Columns

વિદ્યાર્થી જીવનમાં સમયની પાબંદી

નયનેશ ધો. 12માં ભણતો વિદ્યાર્થી છે. કોમર્સ લાઇન પસંદ કરી છે. શા માટે કોમર્સ લાઇન લીધી તે અંગે કોઇ ધ્યેય નક્કી ન કર્યું હતું. બસ આમ જ લઇ લીધી. 2021ના સપ્ટેમ્બરથી એપ્ટીટયુડ આપવાનું નક્કી કરે છે પણ વર્ષ 2022 જૂન સુધીમાં કોઇ શેડયુલ પ્રમાણે પહોંચી શકતો નથી. ધો. 12નું પરિણામ પણ સારું લાવે છે પણ હવે શું? કંઇ જ નક્કી નથી કરી શકતો. એક રવિવારે શહેરની એક સંસ્થામાં એપ્ટીટયુડ આપવા જાય છે.

એમાં પણ અડધો કલાક મોડો પહોંચે છે છતાં રી – શેડયુલ કરી એની એપ્ટીટયુડ લેવાય છે. વાલી – વિદ્યાર્થીના કાઉન્સેલીંગ સેશનમાં અપાયેલા સમય કરતાં 35 મિનિટ લેટ અને એ પણ માતાપિતાને લીધા વગર પહોંચે છે, કોઇ નજીકના આન્ટીને લઇને સેશનમાં. ચર્ચા દરમ્યાન એક જ રટણ. નામાંકિત કોલેજોની પ્રવેશપરીક્ષા પતી ગઇ છે એટલે આ વર્ષે તૈયારી કરી, આવતે વર્ષે ભણીશ. એને હોટલ – મેનેજમેન્ટમાં આગળ કારકિર્દી બનાવવી છે. 1 થી 1.5 કલાકની ચર્ચાને અંતે પણ કોઇ નક્કી મુદ્દે સહમતિ ન સધાય અને વાલી સાથે આવીશ એવું કહેતો જાય છે.

મિત્રો, 17 – 18 વર્ષનો ધો. 12 પાસ કરેલ વિદ્યાર્થી જો એનું પૃથક્કરણ કરવામાં આવે અને એક વાકયમાં કહેવું હોય તો – ‘સમયની અહેમિયત નથી સમજી’ પછી તે કારકિર્દીનું ધ્યેય હોય, કોઇને મળવા જવાનું હોય કે કોઇની મદદ લેવાની હોય. ‘વાલીને કેમ ન લાવ્યો?’ ના પ્રશ્નના જવાબમાં કહે છે કે, ‘‘એમને સમજ ન પડે. મમ્મી તો કંઇ ભણી નથી, પપ્પા મારી જોડે કોઇ માથાકૂટ કરતા નથી.’’ હવે જ્યારે આવા તરુણોને મળવાનું થાય ત્યારે પ્રશ્ન થાય કે શા માટે આજના યુગમાં આ તરુણે સમયની પાબંદી – Punctuality જેવી કોઇ શિસ્ત કેમ કેળવી નથી? શું એનાં માતાપિતાએ કોઇ પ્રયત્ન જ ન કર્યા હશે? શું એના મિત્રો પાસેથી પણ કોઇ પીયર – લર્નિંગ ન મળ્યું હશે?

કે પછી એને પોતાને આવું કંઇ ન શીખી, અમલ ન કરી કંઇક બીજું જ સાબિત કરવું છે? જેવા અસંખ્ય પ્રશ્નોની મનમાં ઊથલપાથલ થઇ જાય કારણ કે એક તરુણ જે યુવાનીના ઉંબરે ઊભો છે, જો એ દરેક નિર્ણયમાં, કામમાં મોડું કરશે તો એની પુખ્ત વયની કારકિર્દી અને સંબંધોમાં નકારાત્મકતા જ અનુભવશે. જે લાંબે ગાળે એને વ્યકિતગત અને સામાજિક ધોરણે મોટું નુકસાન કરાવી શકે છે. એવી વ્યકિતને સમાજમાં માન – સન્માન મેળવવામાં મુશ્કેલી પડે છે. તો બાળકને સમયના પાબંદ બનાવવાની શરૂઆત કયારે કરી શકાય? કોણે કરવી પડે? જેથી જિંદગીમાં મહત્ત્વના લક્ષણોનો વિકાસ સહજતાથી કરી શકાય?

