સુરત(Surat): સલાબતપુરામાં નવાબવાડી કુબેરજી હાઉસની સામે એક મકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા ઇસમે એક વૃદ્ધાની હત્યા (Murder) કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. વૃદ્ધાને બચાવવા જતા પરિવારના બે સભ્યોને ઘા મારી મોબાઇલ અને હેડ ફોન લૂંટી ચોર ઈસમ ભાગી ગયો હતો.
વહેલી સવારે બનેલી આ લૂંટ વિથ મર્ડર ની ઘટનાને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરિવારે જણાવ્યું હતું કે વૃદ્ધ માતા ની બુમાબૂમ બાદ દોડીને આવ્યા તો માતા લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. અજાણ્યો ઈસમ હાથમાં ચપ્પુ લઈ માતા ઉપર હુમલો કરતો હતો. બચાવવા જતા પિતા-પુત્ર ને ઘા માર્યા હતા. હાલ પરિવાર શોકમાં છે.
ભરત કરસારામ પ્રજાપતીએ જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારના 3-4 વાગ્યાની હતી. ઘર નંબર 2014 માં બની હતી. એક અજાણ્યો ઇસમ ઘરમાં રૂમની સ્લાઈડીંગ વિન્ડોમાંથી પ્રવેશ કરી એપલ તથા એમ.એસ.આઈ. કંપનીના બન્ને લેપટોપ ચોરી કરી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
તે દરમિયાન ઊંઘ ખુલી જતા આરોપીએ તેમને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ 10 હજારની કિંમતનો એમ.આઇ. કંપનીનો મોબાઇલ ફોન તથા 3000 ના બે હેડફોન મળી 13 હજારની લુંટ ચલાવી હતી. એટલું જ નહીં પણ લૂંટારુએ તેમને મોઢાના ભાગે ચપ્પુ મારી, ધાક ધમકી આપી હતી.
આ ઘટના દરમિયાન માતા ગીતાબેન (ઉં.વ.-48) બાથરૂમ માટે આવતા તેમને પણ પીઠના ભાગે ચપ્પુના ઘા મારી લોહી લુહાણ કરી નીચે પાડી દીધા હતા. માતાની બુમાબુમથી પિતાજી ફરસારામ જોયતાજી પ્રજાપતિ અને ભાઈ જીતુ અને બહેન નીત બીજા માળેથી બચાવવા આવતા આરોપીએ પિતાજીને પેટના ભાગે ચપ્પુનો ઘા મારી લોહી લુહાણ કરી ભાગી ગયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે લોહીના ખાબોચિયામાં પડેલા માતા-પિતા અને પરિવારને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાતા માતા ગીતાબેન ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ સોફ્ટવેર એન્જીનીયર છે. મૂળ રાજસ્થાનના નુંનગામ, તા. ઝાલોર, જી.ઝાલોરના રહેવાસી છે.