મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિનો ભવ્ય વિજય થયો છે, પણ આદિવાસી રાજ્ય ઝારખંડમાં ભાજપને સજ્જડ પરાજય આપીને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેને ચમત્કાર સર્જ્યો છે. ઝારખંડના રાજકીય ઈતિહાસમાં આ પહેલી વાર બન્યું છે કે જ્યારે કોઈ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરીને બીજી વખત સત્તામાં આવી હોય. ઝારખંડમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનની ઝારખંડ મુક્તિ મોરચાને ૩૪ બેઠકો મળી છે, જ્યારે તેમની મુખ્ય સહયોગી પાર્ટી કોંગ્રેસને ૧૬ અને રાષ્ટ્રીય જનતા દળને ૪ બેઠકો મળી છે. રાજકીય નિરીક્ષકો માને છે કે હેમંતે તેમના અગાઉનાં તમામ વચનો પૂરાં કર્યાં હતાં, જેના કારણે જનતાએ તેમને ૫૬ બેઠકો સાથે બીજી વખત સરકાર બનાવવાની તક આપી છે. સરકાર દ્વારા હેમંત સોરેનને જેલમાં નાખવામાં આવ્યા હતા, તેની સહાનુભૂતિનો લાભ પણ તેમને મળ્યો હોવાનું સમજાય છે.
આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે રાજ્યની ૧૪ માંથી ૮ બેઠકો જીતવામાં સફળ રહ્યો હતો, જ્યારે જેએમએમને ૩ અને કોંગ્રેસને ૨ બેઠકો મળી હતી. ત્યારથી રાજ્યના રાજકીય વાતાવરણમાં ઘણો બદલાવ આવ્યો છે. તે દરમિયાન હેમંત સોરેન જેલમાં હતા. હેમંત સોરેનને જ્યારે પણ તેમની સરકારનાં પાંચ વર્ષના દેખાવ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હાજર હતો કે બે વર્ષ કોરોનાને કારણે બરબાદ થઈ ગયાં. બાકીનો સમય ભાજપ સતત તેમની સરકારને તોડી પાડવાના પ્રયાસો કરતો રહ્યો.
હેમંત સોરેનની આ દલીલ ઝારખંડના મતદારોના મનમાં ઊતરી ગઈ લાગે છે. લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો ભાજપના ગઠબંધનને મળી તેનું કારણ એ હતું કે તેમાં દિલ્હીની સરકાર ચૂંટવાની હતી. જો લોકસભાની ચૂંટણીનાં પરિણામોનું પુનરાવર્તન વિધાનસભાની ચૂંટણીમાં થાય તો ઝારખંડમાં ભાજપની સરકાર આવે તેમ હતું; પણ લોકસભાની ચૂંટણી પછી મતદારોનો મિજાજ બદલાઈ ગયો હતો. પોતાના રાજ્ય માટે તો હેમંત સોરેનને જ મતદારોએ પસંદ કર્યા છે. ભાજપ પાસે મુખ્ય મંત્રીનો કોઈ ચહેરો નહોતો, એ હકીકત પણ ભાજપના પરાજય માટે જવાબદાર ગણાય છે.
હેમંત સોરેનને સત્તા પરથી હટાવવાના પ્રયાસો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રઘુબર દાસે શરૂ કર્યા હતા. વર્ષ ૨૦૨૨ માં તેમણે આરોપ લગાવ્યો કે હેમંત સોરેને મુખ્ય મંત્રીના પદ પર રહીને તેમના નામે પથ્થરની ખાણની લીઝ મેળવી હતી. આ લીઝ હેમંત સોરેન મુખ્ય મંત્રી બન્યા તે પહેલાં લેવામાં આવી હતી, જે તેઓ ઓફિસમાં હતા ત્યારે રિન્યુ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં કોઇ પણ પ્રકારનું ખાણકામ થયું ન હતું. આ સમયગાળા દરમિયાન લીઝ પણ રદ કરવામાં આવી હતી. મામલો મુખ્ય મંત્રીનો હોદ્દો સંભાળતી વખતે અયોગ્ય લાભ લેવાનો હતો.
