આણંદ : આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે પાલિકાના ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ગોયા તળાવમાં સવારથી સાંજ સુધીની કામગીરી બજાવવામાં આવી રહી છે. આણંદમાં 19મીના રોજ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારમાં ગણપતિ વિસર્જન હોવાના કારણે આણંદ પાલિકાની ફાયરબ્રિગેડ દ્વારા શહેરના ગોયા તળાવ ખાતે ભીડ ન થતાં શાંતિપૂર્વક રીતે ગણપતિનું વિસર્જન થાય તે માટે તૈયારી આરંભી દીધી છે. જોકે આ વખતે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ચાર ફૂટથી ઊંચી શ્રીજીની મૂર્તિ ઓ સ્થાપવાની મનાઇ કરવામાં આવી છે. જેના કારણે મંડળના આયોજકોએ દ્વારા ઇક્કોફ્રેન્ડલી માટીના ગણપતી તેમજ નાની સાઇઝની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.
આ અંગે સુપ્રિટેન્ડન્ટ ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, આણંદ શહેરના મધ્યમાં આવેલા ગોયા તળાવ ખાતે શહેર તથા આજુબાજુના વિસ્તારના ગણપતિનું વિસર્જન કરવામાં આવશે. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ કાર્યરત રહેશે તથા ફાયર બ્રિગેડના ચુસ્ત અને તાલીમબદ્ધ લશ્કર દ્વારા શ્રીજીની મૂર્તિનું વિધિવત વિસર્જન કરવામાં આવશે. જોકે આ વખતે મોટી સાઈઝના ગણપતિ ન હોવાથી ક્રેન અથવા અન્ય સાધનની મદદ લેવામાં આવશે નહીં. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ સવારથી સાંજ સુધી ગોયા તળાવ ખાતે કામગીરી બજાવી રહી છે.
બે ઇલેક્ટ્રોનિક તરાપા અને એક સ્પીડ બોટ સતત મોનિટરિંગ કરશે
ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બે ઇલેક્ટ્રોનિક તરાપા અને એક સ્પીડ બોટ તળાવમાં સતત મોનિટરિંગ કરશે. જેથી કરીને શ્રીજીનું વિસર્જન સાવધાની અને શાંતિપૂર્વક થઈ શકે.