Dakshin Gujarat

કરોડોનું સોનુ ચોરવા અંકલેશ્વરમાં ચોરોએ સિરીઝ મની હાઇટ્સ જેવો પ્લાન બનાવ્યો

અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) મુથુટ ફાઇનાન્સમાં (Muthoot Finance) રહેલું કરોડોનું સોનું (Gold) ચોરી (Theft) કરવા તસ્કરોએ ભાડા કરાર કરી દુકાન લઈ રાતે દીવાલમાં મસમોટું બાકોરું પાડી ચોરી અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સાયરન રણકી ઊઠતાં ચોરોને પોલીસથી જીવ બચાવી નાસવાનો વારો આવ્યો હતો.

અંકલેશ્વરમાં ચોરોએ કરોડો રૂપિયાનું સોનુ ચોરી કરવા બનાવેલો પ્લાન ઊંધો પડ્યો હતો. પ્રતીન ચોકડી નજીક રાજકમલ આર્કેડના પહેલા માળે મુથુટ ફાઇનાન્સની ઓફિસ આવેલી છે. જેની બાજુની દુકાન 10થી 12 દિવસ પહેલા તસ્કરોએ ચોરી કરવા ભાડે લીધી હતી. આટલું ઓછું હોય તેમ આ તસ્કરોએ ભાડા કરાર પણ કર્યો હોવાની વિગતો પોલીસ પાસેથી હાલ સાંપડી રહી છે. જેની કોપી પોલીસે મેળવવા કવાયત કરી છે. તસ્કરો પ્લાનિંગ મુજબ ગેસ કટર, છીણી, હથોડી, પાનાં-પેચિયાં સહિતનો જરૂરી તમામ સામાન આ કરોડોની ચોરીને અંજામ આપવા નવો વસાવીને લઈ આવ્યા હતા. શનિવારે રાતે 12 કલાકના અરસામાં ફાઇનાન્સની બાજુમાં લીધેલી ભાડેની દુકાનની કોમન વોલમાં તસ્કરોએ મસમોટું ગાબડું પાડી દીધું હતું. ત્યાંથી સામાન-ઓજારો લઈ તસ્કરો મુથુટ ફાઇનાન્સમાં પ્રવેશ્યા હતા. એકાદ-બે સાયરનના વાયરો પણ કટર વડે કાપી નાંખ્યા હતા.

જો કે, 12.30 કલાકની આસપાસ એક સાયરન ગૂંજી ઊઠતાં તસ્કરોનો હરખ ઓસરી ગયો હતો. અને હવે પોલીસ પકડી લેશે એવા ડર સાથે નાસવાનો વારો આવ્યો હતો. આ ઘટના અંગે ચોરીના પ્રયાસની ફરિયાદ મુથુટ ફાઇનાન્સના મેનેજર ઉત્પલ પાંડેએ શહેર પોલીસમથકે નોંધાવી હતી. શહેર પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસેલની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન CCTV ફૂટેજ પણ મેળવવા તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તસ્કરોએ 10થી 12 દિવસ પહેલાં જ ફાઇનાન્સની બાજુની દુકાન ભાડે રાખી હતી. અને જેનો ભાડા કરાર કર્યો હોવાની વિગતો બહાર આવી છે.

લોકરમાં 8થી 9 કરોડ રૂપિયાનું સોનું હતું
મુથુટ ફાઇનાન્સમાં 8થી 9 કરોડ રૂપિયાનું લોકોનું સોનું સેઇફ લોકરમાં પડ્યું હોવાની વિગતો બહાર આવી છે. ગોલ્ડ લોનની શાખાઓમાં 4 લેયરની સુરક્ષા હોય છે. સાથે 3 જેટલાં સાયરન અને સીસીટીવીની કડક દેખરેખ, બંધ શાખામાં કોઈપણ તસ્કર જેને જાણકારી ન હોય અને અંદરના સ્ટાફની મદદ કે સિક્યુરિટી કોડ સહિતની માહિતી વિના ચોરીને અંજામ આપવો અશક્ય રહે છે. બાજુની દુકાન ભાડે રાખી અંકલેશ્વરની મુથુટ ફાયનાન્સની ઓફિસમાં બાકોરું પાડી ચોરીનો પ્રયાસ

Most Popular

To Top