Comments

આદિવાસી સમાજના પરિવર્તન પર ધ્યાન આપતું થીસીસ

પ્રારંભિક રોમેન્ટિક આકર્ષણ ભાગ્યે જ ટકી રહે છે, પરંતુ પ્રારંભિક વિદ્વત્તાપૂર્ણ રુચિઓ ઘણી વાર ટકી રહે છે. મેં મારી કારકિર્દીની શરૂઆત વન સમુદાયોના ઇતિહાસકાર તરીકે કરી હતી, જેમના જીવન બ્રિટિશ વસાહતી શાસને નિર્દયતાથી અસ્તવ્યસ્ત કરી નાખ્યાં હતાં. જો કે, બાદથી હું અન્ય દિશાઓમાં ભટકી ગયો, પરંતુ મેં હંમેશાં તે ક્ષેત્ર સાથે જોડાણ જાળવી રાખ્યું છે જે મેં શરૂઆતમાં શરૂ કર્યું હતું.

હકીકતમાં, મેં ગયા અઠવાડિયે એક યુવાન વિદ્વાન દ્વારા લખાયેલ ડોક્ટરલ થીસીસ વાંચવામાં વિતાવ્યો છે, જે વર્તમાન ઝારખંડ રાજ્યના સામાજિક અને પર્યાવરણીય ઇતિહાસની શોધ કરે છે. હું આ થીસીસની ઉત્કૃષ્ટતાથી એટલો પ્રભાવિત થયો કે, મેં વિચાર્યું કે મારે આ કોલમમાં તેના વિશે લખવું જોઈએ. આ થીસીસ બ્રિટિશ શાસન હેઠળ સિંહભૂમ પ્રદેશમાં આદિવાસી સમાજના પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે સૌ પ્રથમ દસ્તાવેજીકરણ કરે છે કે કેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રદેશ પર ધીમે-ધીમે લશ્કરી અને વહીવટી નિયંત્રણ મેળવ્યું. તે પછી એ તપાસે છે કે કેવી રીતે વસાહતીવાદે સિંહભૂમના કુદરતી લેન્ડસ્કેપ, કાનૂની માળખા અને આર્થિક અને રાજકીય માળખાને ધરમૂળથી બદલી નાખ્યા.

આવરી લેવામાં આવેલા મહત્ત્વપૂર્ણ વિષયોમાં વસાહતી વન નીતિના વ્યાપારી પૂર્વગ્રહો, ગામના વડાઓની બદલાતી સ્થિતિ જેમણે નવા શાસન સાથે સમાધાનો કરવાં પડ્યાં અને વસાહતી શાસન દ્વારા તેમના જીવનમાં આવેલા પરિવર્તન પ્રત્યે આદિવાસી સમુદાયોના પ્રતિભાવોનો સમાવેશ થાય છે. ઇકોલોજી, સમાજ અને રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે વિદ્વાન બૌદ્ધિક ઇતિહાસ પર પણ યોગ્ય ધ્યાન આપે છે. સિંહભૂમના આદિવાસીઓ પર યુરોપિયન અધિકારીઓ અને ભારતીય માનવશાસ્ત્રીઓ બંનેનાં કાર્યોનું તીક્ષ્ણ વિશ્લેષણ રજૂ કરે છે.

આ યુવાન ઇતિહાસકારના કાર્યમાં છ મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ દર્શાવવામાં આવી છે, જેની હું નીચે ચર્ચા કરું છું: પ્રથમ, અગાઉનાં લેખકો દ્વારા આદિવાસીઓ પર લખાયેલા સાહિત્ય પર, પછી ભલે તે ઝારખંડની જાતિઓ પર હોય કે ભારતના અન્ય ભાગોની જનજાતિઓ પર, જાણીતા અને અજ્ઞાત, બન્ને પ્રકારના સાહિત્ય પર અધિકાર; બીજું, પ્રાથમિક સ્રોતોની વિશાળ શ્રેણી શોધવા અને ઉપયોગ કરવાની ક્ષમતા. થીસીસ રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા આર્કાઇવ્સમાં અને એક સદી કરતાં વધુ સમય પહેલાં પ્રકાશિત થયેલા અજ્ઞાત નિબંધો અને પુસ્તકોમાં કરવામાં આવેલાં સંશોધન પર આધારિત હતી;

