અભ્યાસ કરી પારંગત થતા, સાત સાત વર્ષના આ લાંબાગાળામાં ગુરુ શિષ્યનો સંબંધ પિતા પુત્રના વાત્સલ્યમાં વણાઈ જતો. દર વર્ષે પહેલા વર્ષમાં નવા વિદ્યાર્થીઓ જોડાતા અને છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ સાત વર્ષ બાદ આયુર્વેદાચાર્ય બની ઘરે પ્રસ્થાન કરતા. છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો છેલ્લો દિવસ હતો. બધા વિદ્યાર્થીઓ ગુરુજીના આશીર્વાદ લેવા આવ્યા. ગુરુજીએ બધા શિષ્યોને કહ્યું, આજે તમારો અહીં વિદ્યાપીઠમાં છેલ્લો દિવસ છે. હવે અહીંથી બહાર નીકળીને તમારે તમારા જ્ઞાનનો ઉપયોગ સમાજ સેવા માટે કરવાનો છે. આજે છેલ્લા દિવસે તમારી છેલ્લી પરીક્ષા છે. હું આજથી તમને એક મહિનાનો સમય આપું છું. આપણી વિદ્યાપીઠના આસપાસના એક યોજન વિસ્તારમાંથી એક છોડ એવો શોધી લાવો જે કોઈપણ રીતે ઔષધી રૂપે કામ આવતો ન હોય.
આ કસોટી તમારું આખરી મૂલ્યાંકન છે અને મારી ગુરુદક્ષિણા પણ છે. બધા વિદ્યાર્થીઓને નવાઈ લાગી કે આવી કેવી કસોટી કોઈક દુર્લભ ન ખબર હોય તેવો છોડ અને તેના ઔષધીય ગુણ શોધવા એ કસોટી હોઈ શકે, પણ આ તો ગુરુજીએ સાવ બિલકુલ ઉપયોગી ન હોય તેવો છોડ ગોતી લાવવા કહ્યું છે. આ તો સાવ સહેલું છે. બધા જ શિષ્યો ખુરશી જેવા સાધનો લઈ ઉત્સાહમાં નીકળી પડ્યા. કોઈ બે દિવસમાં કોઈ ચાર દિવસમાં કોઈ દસ દિવસમાં કોઈને કોઈ છોડ લઈને આવી. પરંતુ ગુરુજીએ બધા છોડનો કોઈને કોઈ ઔષધીય ગુણ તેમને સમજાવ્યો. આમ, બધા જે છોડ લઈને આવતા ગુરુજી દરેક વખતે ના પાડતા અને છોડનો ઔષધીય ગુણ સમજાવતા. આમને આમ એક મહિનો વીતી ગયો.
શિષ્યો પાછા આવવા લાગ્યા, પરંતુ કસોટીમાં નાપાસ જ થતા. બરાબર એક માસની અવધિ પૂરી થવામાં થોડા કલાક બાકી હતા, ત્યારે હતાશ શિષ્ય સોહમ ખાલી હાથે પાછો આવ્યો. ગુરુજીના ચરણ પકડીને રડવા લાગ્યો, બોલ્યો ગુરુજી મને માફ કરો એવી કોઈ જ વનસ્પતિ મને નથી મળી જે બધી જ રીતે નકામી હોય. સોહમના આ શબ્દો સાંભળી ગુરુજી ખુશ થઈ ગયા અને બોલ્યા સોહમ તું એક જ આ કસોટીમાં સફળ થયો છે, જા જીવનમાં પણ સફળ થશે અને સમાજ સેવા માટે કાર્ય કરજે અને પછી ગુરુજીએ બધા જ શિષ્યોને કહ્યું દરેક છોડ, પાન, ફળ, ફૂલ, ડાળી અને મૂળ બધાના જ ગુણધર્મ અને ઉપયોગીતા બરાબર રીતે સમજવા જરૂરી છે. તે યાદ રાખજો બધા જ શિષ્યો ગુરુજીને વંદન કરી પોતાના માર્ગે પોતાના જીવનમાં આગળ વધ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
