંનિધ્યની તક સાંપડે છે.
મને આ પ્રસંગ ખૂબ ગમ્યો અને વિશેષ ગમી મારા મિત્રની સમજણ. મા-બહેનો દ્વારા લેવાતાં ઓવારણાં, વડીલોના પગ દબાવવા જેવી રીતભાત હવે લુપ્ત થતી જાય છે. હૂંફાળો સ્પર્શ ખરેખર હિલિંગ ટચ બને છે. મુન્નાભાઈ એમબીબીએસમાં જાદુની ઝપ્પીનો જે કમાલ દેખાડ્યો તે ખરેખરો હિલિંગ ટચ છે. પરંતુ વર્ચ્યુઅલ દુનિયામાં આપણે જીવંત સ્પર્શથી સતત દૂર ને દૂર થતાં રહ્યાં છીએ. ઉમળકાથી કોઈનો હાથ પકડવો, પ્રોત્સાહન આપવા માટે કોઈકની પીઠ થાબડવી, હૃદયમાં ભરેલી વેદનાઓ આંસુ બની બહાર આવે ત્યારે કો’ક સ્નેહીના ખભે માથું ઢાળી રડવું. આવા સંવેદનાસભર દૃશ્યો વર્ચ્યુઅલ દુનિયામાં ક્યાંથી?
સુરત – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.