ત્રીજું, અભ્યાસ હેઠળના પ્રદેશમાં ફિલ્ડવર્ક દ્વારા પૂરક જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છા. આ યુવાન વિદ્વાન મહાન ફ્રેન્ચ ઇતિહાસકાર માર્ક બ્લોચના આ વાક્યને હૃદયમાં ઉતારી લીધું હોય લાગતું હતું કે, એક ઇતિહાસકારને જાડા બૂટની સાથે જાડી નોટબુકની જરૂર હોય છે; ચોથું, તેની દલીલોને સમજાવવા માટે પ્રાથમિક સ્રોતોમાંથી આબેહૂબ અવતરણો પર નજર. ઉદાહરણ તરીકે, આ 19મી સદીના એક બ્રિટીશ અધિકારી છે, જે જંગલોમાં શિકાર વિશે લખે છે અને હંમેશાં અપરિવર્તનશીલ આદિવાસી જીવનનું રંગીન ચિત્ર રજૂ કરે છે:

એક સદી પછીના અને આર્કાઇવ્સમાં રહેલી ફાઇલમાંથી મેળવેલા બીજા એક અવતરણમાં, ૧૯૨૦ના દાયકાના અસહકાર ચળવળના એક સહભાગી કહે છે (અનુવાદિત): ‘સ્વરાજ હવે પ્રાપ્ત થઈ ગયું છે અને ગાંધી તેના વડા છે. અંગ્રેજો દેશ છોડી રહ્યા છે અને ચૈબાસામાં રહેલાં થોડાં અંગ્રેજો ત્રણ કે ચાર મહિનામાં ભાગી જશે. કોઈ ભાડું ચૂકવવામાં આવશે નહીં. ગાંધી-મહાત્મા એક શાળા સ્થાપિત કરશે અને સરકારી શાળાઓનો નાશ કરવામાં આવશે. ગાંધીની શાળામાં કોઈ ફી ચૂકવવી પડશે નહીં;’ પાંચમું, થોડી શૈક્ષણિક ભાષા સાથે સ્પષ્ટ અને ઘણી વાર આકર્ષક ગદ્યમાં તેમની સામગ્રી લખવાની ક્ષમતા;

છઠ્ઠું, તેમની દલીલોનું સૂક્ષ્મ  વર્ણન. વિદ્વાન ખાસ કરીને સંસ્થાનવાદી અધિકારીઓ અને સમકાલીન કાર્યકરોમાં સામાન્ય આદિવાસી જીવનના રૂઢિપ્રયોગોનું પુનરાવર્તન ન કરવા માટે ખૂબ કાળજી રાખી છે. તેઓ એવાં લખાણોની વિચારશીલ ટીકા રજૂ કરે છે જે વસાહતી યુગમાં અને વર્તમાનમાં આદિવાસી વિરોધ વચ્ચે સીધી રેખા રજૂ કરે છે, ‘જે આધુનિક રાજ્ય દ્વારા આદિવાસીઓના અગાઉના આદર્શ રીતિ-રિવાજો આધારિત વિશ્વમાં વ્યવધાન ઉત્પન્ન કરવામાં આવ્યું હોય.’ વિદ્વાન કહે છે કે, આ લખાણો ‘આદિવાસીઓને યુગો જૂના અને અપરિવર્તનશીલ રિવાજો અને પરંપરાઓ દ્વારા સંચાલિત એકસમાન સમુદાયો તરીકે અનિવાર્યરૂપે સ્થાપિત કરવાના દોષિત છે.

