સુરત : સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે સરસાણાખાતે તા. 25,26 અને 27 ફેબ્રુઆરી 2023 દરમિયાન ફુડ એન્ડ એગ્રો ટેકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં થાઈફૂડના 40 સ્ટોલ છે જેમાં આજરોજ થાઈલેન્ડની મહિલા એક્ઝિક્યુટીવનું પાકિટ મારીને ગઠિયા પલાયન થઈ ગયા હતા. બ્યૂટી પ્રોડક્ટના સ્ટોલ પર થાઈ મહિલાને બે વ્યકિતએ ખરીદીની વાતચીતમાં પોરવી અને એક વ્યકિતએ ટેબલની નીચે જઈને તેણીનું પાકિટ તફડાવી લીધું હતું. જેમાં થાઈ મહિલાએ રોકડ સહિત પોતાનો પાસપોર્ટ પણ ગુમાવતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
- ચેમ્બરના ફૂડ એન્ડ એગ્રો ટેકના થાઈ પેવેલિયનમાંથી થાઈલેન્ડની મહિલાનું પર્સ ચોરાયું : ઠગોએ સુરતનું નામ બદનામ કર્યુ
- મહિલાએ પાસપોર્ટ, વિઝા, 6 હજાર બાહ્ત અને 10 હજાર રોકડા ગુમાવતા મુશ્કેલીમાં, ખટોદરા પોલીસ દ્વારા તત્કાળ સીસીટીવી ફૂટેજ ચકાસી ઠગોની ઓળખની કાર્યવાહી કરવામાં આવી
ચેમ્બરના એક્ઝિબિશનમાં આ રીતે ચોરી થવાની ઘટનાઓ ચોંકવાનારી છે. ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બની છે જેના કારણે સુરતનું નામ ખરાબ થઈ રહ્યું છે. સરસાણા ખાતે ચાલી રહેલા આ ફુડ એન્ડ એગ્રો ટેકમાં થાઇલેન્ડ પેવેલિયન બનાવાયું છે. છેલ્લા બે દિવસમાં 20 હજાર કરતા વધારે લોકોએ થાઈલેન્ડ પ્રેરિત એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. પરંતુ આજરોજ બનેલી ઘટનાના પગલે થાઈલેન્ડ આવેલા લોકો થોડા ચિંતામાં મુકાઈ ગયા છે કેમકે મહિલા એક્ઝિક્યુટિવની નજર સામે જ કોઈ ગઠિયા વાતોમાં ભોળવી પર્સ મારી ગયા. આ અંગે આયોજકો દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
થાઈ મહિલાને વાતોમાં રોકી સીસીટીવીમાં ગઠિયા ચોરી કરતા દેખાયા
ફુડ એન્ડ એગ્રો ટેકના સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ ઠગો દેખાયા છે. ખટોદરા પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્ય દેખાય છે તેમાં સ્ટોલ પર ઉભેલી થાઈ મહિલાને 3 ગઠિયાઓએ ઘેરી લીધી હતી. એક વ્યકિતએ મહિલાને વાતચીતમાં વ્યસત કરી હતી. બીજો બ્યૂટી પ્રોડકટનો ભાવ પૂછતો દેખાય છે. દરમિયાન ત્રીજો વ્યકિત ત્વરીત ટેબલ નીચે ઘૂસીને સામેની સાઈડ પર ખુરશી પર મુકેલું મહિલાનું પાકિટ ચોરતો સીસીટીવીમાં દેખાઇ રહ્યો છે. મહિલા એક્ઝિક્યુટિવ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સને આ મામલે જાણ કરવામાં આવી હતી. મહિલાના પાકિટમાં 6000 બાહ્ત,( થાઈ કરન્સી) 10,000 રોકડ , મહિલાનો પાસપોર્ટ, વિઝા, એટીએમ અને ડેબીટ કાર્ડ તથા અન્ય સામાન હતો જેની ચોરીની ફરિયાદ ખટોદરા પોલીસમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ખટોદરા પોલીસ દ્વારા ઠગોને ઓળખી લેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબ્જે કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં જવેલરી એક્ઝિબેશનમાં 3 વર્ષ પહેલા ચોરી થઇ હતી. આ મામલે આરોપીઓ દિલ્હી અને સુરત રેલવે સ્ટેશનથી પકડાઇ ગયા હતા.
ચેમ્બરનાં પ્રદર્શનમાં 8 વરસમાં ત્રીજી ચોરીની ઘટના
સુરત: ચેમ્બરનાં 80 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી જેમ એન્ડ જવેલરીના એક્ઝિબીશન સ્પાર્કલમાં બે વાર ચોરીનો બનાવ બન્યો હતો અને હાઈ સિક્યોરિટી સર્વેલન્સ કેમેરાની ભરમાર વખતે બંને વાર આરોપીઓ ગણતરીના કલાકોમાં પકડાઈ ગયા હતાં. આટલી ટાઈટ સિક્યોરિટી છતાં આજે ચોરોએ સિક્યોરિટી એજન્સી અને પોલીસને પડકાર ફેંક્યો હોય એમ ચેમ્બરનાં ફૂડ એન્ડ એગ્રીટેક એક્ઝીબિશનમાં આવેલાં થાઇલેન્ડના 40 ઉદ્યોગ સાહસિકોનાં ‘થાઈ પેવેલિયન’માં બ્યુટી એન્ડ કેર પ્રોડકટનું વેચાણ કરનાર થાઈ મહિલા ઉદ્યોગ સાહસિકનું ધ્યાન બીજી તરફ દોરાવી એક ગઠિયો તેમનું પર્સ મારી ગયો હતો. ચેમ્બરના પ્રદર્શનમાં આઠ વરસમાં આ ત્રીજી ચોરી છે.
છેલ્લે વર્ષ 2018માં ઉત્તરપ્રદેશનાં દેવરિયાનો પ્રોફેસર પ્રભુનાથ મિશ્રા બાય પ્લેન દિલ્હીથી અમદાવાદ થઈ સુરત આવી 99.3 કેરેટનાં 6 લાખની કિંમતના હીરા ચોરી સુરત રેલવે સ્ટેશને પહોંચતા સીસીટીવી કેમેરાની મદદથી પકડાઈ ગયો હતો. બીજા બનાવમાં વર્ષ 2016માં સ્પાર્કલ એક્ઝીબિશનમાં સુરતનાં ટીઆરા જવેલર્સના સ્ટોલ પરથી લાખોની કિંમતનો હીરાનો હાર તફડાવી સુરત એરપોર્ટથી ફ્લાઈટમાં બેસી દિલ્હી એરપોર્ટ પહોંચતાને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. એ વખતે પણ આરોપી સીસીટીવી ફુટેજમાં ચહેરો સંતાડી શક્યો ન હતો. આજે થાઇ પેવેલિયનમાં બનેલી ઘટનામાં પણ એક ચોર સાથે બે શકમંદ કેમેરાથી બચી શક્યા ન હતાં.