વડોદરા: વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકોની આજરોજ તા.5 ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકથી સાંજના 5 કલાક સુધી યોજાનાર સામાન્ય ચૂંટણીમાં 13,33,251 પુરૂષ,12,72,996 મહિલા અને 226 ત્રીજી જાતિના મતદારો સહિત કુલ 26,06,473 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે જણાવ્યું છે.
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં મુક્ત,ન્યાયી અને નિષ્પક્ષ ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
આજે દસ બેઠકોની ચૂંટણી માટે શહેર જિલ્લાના નિયત દસ રવાનગી કેન્દ્રો ખાતેથી મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે રવાનગી કેન્દ્રો પર જઈને મતદાન ટુકડીઓને પ્રોત્સાહિત કરી હતી. તેમણે ખાસ કરીને સખી અને દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો ના મતદાનકર્મીઓ ને પ્રોત્સાહિત કરવાની સાથે સૌ ને આત્મ વિશ્વાસ સાથે ચૂંટણીની ફરજો અદા કરવા અનુરોધ કર્યો હતો.વડોદરા શહેર જિલ્લામાં 18 થી 19 વર્ષની વયના 47,343, વર્ષ 20 થી 29 વર્ષની વયના 4,72,489 કુલ 5,19,832 યુવા મતદારો,જ્યારે Pwd મતદારોની સંખ્યા 26046 અને 80 વર્ષથી વધુ વય ધરાવતા 62584 મતદારો નોંધાયા છે.
સેવા મતદારો 624 છે.વડોદરા જિલ્લામાં 1393 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં અને 1197 ગ્રામ્ય મતદાન મથકો સહિત કુલ 2590 મતદાન મથકો ઊભા કરાયા છે. 1330 મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ કરાશે એમ અતુલ ગોરે ઉમેર્યું હતું.શહેર જિલ્લાના 1190 મતદાન મથકો ખાતે અર્ધ લશ્કરી દળોનું સુરક્ષા ચક્ર રહેશે.તેમણે કહ્યું કે શહેર જિલ્લામાં 10 મોડલ મતદાન મથકો,10 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો,10 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો,70 સખી મતદાન મથકો,01 યુવા સંચાલિત મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે.ચૂંટણીમાં 3924 BU, 3924 CU અને 5367 VVPAT નો ઉપયોગ કરવામાં આવશે.મતદાન માટે કુલ 21,735 પ્રિસાઈડીંગ અને પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.શહેર જિલ્લામાં વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ તમામ 10 વિધાનસભા મત વિભાગમાં કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠકોની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે 80 પોલીસ અધિકારીઓ,1860 પોલીસ જવાન,કેન્દ્રીય અર્ધ લશ્કરી દળની 30 કંપની,એસ આર.પી.ના ત્રણ સેકશન સહિત કુલ ૫૭૪૫ સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે.શહેરની પણ પાંચ બેઠકો માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આજે તા.5 ડિસેમ્બર 2022 ના રોજ ઉદ્યોગો-ધંધાના કામદારો સહિત અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને સવેતન રજા આપવામાં આવશે. સગર્ભાઓ,મહિલાઓ, ૮૦+ વયોવૃદ્ધ ,દિવ્યાંગ મતદારોને મતદાન માટે અગ્રતા અપાશે.દરેક મતદાન મથક ખાતે મતદાર સહાયતા કેન્દ્ર કાર્યરત કરાશે.જિલ્લા કક્ષાએ નિયંત્રણ કક્ષ ટોલ ફ્રી નંબર 1800 2333038 શરૂ કરવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા GPS ટ્રેકિંગ સિસ્ટમ કંટ્રોલ રૂમ ઉભો કરાયો
શહેર-જિલ્લાના 1330 મતદાન મથકનું લાઈવ વેબ કાસ્ટીંગ થશે
વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અન્વયે ભારતીય ચૂંટણી પંચની માર્ગદર્શિકાને અનુસરીને નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતાં વાહનો અને ઇ.વી.એમ. સંબંધિત જરૂરી નિયંત્રણ રાખવામાં આવ્યા છે. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયાના લાઈવ વેબ કાસ્ટીંગ પણ જિલ્લા ચૂંટણી તંત્રની ચાંપતી નજર રહેશે.
વડોદરા કલેક્ટર કચેરી ખાતે જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ કંટ્રોલ રૂમ તેમજ ચૂંટણી ફરજ પર રોકાયેલા તમામ વાહનોનું જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમથી સતત મોનિટરિંગ કરવા માટે નિયંત્રણ કક્ષ ઉભા કરાયા છે. વડોદરા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી દરમ્યાન ઉપયોગમાં લેવાનાર ઇ.વી.એમ. તથા ચૂંટણી પર ફરજ પરના ઝોનલ ઓફિસર અને વિભાગીય અધિકારી દ્વારા ઉપયોગમાં લેવાતાં આવનાર વાહનોના યોગ્ય રૂટ નિયત કરવામાં આવ્યા છે. આ તમામ વાહનો અને ઈ.વી.એમ. મતદાન મથકથી સ્વીકાર કેન્દ્ર સુધી સમયસર અને સુરક્ષિત પહોંચે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જી.પી.એસ. દ્વારા લાઈવ ટ્રેકિંગ કરવામાં આવશે.વધુમાં વડોદરા જિલ્લા અને શહેરના કુલ મતદાન કેન્દ્રો પૈકી 1330 જેટલા મતદાન મથકોનું લાઈવ વેબ કાસ્ટીંગ થવાનું છે. જેનું વડોદરા કલેકટર કચેરી દ્વારા મતદાન મથકો પર ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા ઉપર રિયલ ટાઈમ દેખરેખ રાખવામાં આવશે.