રઘુબર દાસે આ સંબંધિત દસ્તાવેજો તત્કાલીન રાજ્યપાલ રમેશ બૈસને સોંપ્યા હતા. રાજ્યપાલે કેન્દ્રીય ચૂંટણી પંચનો અભિપ્રાય માંગ્યો કે શું આ આધારે હેમંત સોરેનને વિધાનસભાના સભ્યપદેથી હટાવી શકાય છે. આ મામલો લાંબા સમય સુધી રાજ્યપાલ પાસે રહ્યો હતો. જવાબી પરબિડીયું આજદિન સુધી ખોલવામાં આવ્યું નથી. બીજા કિસ્સામાં વર્ષ ૨૦૨૨ માં EDએ સાહેબગંજ જિલ્લામાં ગેરકાયદેસર પથ્થરની ખાણ સાથે સંબંધિત કેસ નોંધ્યો હતો, જેમાં મુખ્ય મંત્રી હેમંત સોરેનના વિશ્વાસુ ધારાસભ્ય પંકજ મિશ્રાને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેઓ જેલમાં ગયા હતા. જો કે હાલ તેઓ જામીન પર બહાર છે. EDએ આ જ કેસમાં હેમંત સોરેનની પણ પૂછપરછ કરી હતી.
ત્રીજા પ્રયાસમાં વર્ષ ૨૦૨૨માં જ બંગાળ પોલીસે ઝારખંડમાંથી કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને પૈસા સાથે પકડ્યા હતા. ચર્ચા એવી હતી કે આ ત્રણ સિવાય અન્ય સાત ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ ધારાસભ્યોની ધરપકડ બાદ સરકારને પછાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. ચોથો પ્રયાસ કરવામાં આવ્યો તે સફળ રહ્યો. ED રાંચીના બરિયાતુ વિસ્તારમાં સેનાની જમીનના ગેરકાયદે વેચાણના કેસની તપાસ કરી રહી હતી.
તપાસના તાર હેમંત સોરેન સુધી પહોંચ્યા હતા. ED પૂછપરછ કરવા હેમંત સોરેનના ઘરે ગઈ હતી. ૩૧ જાન્યુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી. હેમંત સોરેન જેલમાં ગયા તે પછી ચંપાઈ સોરેનને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. બરાબર છ મહિના બાદ ૨૮ જૂને હેમંત સોરેન જેલમાંથી બહાર આવ્યા હતા. પાંચ દિવસ પછી ચંપાઈ સોરેનનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું અને હેમંત સોરેને ફરી એક વાર કમાન સંભાળી હતી. ચંપાઈ એક મહિના પછી ભાજપમાં જોડાઈ ગયા હતા.
આ બધી બાબતોને પાર કર્યા પછી પણ હેમંત સોરેને આટલી જબરદસ્ત સફળતા કેવી રીતે મેળવી? તેનું કારણ એ છે કે ભાજપ જે આરોપો લગાવતો રહ્યો અથવા કેન્દ્રીય એજન્સી દ્વારા જે કેસોની તપાસ થઈ રહી હતી તે સાબિત થઈ શકી નથી. વળી હેમંત સોરેનના જેલમાં ગયા પછી તેમની પત્ની કલ્પના બેકઅપ પ્લાન તરીકે તૈયાર હતી. તે સતત હેમંતનો સંદેશ લોકો સુધી પહોંચાડી રહી હતી હતી. આની અસર એ થઈ કે જેએમએમના પરંપરાગત મતદારો સિવાય આખો આદિવાસી સમુદાય પણ તેમની સાથે આવ્યો. પરિણામ એ આવ્યું કે ખુંટી અને તોરપા વિધાનસભા બેઠકો, જ્યાંથી ભાજપ ચૂંટણી જીતતો હતો તે પણ આ વખતે તે જેએમએમના ખાતામાં ગઈ હતી. ૨૮ અનામત બેઠકો સિવાય એવી ઘણી બેઠકો છે, જ્યાં આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આનું પરિણામ એ છે કે હેમંત સોરેનને જંગી બહુમતી મળી છે.
