શિયાળામાં સૂરજના સોનેરી તડકામાં રાજાનો દરબાર રાજના બગીચામાં ખુલ્લામાં ભરાયો હતો. દરબારમાં દૂર દેશનો હીરાનો વેપારી આવ્યો તેને રાજા સામે શરત મૂકી કે ‘મારી પાસે બે હીરા એવા છે કે એક એકદમ કિંમતી હીરો છે અને એક નગણ્ય કાચ… આ બેમાંથી કયો સાચો હીરો છે અને કયો ખોટો કાચ છે તે અહીં કોઈ પારખી શકે તો તે હીરો તમારો અને જો ન પારખી શકે તો લાખો સોનામહોરો તમારે મને આપવી પડશે.’ વેપારીની શરત સાંભળી રાજાએ કહ્યું, ‘ઠીક છે.’વેપારીએ બગીચામાં ખુલ્લામાં ભરાયેલા રાજાની સામે મુકાયેલા ટેબલ ઉપર બંને હીરા પોતાના ખિસ્સામાંથી કાઢીને મૂક્યા. બંને હીરા આબેહુબ હતા ખબર પડે જ નહીં કે કયો અસલી હીરો છે અને કયો કાચ.દરબારમાંથી કોઈ હીરો પરખવા આગળ આવ્યું નહિ.
રાજાની અને રાજયની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી હતી. રાજાએ કહ્યું, ‘શું કોઈ નથી આપણા રાજ્યમાં કે જે આ વેપારીની શરત પૂરી કરી શકે?’એક આંધળો વ્યક્તિ આગળ આવ્યો કહ્યું કે, ‘રાજાજી મને કોશિશ કરવા દો.’બધા હસવા લાવ્યા કે એક આંધળો વ્યક્તિ શું પરખ કરશે. રાજાએ વિચાર્યું કે, આ આંધળા વ્યક્તિએ હિંમત કરી છે તો ભલે કોશિશ કરે. રાજાએ આંધળા વ્યક્તિને હા પાડી, મંત્રીજી તેને હાથ પકડીને રાજાની સામે જ્યાં બે હીરા મૂક્યા હતા ત્યાં લઈ ગયા. આંધળા વ્યક્તિએ કહ્યું, ‘મંત્રીજી મારા બંને હાથમાં તે હીરા મૂકી દો.’મંત્રીજીએ એક પછી એક બંને હાથમાં એક એક હીરા મૂક્યા અને અંધ વ્યક્તિએ પળવારમાં જણાવ્યું કે મારા જમણા હાથમાં સાચો હીરો છે અને ડાબા હાથમાં કાચ છે. આ સાંભળી વેપારી અવાચક થઈ ગયો કારણ કે આંધળાનો જવાબ સાચો હતો.
વેપારીએ શાબાશી આપતા કહ્યું કે, ‘વાહ નજરવાળા પારખી ન શક્યા અને તમે જોયા વિના સાચી પરખ કરી લીધી… રાજન, શરત, મુજબ આ હીરો હું તમને ભેટમાં આપું છું.’ પછી વેપારી આંધળા તરફ ફર્યો અને પૂછ્યું, ‘આપ મને કહેશો કે તમે કેવી રીતે પરખ કરી?’આંધળો વ્યક્તિ બોલ્યો, ‘આ શિયાળાની સવારનો તડકો તપી રહ્યો છે અને મંત્રીજીએ જ્યારે મારા હાથમાં બે હીરા મૂક્યા હતા ત્યારે એક હીરો ગરમ થઈ ગયો હતો અને એક ઠંડો જ હતો એટલે જે ગરમ થઈ ગયો હતો તે કાચ હતો અને જે ઠંડો હતો તે સાચો હીરો હતો. એના પરથી મેં પારખી લીધું.’
આજ રીતે સાચા વ્યક્તિની પરખ થાય છે જે વ્યક્તિ નાની નાની વાતમાં ગરમ થઈ જાય, ગુસ્સે થઈ જાય, તપી જાય તે કાચ સમાન નગણ્ય છે અને જે વ્યક્તિ મુશ્કેલીઓમાં તકલીફમાં કે કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં હંમેશા મનની શાંતિ જાળવી રાખે, મગજ શાંત રાખીને માર્ગ કાઢવાની કોશિશ કરે તે વ્યક્તિ હીરા સમાન છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.