દુઃખદ વાત એ છે કે, 2018માં આ થીસીસ સબમિટ કરવામાં આવી હતી, પરંતુ તે હજી સુધી પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ નથી. આનું કારણ એ છે કે વિદ્વાનનું નામ ઉમર ખાલિદ છે. એક ક્રૂર અને દંડાત્મક રાજ્ય, ધીમી ન્યાયિક પ્રણાલી સાથે જોડાયેલું, – આ કોલમ લખતી વખતે – આ પ્રતિભાશાળી ઇતિહાસકારને જામીન વગર અને ઔપચારિક આરોપો દાખલ કર્યા વિના પાંચ વર્ષથી વધુ સમય માટે જેલમાં રાખ્યા છે.

હું સ્વયં ક્યારેય ડૉ. ઉમર ખાલિદને મળ્યો નથી કે તેમની સાથે વાત કરી નથી. જો કે, ડિસેમ્બર 2019માં એક દિવસે અમે બંનેએ એક ભેદભાવપૂર્ણ કાયદા સામે શાંતિપૂર્ણ દેશવ્યાપી વિરોધમાં ભાગ લીધો હતો. તેઓ દિલ્હીમાં અને હું બેંગલુરુમાં. ત્યારથી હું અમારા જીવનના અલગ-અલગ માર્ગો અને તેનાં કારણો વિચારતો રહ્યો છું. શું હું મારું સંશોધન અને લેખન ચાલુ રાખી શક્યો છું, જ્યારે તેઓ એમ કરી શક્યા નથી. કારણ કે, મારું પહેલું નામ રામચંદ્ર છે, ઉમર નથી?

મેં અહીં ડૉ. ખાલિદ વિશે એટલા માટે લખ્યું છે કારણ કે, આધુનિક ભારતના એક ઇતિહાસકાર હોવાના નાતે હું તેમના વિદ્વત્તાપૂર્ણ કાર્યની ઊંડાઈ અને સમૃદ્ધિની પ્રશંસા કરી શકું છું, પરંતુ હું આ કોલમ સમાપ્ત કરતાં મારે એ નોંધવું જોઈએ કે, તેઓ ઘણા સારા, પ્રામાણિક પુરુષો અને સ્ત્રીઓમાંના એક છે, જેઓ તેમના રાજકીય માસ્ટરના આદેશથી પોલીસ દ્વારા ઉતાવળમાં દાખલ કરાયેલા શંકાસ્પદ આરોપો હેઠળ જેલમાં બંધ છે. આમાંનાં કેટલાંક ભારતીયો વિદ્વાનો અને સંશોધકો પણ છે. અન્ય સામાજિક કાર્યકરો અને નાગરિક સમાજનાં કાર્યકરો છે, જેમણે તેમના જીવનમાં અને કાર્યમાં અહિંસા અને ભારતીય બંધારણનાં મૂળ મૂલ્યો પ્રત્યે પોતાની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે.

બહુલતા અને લોકશાહી પ્રત્યેની આ પ્રતિબદ્ધતા અને કદાચ બીજું કંઈ નહીં, તેમને શાસક શાસનના સરમુખત્યારશાહી અને બહુમતીવાદી પ્રવૃત્તિની ચુંગાલમાં ફસાવી દેવામાં આવ્યા છે. તેથી આપણા આ નોંધપાત્ર યુવાન દેશબંધુઓ તેમનાં શ્રેષ્ઠ વર્ષો અંધારા, ગંદા અને અસ્વાસ્થ્યકર જેલોમાં વિતાવવા મજબૂર થયા છે. જો કે, તેઓ આપણા પ્રજાસત્તાક જીવનમાં આટલું મોટું યોગદાન આપી શકે છે. હવે સમય આવી ગયો છે કે, આપણા ન્યાયાધીશોમાં એ શાલિનતા અને સાહસ પેદા થાય જેનાથી તેઓ એ સ્વતંત્રતા આપી શકે જે વર્તમાનમાં તેમને આપવામાં આવી રહી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top