મહારાષ્ટ્રમાં જેમ લાડલી યોજના ભાજપને ફાયદો કરાવનારી બની તેમ ઝારખંડમાં મણિયા સન્માન યોજના મતો જીતનારી પુરવાર થઈ હતી. હેમંત સોરેને મણિયા સન્માન યોજના હેઠળ દર મહિને ૧,૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરતાંની સાથે જ ભાજપે ગોગો દીદી યોજના લાવીને ૨,૧૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ૧૫ ઑક્ટોબરે ચૂંટણીની જાહેરાત થાય તેના બે દિવસ અગાઉ મણિયા સન્માન યોજના હેઠળ દર મહિને ૨,૫૦૦ રૂપિયા આપવાની યોજના કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવી હતી. કલ્પના સોરેન આ ચૂંટણીમાં ઝારખંડની રાજકીય ઉપલબ્ધિ છે. પરિવાર અને પક્ષને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો કે તરત જ કલ્પના પૂરી તાકાત સાથે બહાર આવી. અત્યારે આખા ઝારખંડમાં તેમના જેવો લોકપ્રિય જનપ્રતિનિધિ કોઈ નથી.
હેમંત સોરેને તેમની રાજનીતિ ખૂબ જ ધૈર્યથી કરી હતી. આટલી મોટી જીત માત્ર મણિયા સન્માન યોજનાના આધારે મેળવી શકાઈ ન હતી. તેમણે પડકારોનો સામનો સક્ષમતાથી કર્યો. એટલું જ નહીં, તેમણે જોડાણની આખી રાજનીતિ પણ પોતાની રીતે ચલાવી હતી. નરેન્દ્ર મોદીનો સામનો કરી શકે તેવા જે મજબૂત નેતાઓ વિપક્ષમાં છે, તેમાંના એક હેમંત સોરેન બન્યા છે. શિબુ સોરેન પર પુસ્તક લખનાર વરિષ્ઠ પત્રકાર અનુજ સિન્હા કહે છે કે ભ્રષ્ટાચારના આરોપોથી જેએમએમની વોટ બેંક પર કોઈ જ ફરક નથી પડતો. હેમંત સોરેન જેલમાંથી છૂટતાંની સાથે જ આદિવાસી સમુદાયને સંદેશો આપવામાં આવ્યો કે શિબુ સોરેન અલગ રાજ્ય માટે લડ્યા હતા, માટે તેમના પુત્રને હેરાનગતિ કરવામાં આવી રહી છે.
આના કારણે શિબુ સોરેનનો સપોર્ટ બેઝ હેમંતને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હેમંત સોરેને તેમનાં મતદારોને એક સંદેશ પણ આપ્યો છે કે તમે શિબુ સોરેનની ગેરહાજરી અનુભવશો નહીં. આ વખતે સાથી પક્ષો હેમંત સાથે કોઈ સોદો કરશે નહીં. આટલું જ નહીં, હેમંત પોતે પણ કેન્દ્ર સાથે કોઈ પણ પ્રકારની ઢીલી વાત કે ટેન્શન નહીં થવા દે. કલ્પના સોરેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ નમ્ર છે, હિન્દી, અંગ્રેજી, સંથાલી, ઓડિયા સારી રીતે બોલે છે. જો હેમંત સોરેન ભવિષ્યમાં કોઈ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ જેલમાં જશે તો જેએમએમ પાસે કલ્પના સોરેન મુખ્ય મંત્રીપદ માટેનો નિર્વિવાદ ચહેરો હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.