એક માણસ લાંબા સમયથી ચાલતો હતો. તેના પગમાં છાલાં પડી ગયાં હતાં. ભૂખ અને તરસ તેને પરેશાન કરતાં હતાં.કંટાળી ગયો હતો અને થાકી પણ ગયો હતો પણ અટકવાનું નામ લેતો ન હતો;પોતાના પથ પર આગળ વધતો જતો હતો.એને જવું હતું દૂર દેખાતા પર્વતની પેલે પાર.આ ઊંચા પર્વતની તળેટીમાં પહોંચ્યા બાદ પણ હવે તેને આખો પર્વત પાર કરીને તેને પેલે પાર જવાનું હતું.પોતાના લક્ષ્ય અને પોતાની વચ્ચે આ પર્વત હતો, જે માણસે દૂર કરવાનો હતો.તેને પોતાના હાથમાં રહેલો ઘણ [મોટો હથોડા જેવું સાધન] ઉઠાવ્યો અને પહેલો ઘા માર્યો અને એક મોટો ખડક તૂટીને પડ્યો.બીજો ઘા માર્યો, બીજો ટુકડો છૂટો પડ્યો.તેનામાં થાકને લીધે તાકાત ઓછી હતી છતાં તે અટક્યો નહિ અને એક પછી એક ઘા મારતો રહ્યો અને પર્વત થોડો થોડો તૂટતો રહ્યો.તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું.આખું શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું.પણ ન તે અટક્યો ..ન થાક્યો સતત કોઈ ફરિયાદ કર્યા વિના પોતાનું કામ કરતો રહ્યો.
કામ અઘરું હતું પણ તે હાર્યો નહિ, એક પણ નિશ્વાસ નાખ્યો નહિ.થાકીને બેસી ગયો નહિ અને કોઈ બીજાને કે વચ્ચે આવતા પથ્થરને પણ તેણે દોષ આપ્યો નહિ.ધીમે ધીમે પણ સતત તે પથ્થર તોડ્યે જતો હતો.ગરમી વધી. સૂરજનો તાપ તેના શરીરને દાઝી રહ્યો હતો.ગળું સુકાઈ રહ્યું હતું.શરીરમાં બિલકુલ તાકાત રહી ન હતી છતાં તે મહેનત કરી રહ્યો હતો. અચાનક પર્વતને વાચા ફૂટી અને પર્વત બોલ્યો, ‘માણસ આ મૂર્ખતા છોડ,પાછો વળી જા,મને પાર કરી, તોડીને માર્ગ મેળવવો આસાન નથી.’ માણસે કહ્યું, ‘હું માર્ગ કયાં જોઉં છું? મારી નજર તો મારી મંઝિલ પર છે.રસ્તામાં જે આવે તે બધું પાર કરીને મારે ત્યાં પહોંચવાનું છે.’
આ જવાબ સાંભળીને પર્વત ખુશ થયો અને તે પોતે બે ભાગમાં વહેંચાઇ ગયો અને માણસને કહેવા લાગ્યો કે ‘માણસ તારી મહેનત અને નિષ્ઠાને સલામ છે. આ જો હરિયાળા મેદાન…તારી મંઝિલ.સફળતા તારું સ્વાગત કરે છે, જે થાક્યા વિના હાર્યા વિના કામ કરે છે તેવા કર્મયોગીઓનો આદર કરી સફળતા આનંદથી તેને ભેટે છે.’ પર્વતનો આભાર માની અને તેના સૌજન્યને વંદન કરી માણસ ખુશ થતો પોતાની મંઝિલ તરફ આગળ વધ્યો.આ છે નાનકડી અર્થસભર રૂપક કથા, જે સમજાવે છે કે જીવનમાં કોઇ પણ સફળતાની મંઝિલ મેળવવી હોય તો અવરોધોના અને વિરોધોના ડુંગરોને સતત મહેનત અને થાક્યા વિના આગળ વધવાની નિષ્ઠાથી અને પ્રેમથી સર કરી શકાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.