હથોડા: કોસંબા નજીકના સાવા ગામની હદમાં હાઇવે પર ઉભેલા ટેન્કરની પાછળ ધડાકાભેર બે ટ્રક અથડાતા અને ટ્રકની પાછળ ટેમ્પો અથડાતા બેના કરૂણ મોત થયા હતા. કોસંબા પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ સાવા ગામની હદમાંથી પસાર થતા હાઇવે પર ટેન્કરના ચાલકે પોતાનું જીજે 12 એઝેડ 2242 નંબરનું ટેન્કર હાઇવેના બીજા ટ્રેક ઉપર પાર્ક કરતા હાઇવે પરથી પસાર થતી જીજે 21 ડબલ્યુ 3666 નંબરની ટ્રકના ચાલકે પોતાની ટ્રક ઉપરથી કાબુ ગુમાવતા, ટ્રક ઉભેલા ટેન્કરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. તે ટ્રકની પાછળ ચાલતો જીજે 05 બીટી 7409 નંબરનો આઇસર ટેમ્પો પાછળથી ટ્રકમાં ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં આઇસર ટેમ્પોની કેબિનનો ખુરદો નીકળી ગયો હતો અને ટેમ્પોના ચાલક અમોલભાઈ વિજયાભાઈ પાટીલ તેમજ સાથે બેઠેલા પ્રજ્ઞેશ અશ્વિનભાઈ પટેલ, બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માતની જાણ થતા જ કોસંબા એકતા ટ્રસ્ટના સભ્યો અને આસપાસના રહીશો તેમજ કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ અંગે કોસંબા પોલીસે ટેન્કરના ચાલકની સામે ફરિયાદ દાખલ કરી બન્ને લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.
હાઈવે પર ઊભા રાખી દેવાયેલા ટેન્કરની પાર્કિંગ લાઈટ, સિગ્નલ કે રિફ્લેક્ટર પણ ચાલુ ન હતાં
કોસંબા પાસે સર્જાયેલા અકસ્માતમાં હાઇવે પર જે ટેન્કર પાર્ક કરવામાં આવ્યું હતું તે ટેન્કરની કોઈ પાર્કિંગ કે સિગ્નલ લાઇટો ચાલુ કરવામાં આવેલ ન હતી અને રોડ ઉપર રિફ્લેક્ટરો રાખ્યા વગર હાઇવે ઉપર પસાર થતા વાહનોને અડચણરૂપ થાય અને લોકોની જિંદગી જોખમાય તે રીતે ટેન્કર ગેરકાયદે પાર્ક કર્યું હતું.
નિર્દોષોને રંજાડતી જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે પર ગેરકાયદે પાર્ક કરાતાં વાહનોનું દૂષણ ડામવામાં નિષ્ફળ
હથોડા: સાવા પાટીયા અને ધામણોદ પાટિયા નજીક હાઈવે પરથી પસાર થતાં કેટલાક વાહનચાલકો ગંભીર બેદરકારી દાખવીને પોતાના વાહનો વાહનવ્યવહારને અડચણરૂપ થાય તે રીતે પાર્ક કરતા હોય છે, જ્યારે બીજી તરફ કામગીરીની વાતો કરતી અને જે હાથમાં આવ્યું તે વાહનચાલક તેમજ કેટલાક નિર્દોષોને દંડાના જોરે રંજાડતી સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ આ વિસ્તારમાં તેમજ કીમ ચાર રસ્તા વિસ્તારમાં રોજ સવારથી સાંજ સુધી લટાર મારતી દેખાય છે. પરંતુ આ વિસ્તારમાં હાઇવે પર ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ખસેડવામાં સતંદર નિષ્ફળ રહી છે. જેના કારણે જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં રહેતા વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો છે.