# ‘સમયમર્યાદામાં કાર્ય કરવું’ એ તો ખૂબ જ નાનપણથી શીખવી શકાય એમ છે. બાળક રમતું હોય, TV કે કાર્ટૂન જોતું હોય કે જમવાનું જમતો હોય. થોડેવત્તે અંશે ‘ચાલો, ફિનીશ કરો’ની રટણ દરેક માતા કરતી જ હોય છે. આમ બાળક બે-અઢી વર્ષનું થાય, પ્લે ગ્રુપમાં જતું થાય તે પહેલાંથી આની શરૂઆત આપોઆપ જ  થઇ જતી હોય છે પણ ધીમે ધીમે એમાં ડિલે થતું જાય. થોડી ઢીલાશ, વધુ ઢીલાશ મુકાતી જાય. ચાલો હોમવર્ક હમણાં નહીં તો પછી કરશે. ‘પાર્કમાં રમવા જવાનું હોય તો પણ 4 વાગે નીકળવાના બદલે 5 વાગે જઇશું’ ની આદતોથી બાળક પણ ઢીલાશ મૂકતું થઇ જાય છે અને કામ કરવાના સમયે કામ પૂર્ણ થતું નથી. ધીરે ધીરે હાથમાંથી TVનું રીમોટ, મોબાઇલ ગેમ છૂટતી નથી અને આવું વર્તન પર્સનાલીટીનો એક ભાગ થઇ જાય છે. આ એટલા માટે થાય છે કે આવું મોડું વર્તન ચલાવી લેવામાં આવે છે. એને છાવરવામાં આવે છે. (પ્રોટેકશન મળી રહે છે.)

આજના જમાનામાં KGમાં પણ સમયપત્રકનું પાલન કરવામાં આવે જ છે ત્યારે રિક્ષા, વાનના સમય પ્રમાણે બાળકો દૂધ, નાસ્તો કરી તૈયાર રહેવાનું એ જ મોટું ટાસ્ક છે. જો વાલીઓ એમ માનતા હોય કે ‘મારું બાળક નાનું છે, મોટું થતાં તો શીખી જ જવાનું છે’ તો કદાચ મોટી ભૂલ થઇ શકે છે. નાની વયે પડેલી છાપ મોટી વયે બદલાતી નથી હોતી માટે કુટુંબ જ 100 શાળા બરાબર શિક્ષણ આપી શકે છે. જેનો અભ્યાસક્રમ કોઇ પાના કે દીવાલ પર લખાયેલો નથી હોતો, છતાં જીવનના અમૂલ્ય મૂલ્યોનું વાવેતર કુટુંબમાંથી જ થાય છે અને શાળા, સમાજ એમાં ખાતર – પાણી તરીકે કાર્ય કરી જાય છે.

આપણે સૌ પુખ્ત વ્યકિતઓને તો ખબર જ છે કે સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવાથી, ઉચિત સમયે ઉચિત નિર્ણયો લેવાથી કેવો લાભ થાય છે. તો પછી આપણે પણ જાગૃત રહી બાળકોને એની મહત્તા સમજાવીએ. # સમયની પાબંદી એ સમયસર કાર્યમાં હાજરી આપવાની આદત છે. વ્યાપક અર્થમાં યોગ્ય સમયે વસ્તુઓ કરવાની આદત છે. જીવનમાં સફળતા મેળવવાની ચાવી છે. સમયના પાબંદ અને શિસ્તબધ્ધ વિદ્યાર્થીને શાળા અને સમાજમાં હંમેશાં સન્માન અને સામાજિક સ્વીકૃતિ મળે છે.

# બાળક નાનું હોય, થોડું ઘણું સમજતું થાય ત્યારે એ જે પણ કાર્ય સમયના દાયરામાં પૂર્ણ કરે તો એને વખાણો અને જો ના કરે તો થોડી હળવી ટિપ્પણી કરો. દા.ત. અડધો કલાક બહાર રમવાનું નક્કી કર્યું હોય પછી કાર્ટૂનનો એક એપિસોડ જોવાનો હોય તો જો બાળક અડધો કલાક કરતાં વધુ રમીને આવે તો ટીવી જોવાના સમયમાં કાપ મુકાવો જોઇએ. તો જ સમય સાચવવાનું લેશન આપી શકાય. ખાલી શબ્દો બોલવાથી કોઇ વધુ ફરક બાળકને પડશે નહીં. આ કરવા માટે ‘Assertiveness’ મક્કમતા અને સુસંગતતા ખૂબ જ અગત્યની છે.

# જો બાળક સમયસર તૈયાર ન થાય તો વાન – રિક્ષા જતી રહે તો ઘરના સાધનમાં મૂકવા ન જાવ. અત્યારે યાદ આવે છે કે ધો. 10નો વિદ્યાર્થી રોજ જ નહાવામાં મોડું કરે, વાન આવે ત્યારે તૈયાર જ ન થયો હોય અને લગભગ અઠવાડિયાના 3 દિવસ એના પપ્પા શાળાએ મૂકવા જતા. આજે ધો. 12 પછી કેનેડા ગયેલો પણ અવ્યવસ્થિતતાને લીધે અનુકૂલન ન સાધી શકાયું. મિત્રો કંટાળી ગયા અને પાછા સુરત ભેગા થવું પડયું. સમયના પાબંદની લાક્ષણિકતા ધરાવતી વ્યકિતઓ ભલે તે બાળક હોય પણ બીજાને માટે હંમેશાં ઉદાહરણરૂપ બની જાય છે. ‘Punctuality is not about being ontime, It’s basically about respecting your own commitment.’

Most Popular

To Top